એક કવિનું સર્જન અન્ય કવિના નામે કેમ ચડી જાય છે?

લોગઇન

ઉમ્રે દરાજ માંગ કે લાઈ થી ચાર દિન,
દો આરઝૂ મેં કટ ગયે દો ઇંતઝાર મેં.

— સીમાબ અકબરાબાદી

લોગઇનમાં આપવામાં આવેલો શેર ઉર્દૂ ભાષાના ઉત્તમ શેરમાંનો એક છે. અગાઉ આ કોલમમાં આ શેર ટાંક્યો, ત્યારે ઘણા લોકોના મેસેજ આવ્યા કે આ શેર બહાદુરશાહ જફરનો છે. આવા મેસેજિસના આધારે મને વિચાર આવ્યો કે હજી પણ ઘણા લોકો આ શેર બહાદુરશાહનો જ સમજતા હશે. પણ તેના મૂળ શાયર તો અકબરાબાદી જ છે. આ શેર 1947માં પ્રકાશિત થયેલા અકબરાબાદીના દિવાન ‘કલીમ-એ-આલમ’માં છપાયેલો છે, વળી તેમણે એક મુશાયરામાં પણ આ શેરનું પઠન કરેલું. સીમાબની આયુષ્યરેખા 1880થી 1951 સુધીની છે. તેમણે અનેક ઉત્તમ ગઝલો આપી છે. ઉર્દુના એક સમયના અગ્રગણ્ય અને આધુનિક શાયર અને અનેક શાગિર્દોના ઉસ્તાદ પણ રહી ચૂકેલા. ઉપરનો અમર શેર જે ગઝલમાં છે, એ ખૂબ લાંબી છે, અહીં ટાંકવી શક્ય નથી, પણ તેનો મત્લા આવો છે.

શાયદ જગહ નસીબ હો ઉસ ગુલ કે હાર મેં,
મૈં ફૂલ બન કે આઉંગા અબ કી બહાર મેં.

હવે પ્રશ્ન એ થાય કે તો પછી આ શેર બહાદુરશાહના નામે કેમ ચડી ગયો? તેનાં બે કારણ હતાં. એક તો આ શેર બહાદુરશાહનું જીવન અને બીજું, આ ગઝલનું બંધારણ.

બહાદુરશાહ હિન્દુસ્તાનના અંતિમ મોગલ બાદશાહ હતા. પોતે ઉત્તમ શાયર અને લોકપ્રિય હતા. ગઝલો લખતા અને મુશાયરાઓનું આયોજન કરતા. તેમનો દરબાર શાયરો કવિઓથી ભર્યો ભર્યો રહેતો હતો. કોઈ બાહશાહ પોતે શાયરી કહેતો હોય એના શાસનમાં કવિઓના માનપાન કેટલા ઊંચા હોય! બહાદુરશાહે પોતાના સમયમાં ગાલિબ, ઝોક, મોમીન, દાગ જેવા અનેક શાયરોને ખૂબ પ્રોત્સાહિત કર્યા. આના લીધે જ એ સમયની ઉર્દૂ શાયરી સમૃદ્ધ છે. આજે પણ એ સમયના શાયરોએ કરેલું કામ ઉર્દૂ સાહિત્યમાં શિલાલેખ સમાન છે. બહાદુરશાહે પોતે અનેક ઉત્તમ અને ઉમદા શેર આપ્યા.

બહારદુરશાહે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામમાં ભારતીય સૈનિકોનું નેતૃત્વ કર્યું હતું. પણ યુદ્ધમાં હારી જવાથી તેમણે ભાગવું પડ્યું. એ વખતે તે હુમાયુના મકબરામાં જઈને છુપાઈ ગયા. મેજર હડસન તેમને પકડવા માટે આવ્યા. હડસનને ખબર હતી કે બહાદુરશાહ ઉર્દૂના મોટા શાયર છે, હડસનને પણ ઉર્દૂ સારું આડતું હતું, શાયરીનો શોખ હતો. તેણે બહાદુરશાહને કહ્યું,

"દમદમે મેં દમ નહીં હૈ ખૈર માંગો જાન કી,
એ જફર ઠંડી હુઈ અબ તેગ હિન્દુસ્તાન કી."

ત્યારે બાદશાહે શાયરના મિજાજને શોભે એવો બાદશાહી જવાબ આપ્યો,
"ગાઝિયો મેં બૂ રહેગી જબ તલક ઈમાન કી,
તખ્ત એ લંદન તક ચલેગી તેગ હિન્દુસ્તાન કી."

બહાદુરશાહ હિન્દુસ્તાનને ખૂબ પ્રેમ કરતા હતા અને હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી હતા. બાદશાહ બનતાની સાથે જ તેમણે ગૌહત્યા પર પાબંદી લાદી દીધેલી. તેમના જીવનનો એક કિસ્સો પણ જાણીતો છે. અંગ્રેજોએ બહાદુરશાહને કેદ કર્યા પછી તેમની પર જુલમની તમામ હદો પાર કરી નાખી. જ્યારે બહાદુરશાહને ભૂખ લાગી ત્યારે અંગ્રેજોએ તેમની સામે થાળીમાં તેમના જ બે દીકરાના માથાં કાપીને પીરસ્યાં. ત્યારે તેમણે અંગ્રેજોને જવાબ આપ્યો કે, હિન્દુસ્તાનના પુત્રો દેશ માટે પોતાનું માથું કુરબાન કરીને બાપ સામે ગૌરવપૂર્વક આ જ અંદાઝમાં હાજર થાય છે. બાદશાહને કેદ કરીને રંગૂન મોકલી દેવામાં આવ્યા, પણ તેમનું હૃદય હિન્દુસ્તાનમાં જ રહ્યું. ઇચ્છતા હતા કે તેમનો અંતિમ સમય હિન્દુસ્તાનમાં વીતે. તેમને જિંદગીભર હિન્દુસ્તાનની ‘આરજૂ’ પણ રહી અને ‘ઇંતઝાર’ પણ રહ્યો. સીમાબ અકબરાબાદીના શેરમાં વ્યક્ત થયેલી વ્યથા બહાદુરશાહ જીવ્યા.

બહાદુરશાહના નામે આ શેર બોલાતો રહ્યો તેનું બીજું એક કારણ એ કે બહાદુરશાહની જ એક ખૂબ જાણીતી ગઝલના રદીફ - કાફીયા અદ્દલ સીમાબ અકબરાબાદીના આ શેર સાથે મળતા આવે છે. આટલું ઓછું હોય તેમ તેમની સળંગસૂત્રતા અને ભાવ પણ તેની સાથે મર્જ થઈ જાય છે, આના લીધે આ શેર તેમની જ પ્રસિદ્ધ ગઝલનો હશે તે વાત સાથે સંમત થઈ જવાય છે. કાદચ એના લીધે જ વર્ષો સુધી આ શેર બહાદુરશાહના નામે બોલાતો રહ્યો.

લોગઆઉટ

લગતા નહીં હૈ દિલ મિરા ઉજડે દયાર મેં,
કિસકી બની હૈ આલમ-એ-ના-પાએદાર મેં.

ઇન હસરતોં સે કહ દો કહીં ઔર જા બસે,
ઇતની જગહ કહાં હૈ દિલ-એ-દાગ-દાર મેં.

કાંટો કે મત નિકાલ ચમન સે એ બાગબાં,
યે ભી ગુલોં કે સાથ પલે હૈ બહાર મેં.

બુલબુલ કો બાગબાં સે ન સય્યાદ સે ગિલા,
કિસ્મત મેં કેદ લિખી થી ફસ્લ-એ-બહાર મેં.

કિતના હૈ બદનસીબ ‘જફર’ દફ્ન કે લિયે,
દો ગજ જમીન ભી ન મિલી કુ-એ-યાર મેં.

- બહાદુરશાહ જફર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો