તેલ કે વાટ હોય એટલું પૂરતું નથી, આગ પણ જોઈએ

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

ટોપલીમાં તેજ લઈ નીકળી પડો,
પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે.

— મનોજ ખંડેરિયા

કવિતા કઈ ઊર્જામાંથી પ્રગટે છે? એવી કઈ શક્તિ છે, જે કવિને શબ્દમાં ઓળઘોળ થવા મજબૂર કરે છે? એવું કયું અજવાળું છે જે શબ્દસાધકને કલમની કેડી પર ચાલવા માટે રસ્તો ચીંધે છે? એવો કયો અનુભવ છે, જે કવિને કાવ્યસર્જન તરફ પ્રેરે છે? આવા પ્રશ્નોના ઉત્તર વ્યક્તિએ વ્યક્તિએ અને જુદા હોવાના. કવિતા એ તો હૃદયની ઊર્જાનો અભિષેક છે. અને આ અભિષેક આંસુ વડે થાય છે. કવિતા આયખાના ઓરસિયામાં ઘૂંટાતી હોય છે. સંવેદનાની શરણાઈ ફુંકાય, હૃદયની રાગિણી છેડાય, શ્વાસમાં સૂર રેલાય, આંખમાં અમી ઊભરાય, ભીતરથી ભાવનો ઝરો ફૂટે ત્યારે આપોઆપ કવિતાનું કેસર ઘૂંટાવા લાગે.

લોગઇનમાં આપેલો મનોજ ખંડેરિયાનો શેર વાસુદેવ કૃષ્ણને ગોકુળમાં મૂકવા જાય છે તે સ્થિતિને જીવન સાથે સાંકળે છે. વાસુદેવ ટોપલીમાં કૃષ્ણ નામનું તેજ લઈને નીકળ્યા અને પાણીની વચ્ચેથી આપોઆપ રસ્તો થઈ ગયો. જિંદગીની કપરી મુશ્કેલીમાં પણ પોતાનું તેજ લઈને નીકળીશું તો વિકટ સ્થિતિમાં પણ રસ્તો મળશે જ. કાવ્યસર્જનમાં પણ કંઈક આવું જ છે. ભીતર જો પોતાનું તેજ ઝળહળતું હશે, તો આપોઆપ અંદરની ઊર્જા કલમ તરફ દોરી જશે. કાવ્યપ્રવૃતિ તેજ અને ભેજનો સમન્વય છે. ચિનુ મોદીએ લખ્યું હતું,

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખના ખૂણે હજીયે ભેજ છે.

એક અગ્રેજ કવિએ કહેલું, જે સહજતાથી વૃક્ષને પાન ફૂટે, એટલી જ સહજતાથી કવિને શબ્દ ફૂટવા જોઈએ. આવી સહજતા માટે અંદરની ઊર્જા ખૂબ જરૂરી છે. કોડિયામાં તેલ કે વાટ હોય એટલું પૂરતું નથી. તેને પ્રગટાવવા માટે આગ પણ જોઈએ. અનિલ જોશીએ તો ત્યાં સુધી કહ્યું છે, “શબ્દોમાં હું એમ પ્રવેશું જેમ આગમાં સીતાજી.’

આગ નહીં હોય તો કવિતાનો બાગ આર્ટિફિશિયલ લાગશે. ઘણાં જંગલ બગીચા કરતા વધારે રળિયામણાં હોય છે. કુદરત સોળે કળાએ ખીલી હોય છે. બાગ હોય છે ખૂબ સુંદર, પણ એમાં કૃત્રિમતાની ગંધ આવતી હોય છે. ફૂલો, છોડ અને વૃક્ષોને ખીલવા ઉપર પ્રતિબંધ લાદ્યો હોય તેમ ડરતાં ડરતાં ખીલ્યાં હોય છે. શોભા વધારવા માટે વૃક્ષોને માપ મુજબ કાપી નખાયાં હોય છે. લીલોતરીના વિકાસ ઉપર જાણે પાબંદી લાદી દીધી હોય એવું ફીલ થાય. શરીર મુજબ કપડાં બનાવવાને બદલે કપડાં મુજબ શરીર કરાતું હોય એવું લાગે. ખડુસ શિક્ષકના ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓ અને મેદાનમાં મુક્તમને રમી રહેલા વિદ્યાર્થીઓ વચ્ચે જેટલો ફેર હોય તેટલો જ બગીચામાં અને જંગલમાં હોય છે.

આનો અર્થ એ નથી કે બગીચો ખરાબ છે. બગીચામાં પણ સુંદર વૃક્ષો, તળાવ, ફૂલો, પંખીઓ, કલરવ, હરિયાળી અને શાંતિ હોય છે. આપણે એને એન્જોય કરીએ છીએ. ત્યાં મજા પણ આવે છે. એની કૃત્રિમતા આપણને કઠતી નથી, કારણ કે આપણે તેનાથી ટેવાઈ ગયા છીએ. આપણે પોતે કૃત્રિમ થઈ ગયા છીએ. ત્યાં બધું જ આપણી ઇચ્છા મુજબ અને આપણને જોવું ગમે તેવી રીતે ઊભું કરેલું હોય છે, ગોઠવેલું હોય છે, ગોઠવાયેલું નથી હોતું.

જંગલ તો પોતાની રીતે ફૂલેફાલે. પંખીઓ, વૃક્ષો, હરિયાળી, ઝરણાં, કલરવ બધું જ ત્યાં સહજ અને આપોઆપ છે, કશું ગોઠવેલું નથી, જાતે ગોઠવાતું ગયું છે. કવિતાની ઊર્જા જંગલ અને બગીચા જેવી હોય છે. બગીચો ત્યાં સુધી જ સારો રહે છે, જ્યાં સુધી તેનું સમારકામ થતું રહે, સમયસર ખાતરપાણી મળતા રહે, તેનું ધ્યાન રખાતું રહે. જંગલ પોતે પોતાનામાં રમમાણ છે. તેમાં ઉજ્જડતા અને લીલોતરી સંપીને રહે છે. બરછટતા અને સુંવાળપ બંને સાથે સાથે વિકસે છે. કવિતામાં માત્ર આનંદ જ હોય એવું એ જરૂરી નથી. આઘાત પણ હોય. કવિતામાં બધું ગમી જ જાય એવું પણ ન હોય. ક્યારેક ધ્રૂસકે ધ્રૂસકે રડાવી શકે, ક્યારેક તો ‘પોકેપોકે’ હસાવે.

कहानी ख़त्म हुई और ऐसी ख़त्म हुई
कि लोग रोने लगे तालियाँ बजाते हुए

લોકો રડે છે અને રડવામાંથી આનંદ પણ મેળવે છે. આ વિચિત્ર લાગશે. પણ કવિતાની આ ખૂબી છે. નરસિંહરાવ દીવેટિયાએ લખેલું, ‘આ વાદ્યને કરુણરસ વિશેષ ભાવે.’ કવિતાની ઊર્જા તેની પીડામાં રહેલી છે. તેનાં મૂળ ઉદાસીના નીરથી સીંચાયેલાં હોય છે. કવિતા એ તો જંગલ છે. જ્યાં કવિના હૃદયમાં પાંગરતો વિચાર મુક્તમને ખીલે છે. ક્યારેક તે વિચારનું વૃક્ષ પુષ્કળ હરિયાળી પાથરે તો ક્યારેક ઉજ્જડતા ફેલાવે. પીડા અને અભાવ કવિતાની જનની છે. આનંદ અને શોકના અજવાળે કવિતાની રંગોળી પૂરાય છે. અંદર જ્વાળામુખી ફાટ્યો હોય ત્યારે તેને શબ્દના વહેણમાં વહાવી દો તો એ ઊર્જાનું રૂપાંતર સુંદર કવિતામાં થઈ જાય.

સદીઓ પહેલાં અવકાશમાં કોઈ મહાકાય પીંડ પરસ્પર અથડાયા, મહાવિસ્ફોટ થયો, એમાંથી અનંત ઊર્જા ઉત્પન્ન થઈ. વિવિધ ગ્રહો બન્યા. બ્રહ્માંડ સર્જાયું. કવિતાનું બ્રહ્માંડ પણ આવા ભીતરના વિસ્ફોટથી સર્જાય છે. ક્યારેક તેજના ફુવારે અને આનંદના ઓવારે કવિતાની પ્રાપ્તિ થાય છે, તો ક્યારેક ઉદાસીના અંધારે ને પીડાના પગથિયે બેસીને તેને આકાર મળે છે. કવિતામાં તરબતર થવા માટે શું જોઈએ તેની માટે મરીઝે સુંદર શેર લખ્યો છે.

લોગઆઉટ

હૃદયનું રક્ત, નયનનાં ઝરણ, જીવનનો નિચોડ,
ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત.

- મરીઝ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો