સુખમાં લખું - વિકી ત્રિવેદી

સુખમાં લખું જો શેર તો કંઈ શેરિયત નથી
યાને હજુ મને આ કલા હસ્તગત નથી

એવું નથી કે આ વ્યથા એવી સખત નથી
પણ જોઈ લઈશ કેમ કે પહેલી વખત નથી

ભગવાન, તારા સ્વર્ગમાં તું ડાકઘર બનાવ
કે મારી મા તરફથી હજુ કોઈ ખત નથી

બેઘર જો હોત તો તમે પીડા કળી શકત
કિન્તુ અહીં દીવાલ છે ને ફક્ત છત નથી

કંઈ કર્ણ જેવી વેદનાનું કર્જ બાકી છે
અફસોસ કિંતુ મારે કોઈ સલ્તનત નથી

- વિકી ત્રિવેદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો