પતંગનો ઓચ્છવઃ મનુષ્યના ઉમળકાઓનો ઘૂઘવતો વૈભવ

લોગઇન

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ!

નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો-
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.

ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ!

હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ! તું નીચે આવ!
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા!
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…

– રમેશ પારેખ

વિવિધ તહેવારો પર આપણે ત્યાં ઘણી કવિતાઓ લખાઈ છે અને લખાય છે. ‘નેકી કર ઔક દરિયા મેં ડાલ’ એ કહેવત મુજબ ઘણા લોકો કશુંક સર્જન કરીને વોટ્સએપના દરિયામાં નાખતા રહે છે. જે કંઈ નથી કરી શકતા, તે પણ વોટ્સએપદરિયામાં નેકી તો કરી જ શકે છે. આ નેકીનો થોડો પ્રસાદ મને પણ ચાખવા મળેલો. કોણે લખ્યું છે એ ખબર નથી, પણ ઉત્તરાયણના પર્વ પરની આ કંકોતરી વાંચવી ગમે તેવી છે.

આમંત્રણઃ
પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી
હાલ ખંભાત નિવાસી શ્રીમતી સળીબહેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચિ. પતંગના શુભલગ્ન
હાલ સુરત નિવાસી શ્રીમતી ફીરકીબહેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
ચિ. દોરી સાથે
તા. 14 જાન્યુઆરી 2023ના રોજ ઘરની અગાશી પર નિર્ધાર્યા છે.
તો, આ શુભ પ્રસંગે નવદંપતિને નવા જીવનમાં સ્થિર કરવા
સગાસંબંધીઓ સહિત પધારી ઘોંઘાટમાં અભિવૃદ્ધિ કરશોજી.
તા. ક. – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે!

પતંગનો ઉત્સવની તારીખ 14મી જાન્યુઆરી છે, પણ એની ઉજવણીની શરૂઆત તો દિવાળી પતે ને તરત થઈ જાય છે. સેંકડો ગામડાઓમાં આજે પણ પ્લાસ્ટિક કે કાગળમાંથી જાતે પતંગો બનાવીને છોકરાઓ ઉત્તરાયણ આવે એ પહેલાં જ આકાશમાં રંગોળી પૂરવાનું કામ ચાલુ કરી દે છે. ઉત્તરાયણ હજી તો ‘મે આય કમીન સર’, કહે એ પહેલાં તો આવા છોકરાઓ તેને ઉંચકીને પોતાના ઉલ્લાસના ક્લાસમાં બેસાડી દે છે. ઘણા લોકોને પોતાના આ રંગપૂરણીના દિવસો આજે પણ યાદ હશે અને નાના છોકરાવને રમેશ પારેખની કવિતાના પાત્ર આલા ખાચરની જેમ કહેતા પણ હશે કે, તમે શું પતંગુ ઉડાડતા’તા, પતંગું તો અમે ઉડાડેલી. પછી મનોમન એ દિવસોને યાદ કરી પોતાના અંદરના આકાશને થોડું રંગીન પણ કરતા હશે.

ઘણા ઓછાને ખબર હશે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ ઉત્તરાયણ પર કવિતા લખી છે. ‘પતંગ એટલે મારી માટે ઊર્ધ્વગતિનો ઓચ્છવ,’ અત્યારે આખા દેશની દોર તેમના હાથમાં છે. રમેશ પારેખ જેવા - દોમદોમ સાહ્યબીથી છલકાતા લયના કામાતુર કવિ કશુંક લખે ત્યારે તેને ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ. ઉત્તરાયણના તહેવારને તેમણે એક નવા દૃષ્ટિકોણથી જોયો. અનેકરંગી કાગળો તેમને મનુષ્યના ઉમળકાનો ઉત્સવ દેખાય છે. અને આ ઉત્સવ શાના માટે ઉજવે છે મનુષ્યો? નભની એકલતાને ભૂંસવા.

દરેક પતંગ પર એક ઉમળકો લખ્યો છે. નભના ઉદાસ નીલા રંગ પર પતંગનો રંગ મૂકીને તેને પણ થોડો ઉમળકો વહેંચવો છે, એટલે બધા ખીસકોલીકર્મ કરવા લાગ્યા છે. શ્રીરામ લંકા જવા માટે પુલ બાંધતા હતા, ત્યારે એક ખિસકોલી પણ આવી. કહે કે હું પણ મદદ કરીશ. નાનકડી ખિસકોલી શું પથ્થરો ઊંચકે ને શું મૂકે? એ ધૂળમાં જાય, આળોટે અને પછી દરિયામાં એ ધૂળ ખંખેરે. મનુષ્યો પણ આ વિશાળ દરિયામાં પોતાની વેંતબેવેંત પતંગથી આકાશની મહાકાય એકલતાને રંગીન પતંગો દ્વારા રંગવાના પ્રયત્નો કરે છે. હકીકતમાં આકાશ તો બહાનું છે, એકલતા તો દરેક માણસની પોતાની છે. આકાશ ક્યાં કોઈ વ્યક્તિ છે, ક્યાં કોઈ સજીવ વસ્તુ છે, હકીકતમાં તો આકાશ જેવું કશું છે જ નહીં, જે ખાલી અવકાશ છે એ જ આકાશ છે. આભમાં જોવાનું કહેવામાં આવે તો આપણે માથું ઊંચું કરીને ઉપર જોઈએ છીએ, પણ ધરતી પૂરી થાય ત્યાંથી જ શરૂ થઈ જાય છે. જે કંઈ અવકાશ છે, શૂન્યતા છે, તે જ આકાશ. આકાશનો ખાલીપો પતંગ દ્વારા આભનો ખાલીપો પૂરવાની વાત તો એક બહાનું છે, હકીકતમાં તો દરેક મનુષ્ય આંતરિક રીતે આકાશ જેવો ખાલી છે, તેને પોતાની અંદર રંગો પૂરવા છે, એટલે તે પતંગો ઉડાડે છે.

બાકી તો જિંદગી શું છે તે વાત રાહતસાહેબનો આ એક શેર સમજાવી દે છે.

લોગઆઉટ

જિંદગી ક્યા હૈ ખુદ હી સમજ જાઓગે,
બારીશો મેં પતંગે ઉડાયા કરો!

– રાહત ઇન્દોરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો