સેંકડો બળાત્કારો સહન કરનારો સમાજ એક પ્રેમલગ્ન સાંખી નથી શકતો

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇન:

ફકત દિલની સફાઈ માંગે છે
પ્રેમ ક્યાં પંડીતાઈ માંગે છે.


આંખને ઓળખાણ છે કાફી
લાગણી ક્યાં ખરાઈ માંગે છે.


જોઈએ સુખ બધાંને પોતીકાં
કોણ પીડા પરાઈ માંગે છે.


એક ઝાંખી જ એમની ઝંખે
દિલ બીજું ન કાંઈ માંગે છે.


– કિરીટ ગોસ્વામી


પ્રેમ એક એવો જાદુ છે, જેને પ્રેમી સિવાય કોઈ સમજી શકતું નથી. એ પ્રેમી પણ એટલા સમય સુધી જ એ મેજિકને માણી શકે છે જ્યાં સુધી તે પવિત્ર પ્રેમના પમરાટથી મઘમઘતો હોય. જે ક્ષણે એનામાં પ્રેમના ફૂલની ફોરમ ઓછી થાય કે તરત જ તે એક સામાજિક પ્રાણી બની જાય છે. 


બે પ્રેમીઓ સમાજનો વિરોધ કરીને લગ્ન કરે. જીવનમરણનો સંઘર્ષ વેઠે, એક નવો સંસાર રચે. થોડાં વર્ષો પછી તેમને સંતાન થાય, એટલે પોતે સંતાનોને પોતાની ઇચ્છિત જગ્યાએ પરણાવવાની મહેચ્છા રાખે છે. આ જ તો છે પ્રેમની વક્રોક્તિ. આ જ તો છો વહાલનો વિરોધાભાસ. ‘પ્રેમ તો અમારા સમયમાં થતો હતો’, આવું કહેનારા પણ ઓછા નથી. તમારી લાગણી એ પ્રેમ, અમારી ભાવના એ આવેશ! વાહ ઠાકુર! 


વર્ષો પહેલાં પણ હૃદય આ જ રીતે ધબકતું હતું, લાગણીઓના ઉતાર-ચઢાવમાં પણ કોઈ ફેરફાર નથી થયો. પ્રિયપાત્રને જોતા આજે પણ ધબકારા ગમતી ધૂનમાં ફેરવાઈ જાય છે. આંખમાં અમી અંજાઈ જાય છે. શ્વાસમાં સુગંધ રેલાય છે. ગમતું સપનું સાક્ષાત આંખ સામે ઊભું હોવાનો અહેસાસ થાય છે. આવી અનુભૂતિ કોઈ પણ દેશ, સ્થળ, કાળ કે સમાજના વ્યક્તિને થતી જ હશે. બીજું બધું ભલે અલગ હોય, પણ હૃદયમાં જાગતાં સંવેદનોના પડઘા તો એક સરખા જ હોવાનાને? પ્રેમ એ હૃદયનો પડઘો સાંભળીને પગલું માંડે છે. વહાલની વાંસળીના સૂર સાંભળીને સાઝ પુરે છે. સ્નેહનું સરનામું મળે એ તરફ એ ચાલે છે. આત્માની વીણાના તારમાંથી જે સંગીત નીકળે તેમાં તે લીન થાય છે.


પણ જ્યારે પ્રેમ કરવા માટે મંજૂરી લેવાની વાત આવે ત્યાં જ પ્રેમ પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે. જેની પર મંજૂરીની મહોર મારવી પડે એ પ્રેમ કઈ રીતે હોય? પ્રેમની પહેલી શરત તો બે હૃદયની મંજૂરી માગે છે. આ કેવી વિચિત્રતા છે કે સમાજને પ્રેમ જોઈએ છે, પણ પ્રેમી નથી જોઈતા. આવું ન હોત તો હીર-રાંઝા ન થયા હોત, શીરી-ફરહાદની કથા ન રચાઈ હોત. લેલા-મજનુ અમર ન થયા હોત. સેંકડો અબળા ઉપર છડેચોક હિંસાઓ થાય, બળાત્કારો થાય, દુષ્કૃત્યો આચરવામાં આવે તેની સામે બોલવામાં મોટા ભાગના મોઢામાં મગ ભરાઈ જાય છે. પણ બે પ્રેમ કરનારાને છૂટા પાડવા હોય તો માઈક હાથમાં લઈને ચોક ઉપર ચડી જાય છે. સેંકડો બળાત્કારો સહન કરનારો સમાજ એક પ્રેમલગ્ન સાંખી નથી શકતો. જે લોકો આ બધા મહાન પ્રેમીઓની કથા સાંભળીને ગર્વ લેતા હોય છે એ જ લોકોનાં સંતાનો પ્રેમમાં પડે ત્યારે ઘાંઘા થઈ જાય છે. તેમને એ પ્રેમ અનીતિ લાગે છે. 


છેલ્લા ઘણા સમયથી પ્રેમલગ્ન માટે માતાપિતાની સહી ફરજિયાત હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. જો આવું થશે તો કેટલા પ્રેમલગ્ન થશે? કેટલાં માબાપ પોતાના સંતાનના પ્રેમ માટે સહી કરશે? મોટાભાગના માતાપિતાને પોતાના સંતાનના પ્રેમમાં કંઈકને કંઈ ખામી દેખાવાની જ. આ વર્ષોથી થતું આવ્યું છે. છતાં વર્ષોથી પ્રેમ પણ થતો આવ્યો છે. પ્રેમનો રસ્તો ભલે કાંટાળો હોય પણ ગમતી વ્યક્તિનું ગીત હોઠ પર લઈને નીકળી પડીએ તો એ કાંટા પણ આપણી કથાનું પાત્ર બની જાય છે. જ્યારે જ્યારે પણ સમાજની, વ્યક્તિની, રાજ્યની કે દેશની એક તરફી પકડ વધારે મજબૂત બને ત્યારે ત્યારે પરિસ્થિતિ પોતે જ એક મોટો ઉદાહરણરૂપ દાખલો પેદા કરે છે. એ દાખલાઓનું નામ જ કદાચ લૈલા-મજનુ કે હીર-રાંઝા હશે.


સરકાર પ્રેમલગ્ન માટે મંજૂરીનો સોનેરી કાયદો થોપવા માગે છે ત્યારે એ ભલે ગમે તેટલી સોનાની હોય, પણ સાંકળ તો ખરી જ ને? સાંકળ હોય ત્યાં સ્નેહ ગાયબ થઈ જાય છે. રવીન્દ્રનાથ ટાગોરે લખેલું, ‘શંકા એક દરવાજેથી પ્રવેશે તો પ્રેમ તરત બીજા દરવાજેથી વિદાઈ લઈ લે છે.’ પ્રેમલગ્નનો કાયદો બનાવવાનો અર્થ એ છે કે હવે હૃદયની ભાવનાને કાયદાના કક્કે ઘૂંટવી પડશે. પ્રેમ એટલા માટે જ તો પ્રેમ છે કે એ કોઈ બંધનનો બંધાણી નથી. એને પ્રેમનું બંધન માત્ર પ્રેમ છે અને એની મુક્તિ પણ પ્રેમ. એની સામે કાયદાની સુંવાળી ઝાઝમ પાથરવાની વાત કરવામાં આવે ત્યાં જ પ્રેમ પતી જાય છે. 


લોગઆઉટઃ


સતત આઘું ખસીને છેતરે, મૃગજળ તો મૃગજળ છે,

ભીંજવવા દૂરથી આવે નજીક, વાદળ તો વાદળ છે.


ભલે ને હોય કાંટાળો, કશેક લઈ જાય છે રસ્તો,

ભલેને હોય સોનાની છતાં સાંકળ તો સાંકળ છે.


– હર્ષવી પટેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો