જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ

લોગઇન

જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી
આપું જવાબ એવું તો ક્યાં છે જિગર હજી

ભૂલી ગયો છું એમ તો દુનિયાનાં ઘર તમામ
આવી રહ્યું છે યાદ મને એનું ઘર હજી

કેવી રીતે હું લાશ બની નીકળ્યો હતો
શોધી રહ્યો છું એની ગલીમાં કબર હજી

હું જોઉં છું તો જોઉં છું એની જ દૃષ્ટિએ
મારી નજરમાં કેમ છે એની નજર હજી

તરડે છે કેમ આયનો મારા વિચારનો
વરતાય છે આ કોના વદનની અસર હજી

ક્ષણ ક્ષણ કરીને કેટલા યુગ વીતતા રહ્યા
એ બેખબરને ક્યાં છે સમયની ખબર હજી

ગણતા રહો સિતારા તમે ઇંતેજારમાં
આદમ તમારે જાગવું છે રાતભર હજી

– શેખાદમ આબુવાલા

કવિતા જિંદગીની ઠોકરમાંથી સર્જાય છે. ઉદાસી એ કવિતાની જનની છે. આંસુ ઘણી વાર શાહીનું કામ કરે છે. હૃદયમાં લાગેલી આગ કવિતાનો બાગ સર્જી દે છે. જેમ બળેલો કોલસો વર્ષો સુધી જમીનના પેટાળમાં દબાયેલો રહીને કાળક્રમે હીરો બને છે, તેમ બળેલું હૈયું ભલે સાવ કોલસા જેવું થઈ જતું, પણ તેમાં કવિતાનું ઝરણું ફૂટે તો કોલસો હીરો થઈ શકે છે. વર્ષોની ધરબાયેલી પીડાને શબ્દોનું શરણ મળે તો ભીતરમાં ભીનાશ અનુભાવય છે. કવિતા લખવાના ઘણાં કારણો હોય છે. પ્રેમમાં મળેલી નિષ્ફળતા એક મોટું કારણ હોઈ શકે. જીવનની વ્યાધિ-ઉપાધિ અને ઝંઝાવાતો પણ નિમિત્ત બની શકે. અંદરથી ઊભો થતો આક્રોશ પણ કવિતાનાં પગથિયાં ચડવા માટે પ્રેરણારૂપ બને. ઈશ્વરભક્તિ પણ શબ્દોનો દીવો પેટાવી શકે. પણ એ બધાનો સ્થાયીભાવ ઘેરી ઉદાસી છે, પીડા છે. એક અંગ્રેજ કવિએ કહેલું, તમારે કવિતા લખવી છે? તો બતાવો તમારા ઘાવ ક્યાં છે? ઘાવ વિના કવિતાની વાવના પગથિયાં ઊતરી શકાતાં નથી. ગૌરાંગ ઠાકરે પણ લખ્યું છે, ‘તમને કવિતા તો કહેવી છે પણ, તમારા દિલમાં ક્યાંક ઉઝરડતો જોઈએ.’ હૃદયમાં ઉઝરડો હશે તો શબ્દની શરણાઈમાં અનોખું દર્દ ભળશે.

કવિ શેખાદમ આબુવાલા આવો જ દર્દભર્યો ઉઝરડો લઈ જીવતા હતા. 15 ઓક્ટોબર 1929ના રોજ અમદાવાદમાં જન્મેલા આ કવિએ જીવનનાં ઘણાં વર્ષો જર્મનીમાં વીતાવેલા. ત્યાં ‘વોઇસ ઑફ જર્મની’માં હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યું. ત્યાં જ તેમનો પરિચય ‘હની’ સાથે થયો અને તેમનું જીવન મધમીઠું થવા લાગ્યું. હની પણ શેખાદમને ભરપૂર પ્રેમ કરતી. તેમના પ્રેમને કારણે જ તે છાનામાના ગુજરાતી ભાષા શીખી. અને ‘તાજમહેલ’ પુસ્તકની રચનાઓ બાળક જેવી કાલીઘેલી ભાષામાં શેખાદમને સંભળાવી ત્યારે શેખાદમ પણ સુખદ આશ્ચર્ય પામ્યા. આ પ્રેમકથા ખૂબ જ રોમાંચક હતી. અને એટલે જ તેનો અંત પણ પ્રેમકથાઓ જેવો જ રોમાંચક આવ્યો. શેખાદમ અને હની એકબીજાને ક્યારેય પામી ના શક્યાં. હની જર્મન હતી અને તેના પિતા પ્રિસ્ટ હતા. એમને શેખાદમનું મુસ્લિમપણું નડી ગયું. તેમને હની ગુમાવવી પડી. જો કે શેખાદમના પ્રેમને લીધે હનીએ પણ આજીવન લગ્ન ન કર્યા, તે સાધ્વી બી ગઈ. શેખાદમ પણ આજીવન સંસારમાં રહીને સાધુ માફક નિર્લેપ જીવન જીવ્યા. તેમણે હનીની યાદમાં એક લાંબા નિસાસા જેવું દીર્ઘકાવ્ય લખેલું,

અપને ઈક ખ્વાબ કો દફનાકે અભી આયા હૂં,
અબ મુઝે ચૈન સે સોને દે તો અચ્છા હોગા.
મૈં બહુત જોર સે હસતા રહા દસ સાલ તક,
દો ઘડી કે લિયે રોને દે તો અચ્છા હોગા.

આ થોડી પંક્તિઓ વાંચીને શેખાદમની અંદર ઘૂંટાતી પીડા અનુભવી શકાશે. તેમની જ એક અન્ય ગઝલનો શેર પણ પ્રણયની આ જ પીડાને છતી કરે છે-

તને પામ્યા પછી પણ હું તને પામી નથી શકતો
મને આપ્યો છે કેવો જામ આ કે પી નથી શકતો.

પામ્યા પછીય ના પામી શકવાની વેદના આદમમાં આજીવન રહી. એમણે જ એક ગઝલના શેરમાં કહેલું,

જિંદગીમાં જે નથી પૂરું થતું
એ જ સમણું ખૂબ નમણું હોય છે

પૂરું ન થઈ શકે એવા નમણા શમણા સાથે તેઓ જીવ્યા. અને એમના જાતઅનુભવે જ કદાચ આ શેર લખ્યો હશે-

મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા;

ઘાયલ કી ગત ઘાયલ જાને. શેખાદમ પ્રેમ બાબતે ભીતરથી ખૂબ ઘાયલ હતા. જેને આજીવન ગુમાવી દીધી છે એની તમન્નામાં જીવવું તેમના માટે ઘણું પીડાદાયી હતું. એ વાત અહીં લોગઇનમાં આપેલી ગઝલના દરેક શેરમાં અનુભવી શકાશે. ‘હજી’ રદીફ દ્વારા તેમને હજી પણ હની સાથેનો ઘરોબો હૃદયમાં જરાકે ઓછો નથી થયો તે જોઈ શકાય છે.

લોગઆઉટ

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.

એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

- શેખાદમ આબુવાલા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો