તૂટવા વિશે પુલ પોતે શું કહેતો હશે?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

અમથો નથી હું કાંઈ તૂટ્યો,
જર્જર થઈ ગયો તો મારો દેહ તે છતાંયે મને ટિકિટે ટિકિટે લૂંટ્યો

નહિંતર આ છાતી પર રમતાં ને ઝૂલતાં ઈ પગલાં ને મારે શું વેર?
કાટકાટ ખાઈખાઈને હું કાકલૂદી કરતો પણ સાંભળે તો શેનું અંધેર?

ઉપરથી રંગરૂપ બદલ્યે શું થાય, જેનો ભીતરનો શ્વાસ હોય ખૂટ્યો?
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

સૌને આવે છે એમ મારે પણ આવેલી પોતાની એક્સપાયરી ડેઈટ,
આજે સમજાયું તમે કરતાં હતાં ને આવા ગોઝારા દિવસોની વેઇટ?

મચ્છુના પાણીને પૂછો જરાક જીવ બધ્ધાનો કઈ રીતે તૂટ્યો?
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

— કૃષ્ણ દવે

મોરબી ઝૂલતા પુલની ગોઝારી ઘટનાએ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં બહુ મોટો આઘાતજનક પડઘો પાડ્યો છે. જ્યારે જ્યારે આવી ગોઝારી ઘટના ઘટે છે ત્યારે સત્તાની ખુરશી નીચે પાણીનો રેલો આવે છે. જર્જરિત હોસ્પિટલો રાતોરાત નવી થઈ જાય છે. મોરબીને એકવીસનું ગ્રહણ છે. એકવીસ વર્ષ પહેલાં ભૂંકપે તેને ધ્વસ્ત કરેલું, તેના એકવીસ વર્ષ પહેલાં મચ્છુ નદીના પાણીએ રગદોળેલું, આજે ફરી ઝુલતો પુલ તૂટતા મચ્છુના જળમાં જ ઘણાના અંતિમ શ્વાસ છૂટ્યા. અગાઉની બબ્બે ઘટનામાં તો સીધી કુદરત જવાબદાર હતી, પણ નવો જ ખુલ્લો મૂકાયેલો પુલ ઉદઘાટનના થોડા દિવસોમાં તૂટી જાય તે એક્ટ ઓફ ગોડ છે કે એક્ટ ઓફ ફ્રોડ? કોણ જવાબદાર?

આપણે ત્યાં કરન્ટ વિષયો પર લખનાર સર્જકો બહુ ઓછા છે. કૃષ્ણ દવે તેમાંના એક છે. ઘટનાની સંવેદનાને સમજીને પોતાની કવિતાનું કૌવત તેઓ રજૂ કરે છે. તેમાં માત્ર તેમનું કાવ્યકૌવત નથી હોતું, જે તે સ્થિતિમાંથી નીકળતી વેદના તરફ અંગુલીનિર્દેશ પણ હોય છે. અહીં લોગઇનની કવિતા જુઓ. કવિએ ઝૂલતા પુલને જ એક પાત્ર બનાવીને પોતાની વાત રજૂ કરી છે. તે બહુ સારી રીતે જાણે છે કે કોના મોઢે કઈ મૂકાય તો તે વધારે અસરકાર થાય.

ઝૂલતો પુલ પોતે આત્મવ્યથા ઠાલવી રહ્યો છે. પુલ દ્વારા દુર્વ્યવસ્થા પર તેમણે સીધો પ્રહાર કર્યો છે. જર્જરિતપણાને રંગરોગાન થયા છે. ક્ષમતા કરતા વધારે વજન લદાઈ ગયો છે. વૃદ્ધ માણસના માથે વધારે વજન મૂકવાથી તે બેવળ વળી જાય તેવી જ સ્થિતિ કદાચ પુલની હતી. ટિકિટે ટિકિટે લૂંટવાની વાત પણ ઘણું કહી જાય છે. પુલ પોતે કહે છે કે મારે નદીએ ફરવા આવેલા લોકો સાથે જરાકે દુશ્મની નથી. હું તો કટાઈ ગયો હતો, મારું જર્જરિતપણું વારંવાર ફરિયાદ કરતું હતું, પણ એ તો અંધાર આંખમાં આંજીને બેઠેલાને દૃશ્યો બતાવવા જેવું હતું. જે સમજતા ન હોય તેમને સમજાવી શકાય, પણ સમજીને પણ નામસજ થાય તેમને કેમ સમજાવવા? મારા અવાજો તો બહેરા કાને નખાયેલી બૂમ હતી.

એક દુર્ઘટના માત્ર એ ઘટના પૂરતી સીમિત નથી હોતી. તેના પડઘા દૂર સુધી પડે છે. તેની કરૂણ ચીસો વર્ષો સુધી સચવાય છે. ઇઝરાયલના કવિ યેહુદા અમિચાઈની સુંદર કવિતા છે. બોમ્બના વ્યાસ વિશે વાત કરે છે. બોમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમિટર હોય છે, તેની વિનાશશક્તિના વર્તુળનો વ્યાસ લગભગ સાત મીટર. એમાં ઘવાયેલા કે મરેલા દવાખાના કે કબ્રસ્તાનમાં પહોંચે છે ત્યારે બોમ્બનો વિસ્તાર એનાથીયે વધે છે. એમના સ્વજનો દરિયાપાર રહેતા હોય તો એ બોમ્બનો વિસ્તાર આખી દુનિયા સુધી લંબાય છે. એમની પાછળ જિંદગીભર આંસુ સારતા સ્વજનો થકી વિસ્તરતી ઉદાસીની તો કોઈ ગણતરી જ નથી. એમનાથી અનાથ થઈ ગયેલાં બાળકોના હિંબકાનો વિસ્તાર તો ઈશ્વરના સિંહાસનથીયે આગળ પહોંચે છે.

પુલ તૂટવાની ઘટના મોરબીમાં બની પણ તેનો વિસ્તાર તો સમગ્ર ગુજરાત, ભારત અને દેશવિદેશ સુધી પહોંચ્યો છે. એ ઘટના રાજકીય રીતે એક દિવસની છે, સામાજિક રીતે અમુક અઠવાડિયાઓની પણ તેમાંથી ઊભી થતી વેદના તો વર્ષો સુધી જે ભોગ બન્યા તેમના હૃદયમાં ચૂભ્યા કરવાની છે. એ પીડા બેપાંચ લાખની સરકારી મદદથી ઠરવાની છે? કરોડો રૂપિયા આપી દીધા પછીય ગયેલા થોડા પાંછા આવવાના છે? જે માબાપ કે સંતાન વિનાના થયા તેમના હૃદયમાં તો આ ઘટનાની ચીસો આજીવન રહેવાની છે. આ ઘટના કંઈ એક દિવસ પૂરતી નથી. આ બધું કોની ભૂલે?

લોગઆઉટ

હાય પ્રભુ આ ચારે પા ચીસો ખડકાઈ કોની ભૂલે?
હાય પ્રભુ આ સંધ્યા આખીયે ખરડાઈ કોની ભૂલે?

કોની ભૂલે હસતાં સપનાં હાથ છૂટતા ખરી પડ્યાં છે?
કોની ભૂલે બે કાંઠાઓ પોક મૂકીને રડી પડ્યાં છે?
હાય પ્રભુ આ કોની ભૂલે કિલકારીની ચીસ બની ગઈ?
હાય પ્રભુ આ કોની ભૂલે હૈયામાં એક ટીસ બની ગઈ?

હાય પ્રભુ આ મહેફિલ માતમમાં બદલાઈ કોની ભૂલે?
હાય પ્રભુ આ ચારે પા ચીસો ખડકાઈ કોની ભૂલે?

જળ ઉપર જ્યાં ચમક હતી ત્યાં ચીચીયારીઓ તરી રહી છે
નદી બિચારી નદીપણાને દોષ ગણીને રડી રહી છે.
કાંઠા પરનાં ઝાડ બાપડાં સાવ શોકમાં સરી પડ્યાં છે
કંઈક જ્યોતિઓ, કંઈક દીવડા એક ઝાટકે ઠરી પડ્યા છે

હાય પ્રભુ આ અજવાળાની આંખ ભરાઈ કોની ભૂલે?
હાય પ્રભુ આ ચારે પા ચીસો ખડકાઈ કોની ભૂલે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો