ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇન
કહીં લાખો નિરાશામાં,
અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં,
રહમ ઊંડી લપાઈ છે.
– મણિભાઈ નભુભાઈ દ્વિવેદી
ગઈ કાલે મણિભાઈ
દ્વિવેદીનો જન્મદિન હતો. તારીખ 1 ઓક્ટોબર 1898માં જન્મેલા આ સર્જકે કવિતા, નાટક,
નિબંધ, સંશોધન, સંપાદન, વિવેચન એમ અનેક ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. પ્રખર
વિદ્વાન. વિવેકાનંદે શિકાગોમાં જઈને હિન્દુ ધર્મનો ડંકો વગાડ્યો. પણ શિકાગોમાં જતા
પહેલાં તેમણે નડિયાદમાં જઈને મણિભાઈ નભુભાઈની સલાહ લીધેલી એ વાત ઘણા ઓછા લોકો
જાણતા હશે. વિવેકાનંદે તેમની સાથે હિન્દુ ધર્મ અંગે ચર્ચાવિચારણા પણ કરેલી. મણિભાઈ
ખૂબ જ્ઞાની, સાહિત્ય અને ધર્મની ઊંડી સમજ. તેમના વાણીવ્યવહારમાં ભારોભાર પાંડિત્ય
છલકે. તેમની આ પંડિતાઈને ધ્યાનમાં રાખીને જ રમણભાઈ નીલકંઠે તેમની પર કટાક્ષ કરતી
‘ભદ્રંભદ્ર’ નામની એક હાસ્યનવલકથા રચી. જે આજે ગુજરાતી સાહિત્યની ક્લાસિક
કૃતિઓમાંની એક ગણાય છે. એ રીતે જોવા જઈએ તો મણિભાઈએ પ્રત્યક્ષ અને પરોક્ષ બધી રીતે
ગુજરાતી સાહિત્યને ઘણું બધું આપ્યું છે.
ગુજરાતી ગઝલ જ્યારે
પાપા પગલી ભરતી હતી, ત્યારે મણિભાઈ, કલાપી, બાલાશંકર જેવા કવિઓએ તેની આંગળી પકડી
અને ભાષાના આંગણામાં ચાલતા શીખવ્યું. ગુજરાતી ગુલમહોરના રંગો તેની પર છાંટ્યા. તેના
ઘાટ અને રંગરૂપમાં ગુજરાતીપણું ઉમેરવા પ્રયત્નો કર્યા. જોકે નવી નવી
ઊર્દૂ-ફારસીમાંથી ઊતરી આવેલી ગઝલમાં ઉર્દૂની ભારોભાર છાંટ વર્તાતી હતી. મણિભાઈની
ઉપરની પંક્તિ જ જુઓને. બીજી પંક્તિમાં એક સાથે ચારચાર ઉર્દૂ શબ્દો છે – ખફા, ખંજર,
સનમ, રહમ. માત્ર એક જ પંક્તિમાં ચાર ઉર્દૂ શબ્દો એ થોડું વધારે પડતું કહેવાય. પણ
જો આ આખી ગઝલ તમે વાંચશો તો તેમાં તમને પુષ્કળ ઉર્દૂ છાંટવાળા શબ્દો જોવા મળશે. પણ
આવું માત્ર મણિભાઈ નભુભાઈમાં જ નથી. કલાપી, બાલાશંકરમાં પણ એ દેખાય છે. ગઝલ હજી
ગુજરાતીમાં નવી હતી, એટલે એ સ્વાભાવિક હતું. અને ઉર્દૂની છાંટ છેક મરીઝ-શૂન્ય સુધી
રહેલી જોવા મળે છે. ત્યાર બાદ આદિલ મન્સૂરી, ચિનુ મોદી, રાજેન્દ્ર શુક્લ, મનહર
મોદી, મનોજ ખંડેરિયાવાળી આખી પેઢીએ ગઝલને સંપૂર્ણપણે ગુજરાતી બનાવવામાં ખૂબ
મહત્ત્વનો ફાળો આપ્યો. મનોજ ખેડરિયાએ કહ્યું છે તેમ, ‘તારે કાજે ગઝલ મનોરંજન, મારે
માટે તો પ્રાણવાયુ છે.’ આ ગઝલકારોએ પ્રાણવાયુની જેમ ગઝલને શ્વસી. તેને પાક્કી
ગુજરાતી બનાવી. તેને માનમોભો અપાવ્યા. પણ તે પહેલા તેનો પાયો નાખવામાં કલાપી,
બાલાશંકર અને મણિભાઈનો મોટો ફાળો છે તેમાં કોઈ બેમત નથી.
મણિભાઈ તો ‘કહીં લાખો
નિરાશામાં અમર આશા છુપાઈ છે’ એ પંક્તિ માત્રથી ગુજરાતી ગઝલમાં અમર થઈ ગયા છે. તેમનું
‘કાન્તા’ નાટક વગેરે પ્રદાનો તો છે જ. કવિ એક સારી પંક્તિ રચે તો તે ભાષાના
શિલાલેખમાં સુવર્ણાક્ષરે કંડારાઈ જતી હોય છે. આજે તો લાખો નિરાશામાં અમર આશા છુપાઈ
છે એ વાત કહેવત જેમ વપરાય છે. ઘણાના જીવનમાં વ્યાપેલી નિરાશામાં આ પંક્તિ આશાનું
અજવાળું પાથરે છે. આવી એક પંક્તિ કે એક શેર લખાઈ જાય તોય બેડો પાર થઈ જાય. આ એકાદ
પંક્તિ કે શેર ક્યારેક સર્જકને અજરાઅમર કરી દે. ઓજસ પાલનપુરી પણ તેમના એક શેરને લીધે ગુજરાતી ગઝલમાં
સિતારાની જેમ ચમકી રહ્યા છે-
ભાવિન ગોપાણીએ સાવ
સાચું લખ્યું છે—
એક શેર જ શું કામ? ક્યારેક તો એક પંક્તિ પણ પૂરતી હોય છે. મણિભાઈની નભુભાઈ દ્વિવેદીની પંક્તિ તેનું ઉદાહરણ છે. તેમની
આત્મકથા પણ એટલી જ બોલ્ડ. વર્ષો સુધી તે પ્રકાશિત ન થઈ શકી. એ તેની બોલ્ડનેસને
લીધે જ. મણિભાઈ ધીરુભાઈ ઠાકરને પોતાની અંગત ડાયરી આપેલી, અને તેમના અવસાન પછી જ તે
પ્રકાશિત કરવી તેમ જણાવેલું. પણ તે એટલી બોલ્ડ હતી કે ધીરુભાઈને પ્રકાશિત કરવામાં
સંકોચ થયો. આખરે તેને એડિટ કરીને પ્રકાશિત કરાઈ. ગુજરાતી ભાષામાં આટલું ખૂલ્લું
આટલી સ્પષ્ટતાથી લખ્યું હોય તેવી ભાગ્યે જ કોઈ આત્મકથા છે. પોતાની ત્રુટીઓ અને
અવગુણોનો ખુલ્લેઆમ સ્વીકાર કરવા માટે બહુ મોટી હિંમત જોઈએ. મણિભાઈમાં એ હતી. અને
તે તેમણે આત્મકથામાં સત્યને યથાતથ લખીને બતાવી પણ ખરી.
મણિભાઈના જ સમકાલીન બાલાશંકરના અમર શેરથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટ
- બાલાશંકર કંથારિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો