જુલ્ફ કેળા વળ સમી છે ભાગ્યની ગુંચો બધી

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

પ્યાસને તૃપ્તિના સાગરમાં જે ઝબકોળી શકે,
એ જ રણના મનસૂબાને ધૂળમાં રોળી શકે.

હું અગર ખોવાઈ જાઉં ખુદબખુદ નિજ ખોજમાં,
છે ફકત એક જ ખુદા કે જે મને ખોળી શકે.

જુલ્ફ કેળા વળ સમી છે ભાગ્યની ગુંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.

એટલે તો સાચવ્યા નિ:સ્વાર્થ આંસુ દિલ મહીં,
ભૂલથી ના એને જગનું ત્રાજવું તોળી શકે.

શૂન્ય આજે તો જગતને એ કવિની છે જરૂર,
શબ્દની પ્યાલીમાં દિલની આગ જે ધોળી શકે.

- શૂન્ય પાલનપુરી

અલીખાન ઉસ્માનખાન બલોચમાંથી શૂન્ય પાલનપુરી તરીકે ખ્યાતનામ થયેલા આ શાયરે ગુજરાતી ભાષાને અનેક ઉત્તમ શેર અને ગઝલો આપી છે. નામ શૂન્ય છે, પણ મૂલ્ય અમૂલ્ય છે. જિંદગીની અનેક આંટીઘૂંટીને તેમણે ગઝલમાં બખૂબી વણી લીધી છે. મંચ પર કે કાગળ પર, તેમની ગઝલ હંમેશાં ભાવકોનાં હૃદય જીતતી રહી છે.

ઉપર લોગઇનમાં આપેલી ગઝલમાં ફિલસૂફીપૂર્વક ખુમારીનો રણકો સંભળાય છે. અધૂરપ એ માણસનો સ્વભાવ છે. તેને મધુરપમાં ફેરવવી હોય તો સંતોષના સાગરમાં ડૂબકી મારવી પડે. તો જ અસંતોષની આંધીને ખાળી શકાય. પૂર્ણતા ક્યાંય નથી. વિદ્યાર્થીને થાય કે હજી આટલા વધારે માર્ક્સ આવે તો કેટલું સારું. શિક્ષક પોતાની મહેચ્છાના માંડવા બાંધીને બેઠા હોય. માતાપિતા પોતાની આશાના તાપણે તાપતા હોય કે બાળક મોટો થઈને કંઈક કરશે. દરેકને અન્ય પાસેથી કંઈક ને કંઈક અપેક્ષા હોય છે. માણસ જ નહીં, પદ, પ્રતિષ્ઠા, ભાગ્ય, સ્થળ, વસ્તુ અને વિચારો પાસેથી પણ આપણે અપેક્ષા રાખીએ છીએ. ભગવાન બુદ્ધે કહ્યું છે, એષણા એ જ દુઃખનું મૂળ કારણ છે. પોતાની મર્યાદા કે વિશેષતા સમજીને ડગલું ભરવાથી સંતોષ મળે કદાચ. પામવા ગુમાવવાના ચક્રમાંથી બહાર નીકળી સ્થિતપ્રજ્ઞતાની પલાંઠી વાળી લઈએ તો આપોઆપ સંતોષની શરણાઈ ગૂંજી ઊઠે.

ક્યારેક જાતને શોધવામાં જગત મળે છે તો ક્યારેક જગતને શોધવામાં જાત. અને ક્યારેક આ બંનેમાંથી કશુંં સાંપડતું નથી. તો ક્યારેક બંને સાંપડે તેવું પણ બને. પણ જાત, જગત અને શોધવાની વૃત્તિ સુદ્ધાં ખોવાઈ ગયા પછી એક જ તત્ત્વ હોય છે જે આ શોધને અંતિમ મુકામ સુધી પહોંચાડે છે. કદાચ એને જ આપણે ઈશ્વર કહીએ છીએ.

આપણે ભાગ્યના ચીલે ચાલનારા પ્રાણીઓ છીએ. ગ્રહોની ગડમથલથી લઈને હસ્તરેખાના વળાંકો પરથી આપણે જીવનના આરોહ અવરોહ નક્કી કરતા રહીએ છીએ. નસીબ એક વણગૂંચવાયેલું કોકડું છે. દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક ભાગ્યમાં માનનારા અને બીજા ન માનનારા. એક આખો વર્ગ એવો છે જે બેધડક એમ કે છે કે ભાગ્ય જેવું કશુંં હોતુંં નથી. આપણાં કાર્યોથી જ ભાગ્ય રચાય છે. જ્યારે બીજો વર્ગ દૃઢપણે માને છે કે નસીબથી જ બધું થાય છે. એક સુંંદર વાક્ય પણ વાંચ્યું હતું કે, નસીબ કરતા વધારે અને સમયથી વહેલા કોઈને કશું મળતુંં નથી. શૂન્ય પાલનપુરીએ આ વાતને કેટલી અદભુત રીતે સમજાવી છે. વાળમાં જ્યારે વધારે પડતી ગૂંચ થઈ જાય ત્યારે તેને ઉકેલવી મુશ્કેલ હોય છે. એ વખતે કાંસકાની મદદ લેવી પડે છે. એમાં પણ ધ્યાન રાખવું પડે. જાળવીને કામ લેવું પડે. વાળ ન ખેંચાય અને અને પીડા ન થાય તે રીતે તે ગૂંચ ઉકેલવી પડે. શૂન્ય પાલનપુરીએ ભાગ્યને માથાના વાળમાં પડેલી અઘરી ગૂંંચો જેવું કહ્યુંં છે. એ ગૂંચને માત્ર ને માત્ર પ્રયત્નનો કાંસકો જ ઉકેલી શકે. પ્રારબ્ધ અને પ્રયત્નની વાતને કેવી સહજ, સરળ અને ઊંડી વાત કરી કવિએ.

આ કવિ સારી રીતે જાણે છે કે આંસુને જગતનું ત્રાજવું તોલી નથી શકતું. એટલા માટે જ તેમણે પોતાનાં આંસુ પોતાની પાસે જ સાચવી રાખ્યાં છે. તેઓ એ પણ જાણે છે કે જગતને કેવા શાયરની જરૂર છે. એટલા માટે જ તેમણે શબ્દની પ્યાલીમાં આજીવન હૃદયની આગ ઘોળ્યા કરી. આ આગથી જ તેમનો ગઝલબાગ ખીલ્યો છે.

લોગઆઉટ:

કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ,
વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ.

તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો,
જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ.

દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં,
જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ.

આવ્યા, તમાશો જોયો અને લીન થઈ ગયા…
ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ.

શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’ એટલે
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.

– ‘શૂન્ય’ પાલનપુરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો