સ્વર્ગમાં બધાએ જવું છે, પણ મરવું કોઈએ નથી!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

પથ્થર ઠંડોગાર છે;
એ ખરબચડો, ખૂણાળો અને કઠોર.

પણ નદીના વ્હેણમાં
એણે ગોળ થયે જ છૂટકો,
વહી જાતાં વર્ષોમાં
બીજાઓ સાથે અથડાતાં-કુટાતાં,
એવું નથી કે પથ્થરને ઉષ્માળો ન જ હોય.
તમે જો એને હૃદયને ગજવે-છાતીસરસો-રાખો તો
તે હૂંફાળો થશે જ થશે.

માત્ર એટલું જ કે એની ટાઢીબોળ જડતાને ખંખેરવા મથતાં
તમારે ધરપત રાખવી પડે.

- ફૂયુહિકા કિટાગાવા (જાપાન) અનુ. જગદીશ જોષી

જગદીશ જોષી એટલે ‘ધારો કે એક સાંજ આપણે મળ્યાં’ના કવિ. જગદીશ જોષી એટલે ‘ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરે અમે રોઈ પડ્યા’ના કવિ. ગુજરાતી ગીતકવિતામાં તેમનું કામ અનોખું છે. પ્રણય અને જીવનની વેદના-સંવેદના તેમની કવિતામાં ભારોભાર છલકાય છે. ઘણા ઓછા લોકોને ખબર છે કે જગદીશ જોષીએ વિશ્વની કેટલીક ઉત્તમ કવિતાઓના અનુવાદો પણ કર્યા છે. આજે 9મી ઓક્ટોબરે તેમની જન્મતિથિ છે. ‘આકાશ’ નામના કાવ્યસંગ્રહથી તેમણે ગુજરાતી સાહિત્યના આકાશમાં ઉડ્ડયન આરંભ્યું. ત્યાર પછી તો ‘વમળનાં વન’માં પણ પગલીઓ પાડી. આ કવિ, અનુવાદકે 21 સપ્ટેમ્બર 1978માં જીવનલીલા સંકેલી લીધી.

જગદીશ જોષીએ જે કવિની કવિતા અનુવાદિત કરી છે, તેવા કવિ ફ્યૂહિકા કિટાગાવા વીસમી સદીના જાપાનના પ્રમુખ કવિઓમાંના એક હતા. 3 જુલાઈ 1900ના રોજ જાપાનના શિગા ટાઉનમાં જન્મેલા કિટાગાવાએ 12 જૂના 1990ના રોજ જગતમાંથી વિદાય લીધી. વીસમી સદીની મોડર્ન કવિતા – ખાસ કરીને અછાંદસ કાવ્યોમાં તેમનું વિશેષ પ્રદાન રહ્યું છે. અહીં લોગઇનમાં આપવામાં આવેલી કવિતાથી તેમની કાવ્યશક્તિનો અંદાજ લગાવી શકાશે.

અહીં વાત પથ્થરની કરવામાં આવી છે, પણ તે પથ્થર પૂરતી સીમિત નથી. ખળખળ વહેતી નદીના કિનારે અનેક નાનામોટા પથ્થરો તમે જોયા હશે. કેવા સુંદર અને લિસ્સા હોય છે. ઘણા તો તેને યાદગીરી રૂપે પણ સાથે રાખી લે છે. નાના નાના પથ્થરો તો ઘસાઈને પાંચિકા થઈ ગયા હોય છે. પણ એ કાંઈ પહેલેથી આટલા લિસ્સા નહોતા. વર્ષો સુધી તેમની પર નદીનું ઠંડું પાણી વહેતું રહ્યું છે. જેમ દુઃખી દીકરાના માથે મા હાથ ફેરવે અને તેની પીડાનું તોફાન શમવા લાગે તેમ, વર્ષો સુધી આ પથ્થરના ખરબચડાપણા પર નદીએ પોતાનું ભીનું હેત વહેતું રાખ્યું છે. એ હેતના લીધે ધીમે ધીમે તેનું ખરબડતાપણું દૂર થયું. લાંબા ગાળે મોટામાં મોટો ખડગ પણ સુંદર અને લિસ્સો બની જાય છે.

આપણી આસપાસ પણ ક્યારેક આવા પથ્થર જેવાં ખરબચડા વ્યક્તિત્વો હોય છે, તેની સાથે આપણે પાણી જેવા હળવા બનવાને બદલે પોતે પણ પથ્થર જેવા જડ બની જતા હોઈએ છીએ. બે પથ્થર અથડાવાથી શું થાય એ તો આપણને બધાને ખબર છે. બંને પથ્થર તૂટે, ખરબચડાપણું વધે, અને ઘર્ષણથી તણખા ઝરે તો આગ લાગે એ જુદું. આપણે હંમેશાં એવી જ આશા રાખીએ છીએ કે સામેવાળો પાણી જેવો નિર્મળ થાય, હું પથ્થપણું નહીં મૂકું. સામેવાળો પણ એવું જ વિચારતો હોય છે. આપણે દરેકે સો ટચના હીરા જેવું ચમકદાર બનવું છે, પણ ઘસાવું કોઈએ નથી. ઘસાયા વિના તો હીરો પણ પથ્થર જ રહે છે. આ તો પેલી વાત જેવું છે, સ્વર્ગમાં બધાએ જવું છે, પણ મરવું કોઈએ નથી. બધાને એકબીજાનું ખરબચડાપણું ખૂંચે છે, પણ કોઈ એકબીજા માટે પાણી જેવા ઠંડા અને હુંફાળા બનીને વહેવાની કોશિશ નથી કરતું.

ફ્યૂહિકા કિટાગાવા, પથ્થરના પ્રતીક દ્વારા આપણા બધાની જ વાત કરે છે. ઠંડોગાર ખરબચડો અને અણિયાણો પથ્થર કાંઈ કાયમ માટે પથ્થર નહીં રહે, જો એની પરથી નદીનું વહેણ પસાર થતું રહેશે તો! એણે લિસ્સા થયે જ છૂટકો છે. પથ્થર જેવો પથ્થર પણ ઉષ્માળો હોય જ, જો એને છાતીસરસો ચાંપી રાખવામાં આવે, હૃદયના ખિસ્સામાં સાચવવામાં આવે તો એ હુંફાળો થાય જ. માત્ર એની જડતાને ખંખરવા માટે આપણે ધીરજ રાખવાની છે. શું તમે કોઈની માટે આવી ધીરજનું જળ થઈને વહી શકો છો?

જગદીશ જોષીએ કરેલી એક અન્ય અનુવાદિત કવિતા સાથે લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

અમારા સંબંધ માટે લોકોને કૌતુક છે.
લોકોનું કહેવું છે-તેઓ માને છે-કે સંબંધ સુંવાળો હશે.
હું પણ માનું છું સુંવાળો છે,
જોકે જાણવું મુશ્કેલ છે,ક્યારેય મેં એ રીતે
વિચાર્યું નથી.

કેન્ડલલાઈટમાં ડીનર
અને ફક્કડ શરાબથી
કામ ચાલે છે
પણ,
નાંગરવા વિશે, ને
મારાં મૂળિયાં ઊખડી ન જવા પામે એ વિશે
બેફિકર થવા
મારે ક્યારેક ક્યારેક
મથામણ તો કરવી જ પડે છે.

- લિન શિલ્ડર (અનુ. જગદીશ જોષી)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો