જે હસે છે એ ક્યાં મજામાં છે!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

કોણ જાણે કયા નશામાં છે?
આ હવા પણ બહુ હવામાં છે.

રડતાં લોકોની વાત છોડો ને.
જે હસે છે એ ક્યાં મજામાં છે!

જેનું અભિમાન તું કરે છે ને!
એવી તો આવડત ઘણામાં છે.

ઠૂંઠુ ફળિયામાં ઊભું છે અડીખમ
એનું મન ઘરનાં બારણાંમાં છે.
થાક જન્મોજનમનો ઊતરી જાય
એ અસર માની પ્રાર્થનામાં છે.

— રમેશ પરમાર ‘ખામોશ’

ગુજરાતી કવિતામાં ઘણા દીવડા ખૂણામાં પ્રગટીને આથમી ગયા, પણ પોતાનું અજવાળું મૂકવાનું ન ચૂક્યા. અનેક કવિઓએ આયુષ્યના લાંબા અજવાળા કરતાં ટૂંકી દીવેટમાં વિશેષ પ્રકાશ આપીને સાહિત્યને રોશન કર્યું. કલાપી, રાવજી પટેલ, મણિલાલ દેસાઈ, નઝીર ભાતરી જેવા સર્જકો ઓછું જીવ્યા પણ અદ્ભુત સર્જન કરતા ગયા. આમ તો તેઓ ઓછું જીવ્યા એમ કહેવા કરતા ઝડપથી જીવી ગયા તેમ કહેવું વધારે યોગ્ય રહેશે. મધ્યાહ્ને અસ્ત થયેલા અમુક કવિસૂર્યોમાં શીતલ જોષી, પાર્થ પ્રજાપતિ, સાહેબ જેવા કવિઓની સાથે રમેશ પરમાર ખામોશનું નામ પણ લેવું જ પડે. ગઝલની ગરિમા જાળવીને શબ્દોની ગાંઠ બાંધનાર આ કવિનો મરણોત્તર સંગ્રહ ‘દ્વાર ઊઘડી ગયાં’ થોડા દિવસો પહેલા જ પ્રગટ થયો. તેમના હૃદયના દરવાજે કવિતાના ટકોરા તો વર્ષોથી પડતા હતા, પણ એ ટકોરાનું સંકલન થયું ત્યારે તે હાજર નહોતા, દ્વાર ઊઘડી ગયા, પણ ઊઘડેલ દ્વારને આંખવગા કરવા માટે તે હયાત નથી. બેફામનો પેલો શેર છેને-

રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.

રાવજી પટેલ, મણિલાલ દેસાઈ અને કાન્તના કિસ્સામાં પણ મરણોત્તર સંગ્રહ પ્રકાશિત થયેલા. કવિ કાન્ત તો કાશ્મીર પ્રવાસમાં હતા, સંગ્રહ આવવામાં જ હતો, પણ એ ટ્રેનનો પ્રવાસ અનંતપ્રવાસ બની ગયો. કાશ્મીરના પ્રવાસેથી પાછા ફરતાં રાવલપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

રમેશ પરમાર ભલે ‘ખામોશ’ થયા, પણ તેમનું આ ખામોશીપણું કવિતામાં બોલતું રહેશે. લોગઇનમાં આપેલી ગઝલ તેમની સર્જનશક્તિનો પરિચય આપે છે. ટૂંકી બહેરમાં કરેલું આ નકશીકામ તરત ધ્યાન ખેંચે છે. પ્રથમ શેરથી અંતિમ શેર સુધી ગઝલપણું નીખરતું રહ્યું છે. હવા પણ હવામાં છે એમ કહેવામાં એક ચમત્કૃતિ છે. શ્લેષ છે. હવા તો હવામાં જ હોય, પણ તેમાં હવાના અભિમાન તરફ પણ નિર્દેશ છે. જગતનો કોઈ માણસ જીવનભર સુખી નથી હોતો. નિરંતર સુખ જેવું દુઃખ એક્કે નથી. દુઃખ વિના સુખનો અનુભવ નકામો છે. ખાંડનો બૂકડો માર્યા પછી ચા પીશો તો સાવ મોળી લાગશે. પણ કડવાશવાળી ચીજ ખાધા પછીની મીઠાશ વધારે આનંદ આપશે. દુઃખ પછી આવેલું સુખ વધારે સારું લાગે છે. રમેશ પરમારે લખ્યું કે દુઃખી લોકો રડે છે, પણ જે હસે છે એય ક્યાં મજામાં છે. સંપૂર્ણસુખી તો કોઈ નથી. નીદા ફાજલીએ લખ્યું છે

કભી કિસો મુકમ્મલ જહાં નહીં મિલતા
કહીં જમીં તો કહીં આસમાં નહીં મિલતા.

ઘણા લોકો સામાન્ય વાતને પણ મહાકાય રીતે રજૂ કરતા હોય છે. નાની આવડતનું મોટું માર્કેટિંગ કરે છે. જ્યારે હકીકત જાણીએ ત્યારે ખબર પડે કે ઓહ, આમાં તો કશું નથી. આવું તો બધાને આવડે. જાદુગરની હાથચાલાકી જ્યાં સુધી આપણે ન જાણતા હોઈએ ત્યાં સુધી તે આપણને ચકિત કરે છે, જેવી ખબર પડે કે થાય, ઓહ, આટલું સહેલું હતું! આ તો કોઈ પણ કરી શકે.

ઘરનું ઠૂંઠું બારણાને ધારીને જુએ તો એ બારણાના લાકડામાં વૃક્ષના દર્શન થાય. કવિએ કદાચ એ વૃક્ષની વાત કરી છે, જે કાપીને બારણું બનાવવામાં આવ્યું, એના લીધે જ એને ઠૂઠું થવું પડ્યું. ઘણી વ્યક્તિઓ આપણું સત્વ લઈને પોતે ઊજળા થતા હોય છે અને કરુણતા તો એ છે કે આપણા જ અજવાળાથી આપણને આંજવાના પ્રયત્નો કરતી હોય છે. એ વખતે આપણી સ્થિતિ ઘરના મોંઘા બારણા સામે જોઈ રહેલા ઠૂંઠા જેવી હોય છે. આપણને ખબર હોય છે કે આ બારણું આપણા લીધે જ બન્યું છે.

ખામોશે અંતિમ શેરમાં માતૃત્વના ગુણગાન કર્યા છે. સુરેન ઠાકરનો એક જાણીતો શેર છે,

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી.

ઈશ્વરને કરેલી પ્રાર્થના કેટલી ફળે, એ તો ખબર નથી, પણ માને કરેલી પ્રાર્થના નિષ્ફળ જઈ જ ન શકે. એ નિષ્ફળ જાય તો ઈશ્વર પોતે વામણો પૂરવાર થાય, એને પણ કોઈ મા તો હશે જ ને!

26 ફેબ્રુઆરી 1972ના રોજ જન્મેલ આ કવિ 30 મે 2021ના રોજ મૃત્યુ નામની ખામોશીને વર્યા.

લોગઆઉટ

આથી વધારે બીજું તું શું કરી શકે?
તું શ્વાસ છે જિંદગીને છેતરી શકે!

– રમેશ પરમાર ‘ખામોશ’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો