મોબાઇલના માળામાં બેઠેલાં પંખીને વસંતની વીણા ક્યાંથી સંભળાય?

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
ને શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે.
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ
કૂંપળ ફૂટી નહીં.
ત્રાંસી ખુલેલી બારીને
બંધ કરી
કાચની આરપાર
કશું દેખાતું નહોંતું.
ફ્લાવર વાઝમાં
ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યુ:
તમને ખબર છે, આજે વસંતપંચમી છે?

– સુરેશ દલાલ

ગુજરાતી કવિતામાં વસંત ઋતુ સારી પેઠે ખીલી છે. ઉમાશંકર જોષીની કવિતા ‘વાયરા વસંતના’ હોય કે જયંત પાઠકની ‘રોકો વસંતને’. પ્રજારામ રાવળ તો વળી વસંતને વૈરાગી કહે છે, ‘શિશિર તણે પગલે વૈરાગી, વસંત આ વરણાગી.’ મહેશ દવેએ લખ્યું, ‘શિશિરને જે જાણે નહીં, તે વસંતને માણે નહીં.

આપણે આધુનિક યુગના માણસો છીએ. મોબાઇલના માળામાં બેઠેલાં પંખી! ત્યાંથી જ આપણને શિશિર કે વસંતના ટહુકા સંભળાય. બાજુમાં ઊભેલું ફૂલોથી ફાટફાટ થતું ઝાડ, કલરવમાં લીન પંખીઓ અને વૃક્ષોની વાયરા સંગે થતી વાતો આપણા બહેરા કાનને ક્યાંથી સંભળાય? આપણે સ્ક્રીનની બીન ઉપર નાચતી પ્રજાતીઓ છીએ. મોબાઇલ નામનો મદારી એની સ્ક્રીનની મોરલી વગાડ્યા કરે છે અને આપણે સાપ જેમ ડોલ્યા કરીએ છીએ. આપણો બેસણાનો શોક પણ ત્યાં અને બર્થડેની પાર્ટી પણ એ જ જગ્યાએ ઉજવાય. અભિનંદન ટેરવાથી ત્યાં ઠાલવીએ અને કોકના દુઃખદ પ્રસંગે ઇમોજીથી રોદણું પણ ત્યાં જ રોઈ લઈએ. જાત અને જીવને છેક હૈયા સુધી અનુભવાવું જોઈએ એ તો ક્યારનું અલિપ્ત થઈ ગયું છે. આપણી વસંત પણ એની ક્રીન પર જ ઊઘડે અને પાનખર પણ ત્યાં જ. આપણો શિશિર પણ ત્યાં જ દેખા દે અને ગ્રીષ્મઋતુ પણ ત્યાં જ તડકા ઢોળ્યા કરે. ઋતુઓ બાપડી વિચારતી હશે કે આ મોબાઇલ જબરી બલા છે, અમે રૂબ બદલી બદલીને અવનવા રંગો ઠાલવીઠાલવીને, ઢાટ-તડકો-વરસાદ મોકલી મોકલીને થાકી ગયા આ માણસો તો મોબાઇલમાંથી મોઢું જ ઊંચું નથી કરતા. ન જાણે કેવી મોસમ બેઠી છે સ્કીન પર કે અમારા પર ધ્યાન નથી આપતા?

સુરેશ દલાલ વર્ષો પહેલાં આ કવિતા લખેલી. ત્યારે મોબાઇલ કે અન્ય માધ્યમો આટલા હાવી નહોતા થયાં. પણ તે જાણતા હતા કે આપણે પ્રકૃતિથી છેડો ફાડીને વિકૃતિ સાથે સંબંધ બાંધનારી પ્રજાતિ છીએ. ફિલ્મમાં કોઈ છોકરીની છેડતી થતી હોય તો જીવ બળી જાય, ચહેરો ગુસ્સાથી રાતોપીળો થઈ જાય. હીરો ના પહોંચે તો હું જઈને છોડાવી આવું, ગુંડાઓને ધોઈ નાખું એવા એવા વિચારો મનમાં હડિયાપાટી કરી નાખે. પણ ખરેખર ક્યારેક આંખની સામે જ ક્યાંક આવું થાય તો મોટાભાગના કંઈ જોયું જ ન હોય તેવો ડહોળ કરીને ચુપચાપ પોતાનો રસ્તો પકડી લે છે. સંસ્કારી હોવાની શરણાઓ વગાડતા આપણે મૂલ્યો અને નીતિની વાતો કરતા થાકતા નથી. પણ એ જ મૂલ્યોની ધાર પર ચાલવાનું આવશે ત્યારે પાણીમાં બેસી જઈશું.

થોડા દિવસ પછી વસંત આવશે. એ જોવા નહીં આવે કે ફેસબુકમાં કેટલા લોકોએ મારા વિશે કવિતા મૂકી છે, કેટલા લેખો લખાયા છે, કેટલાએ ઉછીના ફોટા કોપીપેસ્ટ કરીને શેર કર્યા છે. એ તો પોતાની મસ્તીમાં મહાલશે, મારી તમારી તમા રાખ્યા વિના. એ આહ્વાન પણ આપશે પોતાના રંગોને માણવાનું, નિમંત્રણપત્રિકા મોકલશે ફૂલોના રંગો અને મહેક દ્વારા. પણ વાસંતી વાયરો તમને અડે અને મોબાઇલના માળામાંથી નીકળીને પ્રકૃતિના ખોળામાં બેસશો તો આપોઆપ તમારામાં વસંત મહોરી ઊઠશે. પ્રકૃતિ તો બોલાવી રહી છે, બધાને, બે હાથ પહોળા કરીને. મોબાઈલની સ્કીનની બીનના તાલે નાચવાનું છોડી વસંતની વીણા સાંભળશો તો રુંવેરુંવું મહોરી ઊઠશે. હૃદય પંખી જેમ ટહુકી ઊઠશે. કોઈ ગમતા નામનાં ફૂલો ખીલવા લાગશે ચિત્તમાં. વસંત જેવા જ રંગો મનમાં ઊભરાવા લાગશે. છલકાવા લાગશે લાગણીઓથી અંગેઅંગ. આંખમાં સપનાની રંગોળી પુરાવા લાગશે.

લોગઆઉટ:

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

અમે જે પાનખરોમાં વિખેરી નાંખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.

ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!

વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.

– હિતેન આનંદપરા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો