જ્યારે મળીએ, જે દિ' મળીએ ત્યારે તે દિ' નવું વરસ

લોગઇન

જ્યારે મળીએ, જે દિ' મળીએ ત્યારે તે દિ' નવું વરસ
મતલબ કે કો' મનથી મળવા ધારે તે દિ' નવું વરસ

ખાસ્સા ત્રણસો પાંસઠ દિ'નો વાર્ષિક ગાળો ધરા ઉપર
હું તો માનું : ક્ષણ જ્યારે પડકારે તે દિ' નવું વરસ

ચહેરા પર રંગોળી, રોમેરોમે દીપક ઝળાહળા
માણસ-માણસ રોશન બનશે જ્યારે તે દિ' નવું વરસ

આળસ જઈને પેસી ગઈ હોય સૂરજના પણ સ્વભાવમાં

એવી આળસ કવિતા સામે હારે તે દિ' નવું વરસ

દરિયો કેવળ નિજમસ્તીનો જોખમકારક બની શકે
તરવૈયાઓ એકબીજાને તારે તે દિ' નવું વરસ

ઈશ્વરનું આપેલું હૈયું ફળિયું શાને બને નહિં ?
આ જ પ્રશ્ન પર લોકો સ્હેજ વિચારે તે દિ' નવું વરસ

— જિતુ ત્રિવેદી

આપણે ત્યાં બે વખત નવું વર્ષ ઉજવાય છે. દિવાળી અને બેસતું વર્ષ તો આખું ભારત ફૂલઝડીની તારાઝરતી ચમકથી રોશન થતું હોય છે, પણ 31 ડિસેમ્બર અને 1લી જાન્યુઆરીએ પણ નવા વર્ષને આવકારવા તત્પર ઊભા રહીએ છીએ. આપણે મૂળ તહેવારપ્રિય પ્રજા છીએ. નાતાલ હોય કે હોય, હોળી, ઈદ હોય કે દિવાળી, મહોરમ હોય કે ઉતરાયણ, સેલિબ્રેશન એ આપણા અંતરાત્માની ઓળખ છે, તેમાં ક્યારેય આપણને ધર્મ નથી નડ્યો, જાતિ નથી નડી, દેશ-વિદેશના બંધનો નથી નડ્યાં. આપણે ધારીએ તો રોજે એક તહેવાર બનાવીને ઊજવી શકીએ. જલસો કરવા માટે આપણને સ્પેશ્યલ દિવસના ટેકાની જરૂર પડી જ નથી. નવરાત્રીના નવ દિવસ ઓછા પડે છે તો આપણે દશેરાએ પણ ગરબાની રમઝટ બોલાવીએ છીએ. વળી પૂનમની સ્પેશ્યલ ગરબાપાર્ટી તો અલગ. એક દિવસની દિવાળીથી આપણને ક્યાંથી પૂરી પડે? એટલે આપણે તેની ઉજવણી અગાઉથી જ શરૂ કરી દઈએ છીએ. વાકબારસ, ધનતેરસ, કાળીચૌદશ જેવા તહેવારોમાં તરબતર થતા થતા આપણે દિવાળી પાસે પહોંચીએ છીએ. પછી બેસતું વર્ષ તો ઊભું જ હોય. ભાઈબીજ, લાભપાંચમ અને તુલસીવિવાહ તો લટકામાં. એમાંથી હજી પરવાર્યા ન હોઈએ, ત્યાં દેવદિવાળી દરવાજે આવીને ઊભી રહે. દેવદિવાળીના ફટાકડાનો અવાજ પત્યો ના હોય ત્યાં તો આકાશામાં પતંગોએ રમઝટી બોલાવવાની ચાલુ કરી દીધી હોય. આકાશને રંગોથી ભરી દીધું હોય.

ઉજવણી આપણા આયખામાં ઓતપ્રોત થઈ ગઈ છે. જેમ કપાસમાં રૂ, તેમ આપણા જીવનમાં ઊજવણી. જીવન હોય કે મૃત્યુ, મિલન હોય કે વિદાય, આનંદ હોય કે શોક, આપણે બધી ભાવનાઓને સેલિબ્રેટ કરવામાં માનીએ છીએ. દિકરીની વિદાયમાં આખો પરિવાર રડવાનો આનંદ લે છે. આમાં ‘આનંદ’ શબ્દ ઉપર ખાસ ભાર આપવા જેવો છે. આ આનંદમાં પારાવાર પીડા હોય છે, છતાં હૃદયથી દીકરીને યોગ્ય ઘરે વળાવ્યાનો સંતોષ પણ હોય છે. મૃત્યુ પછીના બેસણામાં પણ આપણે કાળાં કપડાં નથી પહેરતા. તેને પણ શ્વેત રંગથી ભરી દઈએ છીએ. જેથી મૃત્યુની કાળાશને ઝાંખી પાડી શકાય.

લોગઇનમાં આપવામાં આવેલી કવિતા આપણું પાક્કું ગુજરાતીપણું દર્શાવે આપે છે. જ્યારે મળીએ, જે દિ મળીએ, એ દિવસ જ આપણી માટે નવું વર્ષ બનવું જોઈએ. આપણે નક્કી કરેલા દિવસે નવું વર્ષ ઉજવીએ, પણ શક્ય છે કે એ જ દિવસે આપણે માનસિક રીતે તે આનંદમાં સામેલ થવા માટે સમર્થ ન હોઈએ. અને જ્યારે સેલિબ્રેટ કરવાના મૂડમાં હોઈએ ત્યારે તહેવાર ન હોય. બહેતર છે કે સેલિબ્રેટ કરવાની ઇચ્છા થાય તો કરી લેવું. ઘણા લોકો કેક ખાવા માટે બર્થડેની રાહ જોઈને બેઠા હોય. અને બર્થડે આવીને ઊભી હોય ત્યારે કેક સિવાય બીજી જ ઇચ્છાની ડાળી પકડીને ઊભા હોય. કોઈ પ્રસંગમાં નાચવાની ઇચ્છા હોય ત્યારે કોઈના આગ્રહની ઝંખના રાખ્યા કરીએ અને કોઈ જ્યારે પ્રેમથી આગ્રહ કરે ત્યારે નૃત્યનો નશો ઊતરી ગયો હોય. જ્યારે જે રંગ ચિત્તમાં ઢોળાય ત્યારે તે રંગને ઊજવી લેવો, તે રંગે રંગાઈ જવું. નહીંતર ગમતા રંગ પાછળ હવાતિંયા જ મારવાનાં રહે.

આપણે જ્યારે જ્યાં હોઈએ ત્યારે ત્યાં નથી હોતા. આપણને મોટે ભાગે સામેવાળી વ્યક્તિ વધારે સુખી લાગે છે. કોઈકની નોકરીની ઈર્ષા થાય, કોઈકના ઘર અને પરિવારની, કોઈકની આર્થિક સધ્ધરતાની તો કોઈની સુંદરતાની. હંમેશાં બીજા પાસે આપણી કરતા વધારે સારું છે, તેવી માનસિક પીડાના ભાર નીચે આપણે હંમેશાં દબાયેલા રહીએ છીએ. આવી પીડાનો પથ્થર આપણા કાગળ જેવી માનસિકતા પર પડ્યો રહે છે, એટલે આપણે પણ કાગળ માફક મનોમન થરથર્યા કરીએ છીએ, ત્યાંથી હલી શકતા નથી. જેવો પેલો પથ્થર હટશે કે તરત કાગળ પવનમાં આમથી તેમ ઊડાઊડ કરી મૂકશે. જો ઊજવી શકીએ તો પ્રત્યેક પળ તહેવાર છે.

લોગઆઉટ

આમ તો જગમાં બધુ કેવું સરસ બદલાય છે
આ નદી બદલાય છે પણ ક્યાં તરસ બદલાય છે
જિંદગીમાં કંઇક તો બદલાવ હોવો જોઈએ
વાત એ સમજાવવા માટે વરસ બદલાય છે.

- કિરણસિંહ ચૌહાણ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો