આસપાસ ઊડતી ઇચ્છાની ફોતરી

લોગઇન

આસપાસ ઊડે છે ઊત૨ડી હોય એ જ
ઇચ્છાની ફરી ફરી ફોતરી…

પાંચ-સાત સપનાઓ ઊંચકીને હાંફે છે
જૂનવાણી ઢોલિયાના પાયા,
ખ૨ડાતી ધોધમાર અંધારે એકલી જ
ઓશિયાળી ઊંધમૂંધ કાયા;

પગલાં તો પાછળ ને પાછળ રહી જાય
છતાં પડછાયે જાત હોય જોતરી…

મહેકે ક્યારેક હજી ઓચિંતી
એકવા૨ ફૂટેલી અત્તરની શીશી,
એક બે ટકોરાનો લઈને આધા૨
પછી લખવાની બા૨ણાંપચીશી;

ઢાંકેલી વારતાને વળગેલી ધૂળ
રોજ પાંપણથી લેવાની ખોતરી…

– વિનોદ જોશી

ગુજરાતી ભાષામાં ગીતકવિતાનું આગવું મહત્ત્વ છે. ગઝલ, સોનેટ કે હાઇકુ જેવાં સ્વરૂપો આપણે અન્ય ભાષા પાસેથી અપનાવીને પોતાનાં કર્યાં. જ્યારે ગીત તો આપણી ગળથૂથિમાંથી ગૂંજતું આવ્યું છે. નરસિંહ મહેતાના પ્રભાતિયાં-પદોથી લઈને આજના યુવાકવિ સુધી ગીતની ગતિ અને લય સતત વિસ્તરતો રહ્યો છે. વિનોદ જોશી ગુજરાતી ગીતનો એક નમણો વળાંક છે. ગુજરાતી ગીતકવિતામાં સ્ત્રીના લાવણ્ય અને મનોભાવોને જેટલી નાજુકાઈથી આ કવિએ રજૂ કર્યા છે, તેટલી ઉત્તમ રીતે તો કોઈ કવયિત્રી પણ નથી કરી શકી. તેમનાં અનેક ગીતો આજે તો લોકગીતની કક્ષાએ પહોંચી ચૂક્યાં છે.

આજે આ નજાકતભર્યા કવિના ગીતથી લોગઇન કરીએ. માણસ ઇચ્છાને આધીન છે. ભગવાન બુદ્ધે તો ત્યાં સુધી કહેલું કે મનુષ્યના દુઃખનું સૌથી મોટું કારણ હોય તો તે છે એષણા – ઇચ્છા. જ્યાં સુધી મનુષ્યમાં એષણાઓ છે ત્યાં સુધી દુઃખ નિવારવું અસંભવ છે. અને મોટી વાત એ છે કે જીવનમાંથી એષણાઓ નિવારવી કોઈ કાળે સંભવ નથી. ચિનુ મોદીનો અદભુત શેર યાદ આવ્યા વિના ન રહે-

કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એય ઇચ્છા છે હવે એ પણ ન હો.

ઇચ્છાથી મૂક્તિ મેળવવી એ જીવનથી મુક્ત થવા બરોબર છે. જીવનના અંતકાળે પણ આપણે આજીવન જે જે ઇચ્છાઓ ઉતરડી હોય એની જ ફોતરીઓ આપણી આસપાસ ઊડ્યા કરે છે. આ ફોતરીઓની શરૂઆત આમ તો જન્મતાની સાથે જ થઈ જાય છે. ઇચ્છા ઉદભવવા માટે સમજણની જરૂર નથી. અણસમજણની ડાળી પર પણ ઇચ્છાનાં પર્ણો ફૂટે છે. સાજાગાંડા બધાના મનમાં ઇચ્છાના આગિયા ઊડે છે. જો સંતોષાય તો આગિયાના અજવાળે મોતીડાં પરોવ્યા પાનબાઈ, એમ સમજવું. વીજળીના ચમકારે તો મોતીડાં પરોવવાની આપણી ક્ષમતા નથી. કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર હોય કે ન હોય ઇચ્છાને પાત્ર તો હોય જ છે.

આ ઇચ્છાવૃત્તિને આધીન થઈને પાંચસાત સપનાંનો પીંડ બંધાય છે. આ પીંડ આખા પંડમાં સચવાય છે, છેક અંતકાળ સુધી. તેને જ આપણે વલુરતાં રહીએ છીએ. એમાંથી જ તો પેલી ફોતરીઓ ઊડે છે. પાંચસાત સપનાનાં પીંડનો ભાર ઊંચકીને હાંફતી કાયા અંધારું ઊલેચવાના પ્રયત્નો કરે છે, પણ ધ્યાન સતત પેલી ફોતરીઓ પર રહે છે. અને છેક ત્યાં સુધી કે પગલાં તો ઠીક તેનો પગરવ સુધ્ધાં આથમી જાય છે, પણ જાત પડછાયા સાથે જોડતરાયેલી રહે છે. આસપાસ ઊડતી ઇચ્છાની ફોતરીઓ મુક્ત નથી થવા દેતી.

આપણે ત્યાં મરવા પડેલ કોઈ માણસનો જીવ ન છૂટતો હોય તોય એમ કહેવાય છે કે એમની કોઈ ઇચ્છા અધૂરી રહી ગઈ લાગે છે. કોઈ વાતમાં જીવ અટકી ગયો હશે. એમને પૂછાય છે કે તમારી કંઈ ઇચ્છા બાકી રહી ગઈ હોય તો કહો, નહીંતર જીવ ગતે નહીં જાય. ઇચ્છા માણસને મર્યા પછી પણ છોડતી નથી. અતૃપ્ત ઇચ્છા સાથે મરનાર પ્રેતયોનિ પામે છે એવી પણ આપણે ત્યાં માન્યતા છે. માણસનો જન્મ પણ કોઈની ઇચ્છાનું પરિણામ જ છે ને!

જિંદગીની શીશીમાં છેલ્લા શ્વાસ સુધી ઇચ્છાનું અત્તર ભર્યા કરીએ છીએ. એનાથી જ સતત મહેકવા અને મહેકાવવા મથીએ છીએ. આપણને ખબર છે આ શીશી ફૂટવાની છે, અત્તર સચવાવાનું નથી. પણ મોહ છૂટતો નથી. મિત્રો, સ્વજનો, ઘર, પરિવાર, પત્ની, બાળકો, નોકરી, બિઝનેસ, કેટકેટલી વ્યવહારુ ઇચ્છાના વાયરાઓ વાતા રહે છે. આ બધા વાયરા કે વંટોળમાં જ પંડ પીંછાની જેમ ઊડ્યા કરે છે. ક્યારેક આમ ક્યારેક તેમ ગડથોલાં ખાધાં કરે છે. શીશી ક્યારે ફૂટી જાય છે ખબર નથી પડતી. પણ એ ફૂટેલી શીશીની મહેક પણ હૃદયમાં સચવાયેલી રહે છે. મળેલાં એકબે સુખના સરનામે આ સુગંધને અનુભવવી ખૂબ ગમે છે. આવાં એકબે સુખે ક્યારેક બારણે ટકોરા માર્યા હોય છે, એ ટકોરાનો રણકાર જીવનનું મધુરું સંગીત બની જાય છે. એના લયમાં લીન થવું ગમે છે. એના આધારે જ આપણી બારણાપચ્ચીસી લખાય છે. આ બારણાપચ્ચીશી શબ્દ ખાસ નોંધવા જેવો છે, કવિએ બહુ ચીવટપૂર્વક આ શબ્દ વાપર્યો છે. ઘરમાં કોણ આવ્યું, ગયું, શું મેળવ્યું, ખોયું, કોણ કેટલું રોકાયું બધો હિસાબ બારણા પાસે છે. આપણું જીવન એક એવું ઘર છે, જે આપણામાં આવતી ભાવનાઓ, લાગણીઓ, ઇચ્છાઓ, સુખદુઃખ, વેદના-સંવેદના તમામનો હિસાબ રાખે છે. દરેક વારતાની કડીને એ સારી રીતે જાણે છે. સમયાંતરે એ વાર્તાનું બારણું ઊઘાડ્યા કરે છે, પેલા ટકોરાનો રણકાર ભીતર અનુભવી લે છે. એનાથી ક્યારેક આંખ ભીની થાય છે, તો ક્યારેક પ્રફુલ્લિત!

લોગઆઉટ

એક પણ ઇચ્છા પૂરી ના થઈ શકી,
હર ગઝલ આદિલ અધૂરી હોય છે.

- આદિલ મન્સૂરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો