જૂના પત્રો સાચવીને રાખજે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

એક રણકો ફોન ઉપર આવશે,
લૈને સંદેશો કબૂતર આવશે.

આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક,
ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.

આંગણે આંબાને આવી કેરીઓ,
રોજના બેચાર પથ્થર આવશે.

જૂના પત્રો સાચવીને રાખજે,
એક દિ’ એનોય અવસર આવશે.

આજ હું ઊભો છું એવી સરહદે,
બંને બાજુએથી લશ્કર આવશે.

જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ,
ઝેર સૌ પીવાને શંકર આવશે.

- બાલુભાઈ પટેલ

બાલુભાઈ પટેલ, આ નામ પ્રથમ દૃષ્ટિએ જરા પણ કવિ જેવું નથી લાગતું, પણ બાલુભાઈ એક અચ્છા કવિ છે તેમાં કોઈ બેમત નથી. એક નહીં, બે નહીં પણ પાંચ-પાંચ કાવ્યસંગ્રહો તેમણે આપ્યા છે. શૂન્ય, સૈફ, ગની, મરીઝ જેવા અનેક શાયરો સાથે મુશાયરા ગજવનાર આ ગઝલકાર આજના ઘણા લોકોને અજાણ્યા લાગે. તેમની કાવ્યગલીઓમાંથી પસાર થઈએ તો જરા પણ અજાણ્યું નહીં લાગે... 25 સપ્ટેમ્બર, 1937ના રોજ જન્મેલા બાલુભાઈએ 1992માં વિદાય લીધી. પોતાના પંચાવન વર્ષના જીવનકાળ દરમિયાન તેમણે પાંચ સંગ્રહ આપ્યા. વ્યવસાયે ઈંટકપચીની ઇમારત ચણતા આ કવિ ગઝલનું ચણતર પણ બખૂબી કરી જાણતા હતા.

કબૂરતથી પહોંચતી ચિઠ્ઠીથી લઈને આજે ફોન અને મોબાઇલ સુધી પહોંચ્યા છીએ. બાલુભાઈએ આ શેર લખ્યો ત્યારે તો મોબાઇલની એમને કલ્પના પણ નહીં હોય. તેમણે કદાચ લેન્ડલાઇનને ધ્યાનમાં રાખીને લખ્યો હશે, છતાં મોબાઇલને પણ આ શેર એટલો જ લાગુ પડે છે. ફોન પર કોઈનો રણકો સંભળાવો અને કબૂતર કોઈનો સંદેશો લઈને આવે એ વિરોધાભાષ આકર્ષે છે. ઘણાને એમ થાય કો મોબાઇલ છે, પછી હવે કબૂતરની શી જરૂર, એક મેસેજ કર્યો, વાત પતી. બહુ એવું હોય તો વીડિયો કોલિંગ કરી દેવાનું. પણ બાલુભાઈએ કરેલી વાત તો જેના હૃદયમાં કબૂતર ઊડતાં હોય એ જાણે.

છ શેરમાં સમાયેલી આ ગઝલનો પ્રત્યેક શેર વાંચવો, મમળાવવો ગમે તેવો છે. સડકને વળાંક આપવો અને એ જ જગ્યાએ વિધવાનું ઘર આવવું આ વાતમાં કેટકેટલા અર્થસંદર્ભો જડી આવે છે. કદાચ વ્યક્તિએ વ્યક્તિએ એનું સંવેદન જુદું પડે. ગુજરાતીમાં કહેવત છે કે ગોળ હોય ત્યાં કીડીઓ આવે. જે ઝાડ પર વધારે ફળ હોય તેને જ પથ્થરના ઘા ખમવા પડે છે. તમારું વ્યક્તિત્વ એક આંબા જેવું હોય અને તમારી પર ભલમનસાઈની કેરીઓ આવે તો પથ્થર ખાવાની તૈયારી રાખજો. લોકો ગમે તેમ કરીને કેરીઓ પાડવા મથશે.

ભાવેશ ભટ્ટનો એક શેર છે-

ફરીથી કંઈ શરૂ કરવું છે કે પૂરું જ કરવું છે,
હવે આ ઉંમરે તું જૂના પત્રો મોકલાવે છે.

કેટલો સુંદર શેર! અને બાલુભાઈનો મિજાજ જુઓ, એ પત્ર સાચવી રાખવાનું કહે છે, જ્યારે ભાવેશ ભટ્ટ જૂના પત્રો શા માટે મોકલે છે? એવો પ્રશ્ન કરે છે. આમ જોવા જઈએ તો બંને શેરના અર્થ અને ભાવ સાવ જુદા છે, પણ બંનેને એક સાથે માણવાની મજા આવે છે. એક કવિ કહે કે ‘જૂના પત્રો સાચવીને રાખજે, એક દી એનોય અવસર આવશે.’ અને બીજા એમ કહે કે હવે વર્ષો પછી, ઢળતી ઉંમરે ક્યાં તું મને જૂના પત્રો મોકલાવે છે? અર્થાત્ બાલુભાઈએ જે સાચવીને રાખવાનું કહ્યું એ પત્રો તો આ નથીને? અને બાલુભાઈ જે અવસરની વાત કરે છે કે ‘એનોય અવસર આવશે.’ તે અવસર આ જ તો નથી ને? આ રીતે આ બંને શેરને જોડીને જોવા જેવા છે. પત્ર ઉપર તો કેટકેટલા શેર છે. હર્ષદ ચંદારાણાએ તો આખી પત્ર ગઝલ લખી છે. ગાલિબનો શેર તો કેટલો અદભુત છે,

क़ासिद के आते आते ख़त इक और लिख रखूँ
मैं जानता हूँ जो वो लिखेंगे जवाब में

રાજેન્દ્ર શુક્લએ તો એક ગઝલ પૂરતા સીમિત ન રહી, સાત ગઝલોનો ગુચ્છ કર્યો.

જત જણાવવાનું તને કે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.

રમેશ પારેખે પત્ર પર લખેનો આ સુંદર શેર જુઓ-

પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી,
યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં.

બાલુભાઈના એક શેર પરથી આપણે બીજા અનેક કવિઓ સુધી પહોંચી ગયા. જોકે પત્ર પર લખાયેલી કવિતાઓ વિશે તો અલગથી અભ્યાસ થઈ શકે. આ એક લેખમાં તો શું સમાવી શકાય. આ વિષય પર એક સુંદર પુસ્તક થઈ શકે. પત્ર વિશે બાત નીકલેગી તો બહોત દૂર તલક જાયેગી. પણ અહીં જગ્યાની મર્યાદા હોવાથી અટકીએ. બાલુભાઈની ગઝલના આગળના શેર વાચકોના આસ્વાદ માટે છોડીએ. આજે બાલુભાઈનો જન્મદિવસ છે, તો તેમની જ આ ગઝલથી તેમને વંદન કરીએ.

લોગઆઉટ

ચાલ મળીએ કોઈ પણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઈ સગપણ વિના.

એકબીજાને સમજીએ આપણે,
કોઈ પણ સંકોચ કે મુંઝવણ વિના.

કોઈને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઈ પણ અવરોધ કે અડચણ વિના.

આપ તો સમજીને કંઈ બોલ્યાં નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું, સમજણ વિના.

– બાલુભાઈ પટેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો