શ્વાસ લઈને પણ સતત મરતા રહેલા – યાદ છે?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

એક દરિયો આંખમાં ભરતા રહેલા – યાદ છે?
સ્વપ્ન લઈ એમાં પછી તરતા રહેલા – યાદ છે?

સંસ્મરણનાં દૃશ્ય પણ જાણે મજાનાં ચિત્ર થઈ,
આ નીલા આકાશમાં સરતાં રહેલાં – યાદ છે ?

સાવ નીરવ મૌન વચ્ચે ઓગળેલા શબ્દના,
અર્થ કેવા આ નયન કરતાં રહેલાં -યાદ છે?

પર્ણ પર ઝાકળ નિહાળી એ ક્ષણેાની યાદમાં,
અશ્રુઓ ચોધાર ત્યાં ખરતાં રહેલાં -યાદ છે?

સ્તબ્ધ ને નિઃશબ્દ પળના કારમા એકાન્તમાં,
શ્વાસ લઈને પણ સતત મરતા રહેલા – યાદ છે?

– રમેશ પટેલ ‘ક્ષ’

યાદ તારણ પણ છે અને મારણ પણ. વર્તમાનથી જે લોકો નારાજ હોય તે પોતાના ભૂતકાળની ભવ્યતાને યાદ કરીને જીવનનું ગાડું ગબડાવવા મથ્યા કરે છે. શું એ દિવસો હતા! પહેલાં આમ હતું, પહેલાં તેમ હતું. હવે એવું ક્યાં છે. પહેલા જેવી મજા રહી નથી. આવું કહીને વર્તમાનને સજા બનાવી નાખે છે. મજા નામનું મોહક સપનું આંખને અડી ન જાય એનું પૂરતું ધ્યાન રાખે છે અને સજા નામની સોય સતત પોતાને ભોંક્યા કરે છે. આવા કિસ્સામાં વર્તમાનને આશ્વાસન આપવા માટે વારંવાર ભૂતકાળને બોલાવવો પડતો હોય છે. પતિ પત્નીને કહે કે તને મારી મા જેવી રોટલી બનાવતા નથી આવડતું, દાળ તો મારી માની જ. એનું બનાવેલું શાક એટલે તો વાત જવા દો. આવું વારંવાર થવાથી પત્નીને પણ માઠું લાગે છે. ભૂતકાળના નાનાં નાનાં સુખો વર્તમાનમાં યાદ કરીને રાજી રહીએ તો સારી વાત છે, પણ તેના લીધે વર્તમાનને દોષ આપ્યા કરીએ તો જીવાતી જિંદગીમાં રહેલી મજા આથમવા લાગે છે. પછી એવી આથમે છે કે આનંદનો સૂર્ય ઊગતો જ નથી. આવા લોકોને ભૂતકાળના ભોંયરામાં ઘૂસીને રાજી રહેવાની મજા આવે છે.

કવિતા એ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યથી પર છે. સો વર્ષ પહેલાં લખેયેલી કવિતા વર્તમાનમાં પણ એટલો જ આનંદ આપી શકે, જેટલો સો વર્ષ પહેલાં લખનાર કે સાંભળનારને આવ્યો હતો. કલાની આ ખૂબી છે. ઉત્તમ સર્જન ક્યારેય ભૂતકાળ બનતું નથી, એ દરેક સમયે વર્તમાન જ હોય છે. બે વ્યક્તિત્વો વચ્ચે રહેલો પ્રેમ પણ એટલો જ શાશ્વત હોય છે. એને સ્મરીને દુખી થવા કરતા એને યાદ કરીને હૈયાને અજવાળવામાં જ પ્રેમની સાર્થકતા રહેલી છે. ઉર્દૂની શાયરા શબીના અદીબનો એક સુંદર શેર યાદ આવ્યા વિના ન રહે.

વો બેવફા હો ગયા હૈ ફિર ભી ઉસી કી યાદો મેં ગૂમ રહૂંગી,
યે કૈસે ભૂંલું કી ઉસને મુજ સે વફા ભી કી હૈ જફા સે પહેલે.

સ્મરણ એ તો કવિતાની જડીબૂટ્ટી છે. કવિતામાં મોટે ભાગે ભૂતકાળના સુખ કે દુખના સ્મરણોની રંગોળી હોય છે. ઘણી વાર ભૂતકાળનાં દુઃખો યાદ કરીને વર્તમાનમાં સુખ મળતું હોય છે! ગર્વ પણ થતો હોય છે, કે કેટકેટલું સહન કરેલું ભૂતકાળમાં! બે પ્રેમીપાત્રોના છૂટ્યા પડ્યા પછી એકબીજાને પ્રેમપૂર્વક યાદ કરવાની ઘટના તો અનન્ય છે. તેમાં વિરહ રહેવાનો હોય કે મિલન થવાનું હોય, એ સ્મરણથી દુઃખ થતું હોય કે આનંદ મળતો હોય, ચહેરા પર સ્મિતનાં ફૂલ ઊગતાં હોય કે આંસુનું ઝાકળ બાઝતું હોય, ગમે તે હોય પણ પ્રણયનું સ્મરણ એક અલાયદો અનુભવ છે. એ તો મીરાંબાઈ કહે છે તેમ, પ્રેમની પ્રેમની પ્રેમની રે મને વાગી કટારી પ્રેમની રે. જેને પ્રેમની કટારી વાગી હોય તે જ જાણી શકે.

રમેશ પારેખે લખ્યું છે, ‘ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ’ સોનલને ફૂલ દીધાની ઘટના ગુજરાતી કવિતાને રળિયાત કરી ગઈ. આ જ કવિએ એમ પણ લખેલું, મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?’ સુરતના કવિ નયન દેસાઈ તો કોઈ યાદ આવે તેની લાંબા મીટરની એક સુંદર ગઝલ લખી છે. કલાપીની ગઝલ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની’ તો ગુજરાતી ગઝલના ગુરુશિખર સમાન છે. આમ તો યાદ પર અનેક ગીતો, ગઝલો, કવિતાઓ લખાઈ છે, તેની પર સ્વતંત્ર આખું એક પુસ્તક થઈ શકે. અહીં રમેશ પટેલ ‘ક્ષ’એ કોઈ પ્રિય વ્યક્તિને ભૂતકાળની વાતો યાદ અપાવતા હોય તેવા સહજ અંદાજમાં ગઝલ કહી છે. બે પ્રેમીઓ ઘણા સમય પછી મળે અને ભૂતકાળને યાદ કરીને હૃદયના એ ઉમંગોને ફરી તાજા કરી લે, મનના ઉપવનમાં બે ઘડી જીવી ગયેલા દિવસોને ફરી જીવંત કરે. ઘૂઘવતો દરિયો ફરી આંખમાં ભરે, જૂનાં સ્વપ્નમાં નવેસરથી તરે, મૌન રહીને પણ ઘણી વાતો થતી રહે, વર્ષો પછી મળ્યાનો આનંદ હોય અને સાથે જીવનભર સાથે ન રહી શક્યાનો રંજ પણ હોય. મુલાકાતનું ફૂલ સોળે કળાએ ખીલ્યું હોય અને એની પર આંસુનું ઝાકળ પણ બાઝ્યું હોય! છેવટે છૂટા પડ્યાની ઘટના આંખ સામે તાજી થાય, એ વખતે શ્વાસ લેતા હોવા છતાં મરી ચૂક્યા હોઈએ તેવું લાગે.

આ જ સ્થિતિ પર તેજસ દવેએ લખેલા ગીતની થોડી પંક્તિઓ પણ જોવા જેવી છે.

લોગઆઉટ

પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે?

વરસોની ભીડ કોઈ ચોર જેમ આપણા એ
દિવસોને ચોરી ફરાર થઈ
એમ ઉભાં’તાં રસ્તાની સામસામે આપણે
ને વચ્ચેથી જિંદગી પસાર થઈ

દિવસ ઓઢ્યા ને પછી તડકામાં દોડ્યાં ને
છાંયડાઓ શોધ્યાં’તાં યાદ છે?

– તેજસ દવે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો