દરેક વાતે ચોખવટ કરવાની જરૂર નથી

લોગઇન

કોઇ પણ ઘટનાની મારે ચોખવટ કરવી નથી,
ચાલતી અફવાની મારે ચોખવટ કરવી નથી.

મૌન આભૂષણ મને લાગે ઘણું વ્હાલું સદા,
બોલકા લકવાની મારે ચોખવટ કરવી નથી.

એક તરફા વાતને માની અને શું શું કહો?
ઝેરના ફતવાની મારે ચોખવટ કરવી નથી.

બોલવું, હસવું અને સંબંધ ચોખ્ખા રાખવા,
એ બધી રચનાની મારે ચોખવટ કરવી નથી.

એક ડાળીના છીએ કહીને એ ડાળી કાપતા,
મૂળથી સડવાની મારે ચોખવટ કરવી નથી.

તીવ્ર તણખા આગના લઈને ફરે છે રાત દિ'
હૂંફથી ઠરવાની મારે ચોખવટ કરવી નથી.

— પારુલ બારોટ

ગુજરાતી ભાષામાં બે વિરોધાભાષી કહેવત છે. એકઃ “બોલે તેના બોર વેચાય” અને બીજીઃ “ન બોલ્યામાં નવ ગુણ”. જો તમે નહીં બોલો તો તમારું કામ નહીં થાય. અર્થાત્ કામ કઢાવવું હોય તો બોલ્યા વિના છૂટકો નથી. વાત સમજાવવી એ પણ કળા છે. મંચ પર સારું બોલનારા લોકપ્રિય થાય છે, રાજકીય ક્ષેત્રે તો ખાસ. એમાં કેટલું સાચું છે એ મહત્ત્વનું નથી, સારું હોવું જોઈએ. સાંભળનારને રસ પડવો જોઈએ. તે વાતમાં ઓળઘોળ થઈ જવા જોઈએ. તમે ઘેટાની વસ્તીમાં જઈને, તેમનું જ ઊન કાઢીને, મફત ધાબળા આપવાની વાત કરી શકો. ઘેટાઓને ગળે વાત ઉતરવી જોઈએ. આવું ચતુરાઈભર્યું બોલતા ફાવી જાય તો માત્ર બોરા જ નહીં, જે બોરડી પર એક પણ બોર નહીં હોય અને ભવિષ્યમાં ક્યારેય ઊગવાનાં જ નહીં હોય, તેવી કાંટાળી બોરડી પણ વેચાઈ જશે. પણ બીજી કહેવત મુજબ એક ભય એ પણ છે કે બોલશો તો અળખામણા થશો. અવગુણી ગણાશો. બધા કહેશે આને તો કંઈ ભાન જ નથી, જ્યાં ને ત્યાં વચ્ચે પોતાનું માથું નાખ્યા કરે છે. ન બોલવાનું હોય ત્યાં બકબક કર્યા કરે છે. આવી સ્થિતિમાં ભગવાન બુદ્ધે કહ્યું છે તેમ, મધ્યમ માર્ગ અપનાવવો. ક્યાં કઈ કહેવતનું હથિયાર વાપરવું તે પોતાની સમજણથી નક્કી કરવું. લોકો તો નહીં બોલો તો મીંઢા કહેશે ને બોલશો તો બોલકણા. લોકોની તમા રાખશો તો પોતાનો તોર ગુમાવી બેસશો. અને ક્યાં ક્યાં સ્પષ્ટતા આપવા જશો. આ તો પેલા ગધેડાની ખરીદી જેવું થશે.

એક બાપદીકરો ગધેડો ખરીદીને જતા હતા, તેમને જતા જોઈને રસ્તામાં ઊભેલા લોકોએ મશ્કરી કરી, જુઓને કેવા મૂર્ખાઓ છે. આટલો સરસ ગધેડો ખરીદ્યો છે તોય ચાલીને જાય છે. આ સાંભળીને બાપ ગધેડા પર બેસી ગયો. આગળ બીજા લોકોએ કહ્યું. બાપને શરમ જ નથી, પોતે ગધેડા પર બેઠો છે ને બિચારા દીકરાને ચલાવે છે. બાપ ઊતરી ગયો, દીકરાને બેસાડ્યો. આગળ બીજા લોકો કહે, આજના છોકરાઓમાં પિતૃપ્રેમ જેવું જ નથી. બાપની ચિંતા જ નથી. કેવો ટેસથી બેઠો છે. કંટાળીને બાપદીકરો બંને ગધેડા પર બેસી ગયા. આગળ બીજા લોકો મળ્યા. એ કહે આ લોકોમાં તો કંઈ જીવદયા જેવું જ નથી. બેય પઠ્ઠા જેવા છે ને બિચારા ગધેડા પર ચડી બેઠા છે. બાપદીકરાએ કંટાળીને ગધેડાને જ ઊંચકી લીધો. તો વળી એ જોઈને બીજા લોકો હસવા લાગ્યા. આ જુઓ ભાઈ જુઓ, બે ગધેડા એક ગધેડાને ઊંચકીને જાય છે. જેની પર બેસવાનું હોય, એને ખભે બેસાડ્યો છે.

આવા લોકોને તમે કઈ રીતે પહોંચી વળશો? એ સંભવ જ નથી. તમારા જીવનની ઘટનાની લોકો આગળ ચોખવટ કરવી જરૂરી નથી. તમારી કોઈ પણ સ્પષ્ટતાથી તેમને સંતોષ નથી થવાનો. આવા લોકો, સુરેશ દલાલની ભાષામાં કહીએ તો બેસે ત્યાં બેસણું ને ઊઠે ત્યાં ઊઠમણું કરતા હોય છે. તેમની અવળવાણીને ભરોસે જીવીએ તો એવું જીવન કાળાપાણી કરતાંય આકરું સાબિત થાય.

પારૂલ બારોટ આ વાત સારી રીતે પામી ગયાં છે. એટલે જ તેમણે આ ગઝલમાં ચોખવટ ન કરવાની ચોખવટ કરી છે. ઉડાડનારા તો ગમે ત્યાંથી વાતો ખોદીને ગામમાં અફવા ઉડાડશે. અફવાના ધુમ્મસનો રંગ પૂછશે, એનો આકાર જાણવાની જિજ્ઞાસા રજૂ કરશે. માપ પટ્ટી લઈને આપણા શ્વાસ અના ઉચ્છવાસને પણ માપવા બેસશે. તમારી પાસે કારણ વગર ચોખવટો માગશે. તમારા બોલાયેલા શબ્દોની અને તમારા મૌનની પણ. તમારા સત્યની અને અફવાની પણ. સ્મિતની અને રુદનની પણ. ચાલવાની અને થોભવાની પણ. તમે વૃક્ષ થઈને કૂંપળ ખીલવશો તો હરખપદુડા ગણશે અને સુકા રહેશો તો ઠૂંઠામાં ખપાવશે. તમને સ્પષ્ટતા આપવા મજબૂર કરી દેશે.

જ્યારે સ્પષ્ટતા કરવા જશો ત્યારે તમારી અંદરનો માંહ્યલો ખળભળી ઊઠશે. એવા સમયે કદાચ કૃણાલ શાહનો આ શેર તમારી અંદર ફૂટી નીકળે તો નવાઈ નહીં.

લોગઆઉટ

સ્પષ્ટતા કરવા ગયો ઘટના વિશે,
કારણો કારણ વિના અકળાય છે.

– કુણાલ શાહ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો