મોત કેરા નામથી ગભરાઉ એવો હું નથી

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

– ઉમર ખય્યામ (અનુ. શૂન્ય પાલનપુરી

ઉમર ખય્યામ અરબી ભાષાના પ્રખર ફિલસૂફ, તેજોમય કવિ. ખગોળ વિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી પણ ખરા. આજથી અગિયાર સો વર્ષ પહેલાં તેમની ખ્યાતિ કવિ કરતા ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી તરીકે વધારે હતી. તેમના કાવ્યોના અનુવાદ થયા અને વિશ્વભરમાં પહોંચ્યા તો તેમની કવિપ્રતિભા વધારે મોટી ગઈ. અને કવિ તરીકેની ઓળખ નીચે બાકીની ઓળખો ઢંકાઈ ગઈ. તેમના જીવનકાળ દરમિયાન તો તેમની કવિ તરીકે કોઈએ ખાસ નોંધ લીધી જ નથી. તેમના મૃત્યુના બસો અઢીસો વર્ષ પછી એ. જે. એવબરીએ અમુક હસ્તપ્રતોના આધારે ખય્યામની લગભગ 250 જેટલી રૂબાઈઓ શોધી કાઢી. એ પછી તેમના અવસાનના લગભગ સાતસોએ વર્ષ પછી આંગ્લ કવિ એડવર્ડ ફિટ્સજીરાલ્ડે આ રૂબાઈઓનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. તેનાથી અંગ્રેજી સાહિત્યને ખય્યામનો પરિચય થયો. એડ્વર્ડે ખય્યામને જગતભરમાં પહોંચાડ્યા. તેમણે ખય્યામની ઘણી રુબાઈનો મુક્ત ભાવવાહી શૈલીમાં કરેલો ‘ધ રુબાયત ઑફ ઓમર ખય્યામ’ (1859) નામનો અનુવાદ હજુ પણ સર્વોત્તમ મનાય છે. એ પછી તો ખય્યામ વિશ્વની અનેક ભાષાઓમાં પહોંચ્યા. ગુજરાતીમાં પણ તેમના પગલાં પડ્યાં. રુસ્તમ ભાજીવાલા નામના એક પારસી સખ્શે પારસી છાંટ સાથે ગુજરાતીમાં ખય્યામની રૂબાઈઓનો અનુવાદ કર્યો. પણ શૂન્ય પાલનરીએ મૂળ ભાવને જાળવીને ખય્યામની રુબાઈઓનો જે ભાવાનુવાદ કર્યો છે તે કાબિદેદાદ છે. કહેવાય છે કે જો ખય્યામ પોતે હાજર હોત તો એ રૂબાઈઓના અનુવાદ પર ઓવારી જાત. શૂન્ય પાલનપુરીએ મોટે ભાગે મુક્તક સ્વરૂપે તેમની રૂબાઈઓનો ગુજરાતીમાં અવતારી છે.

ખય્યામની રૂબાઈઓ વાંચતા અમુક લોકોને એ થોડી જૂનવાણી ટાઇપની લાગી શકે, પણ તેમાં રહેલા તર્કનો અર્ક પામીએ તો આજે પણ તે એટલી જ તાજગીસભર લાગે. મૃત્યુ, ઈશ્વર, જીવનની નશ્વરતા, પ્રેમ, વિરહ, પ્રણયભંગ, સંસારજીવન, સંબંધો જેવી અનેક વાતોને ખય્યામને બહુ સિફતથી અને ફિલસૂફની રંગન અદાથી રજૂ કરી છે.

લોગઇનમાં આપેલી રૂબાઈને વાંચતાની સાથે સુરેન ઠાકર મેહુલનું મુક્તક યાદ આવ્યા વિના ન રહે.

જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં,
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું ’મેહુલ’ અહીં
જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

બંનેમાં વાત તો મૃત્યુની જ છે. ખય્યામને જિંદગીને ચાર દિવસની કહી છે. આ ચાર દિવસને આપણે આ રીતે વહેંચી શકીએ. બાળપણ, કિશોરાવસ્થા, યુવાની અને ઘડપણ. જોકે જિંદગી ચાર દિવસની છે એ વાત ઉર્દૂ ગઝલમાં સેંકડો વખત આવી છે. પણ ખય્યામે તો અગિયારસો બારસો વર્ષ પહેલાં જીવનની નશ્વરતાને ચાર દાડાની કહી નાખી હતી. પછી તો કેટકેટલા લોકોએ આ પ્રતિકનો સુંદર રીતે ઉપયોગ કર્યો. ફિરાક ગોરખપુરીનો પ્રસિદ્ધ શેર યાદ આવે જ.

યે માના કિ જિંદગી હૈ ચાર દિન કી,
બહુ હોતે હૈ યારો ચાર દિન ભી.

સીમાબ અકબરાબાદીનો શેર પણ કેમ ભૂલાય?

ઉમ્રે દરાજ માંગ કે લાયે થે ચાર દિન,
દો આરજૂ મેં કટ ગયે દો ઈંતજાર મેં.

આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે જરાક જેટલી જિંદગી છે એમાં ક્યાં કોઈની સાથે માથાકૂટો કરવી, મજાથી જીવી લઈએ. મંજર લખનવીએ આ જ વાતને સુંદર રીતે રજૂ કરી છે.

ચાર દિન કી હયાત મેં મંજર,
ક્યૂં કિસી સે ભી દિલ બૂરા કિજે.

ચાર દિવસની જિંદગી ગુજારવાની હોય છે, એમાં વળી શું વસવસો, શું રંજ. આ વાત અંબર ખરબંદાએ ગઝલમાં સહજ રીતે કરી છે.

ગુજારને થે યહી ચાર દિન ગુજાર દિયે,
ન કોઈ રંજ, ન શિકવા, ન અબ મલાલ કોઈ.

આ ચાર દિવસની જિંદગીવાળી ફિલસૂફી ધરાવતી કવિતાઓ, ગઝલો શોધવા જઈએ તો આજે સેંકડોની સંખ્યામાં મળી આવે. તેનું આગવું એક પુસ્તક થઈ જાય.

ખય્યામની આજે પુણ્યતિથી છે. 18 મે 1048ના રોજ તેમનો જન્મ થયો હતો અને 4 ડિસેમ્બર 1122ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમની પુણ્યતિથિએ તેમને વંદન કરી, શૂન્ય પાલનપુરીએ કરેલી અન્ય અનુવાદિત રૂબાઈ સાથે અટકીએ.

લોગઆઉટ

ઓ પ્રિયે ! પરિકરના જેવું આ જીવન છે આપણું,
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું;
વર્તુલો રચવા સુધીની છે જુદાઈની વ્યથા,
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું.

– ઉમર ખય્યામ (અનુ. શૂન્ય પાલનપુરી)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો