કશુંય આખરી ક્યાં છે - રઈશ મનીઆર

કશુંય આખરી ક્યાં છે સતત ઝુરાપા સિવાય
દરેક મુકામ બીજું કંઇ નથી વિસામા સિવાય

મળ્યો છે તમને પ્રતિષ્ઠાનો એક પરપોટો,
કરો જતન હવે છૂટકો નથી ટકાવ્યા સિવાય.

સફળતા અલ્પજીવી ને પ્રલંબ જીવનપંથ,
અભાગી છે, ન મળે જેને સુખ સફળતા સિવાય.

સંબંધમાંથી સમય ખાસ કંઇ હરી ન શક્યો
બધું જ જેમ હતું તેમ છે, ઉમળકા સિવાય.

બહુ ઉમંગ હતો જગમાં કૈંક કરવાનો,
જગે કશું જ ન કરવા દીધું કવિતા સિવાય.

કહી દો વ્યસ્ત છું એના જ આ તમાશામાં
મળી શકે તો મળે ત્યાગ કે તપસ્યા સિવાય.

– રઈશ મનીઆર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો