ડગમગતો પગ રાખ તું સ્થિર

લોગઇન

પ્રેમલ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ!…

દૂર પડ્યો નિજ ધામથી હું,
ને ઘેરે ઘન અંધાર;
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
નિજ શિશુને સંભાળ…

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ, થાય,
મારે એક ડગલું બસ, થાય…

— નરસિંહરાવ દીવેટિયા­­

નરસિંહરાવ એટલે ગુજરાતી ભાષામાં પોતાના સર્જનનું ‘મંગલ મંદિર’ ખોલનાર કવિ. ‘જ્ઞાનબાલ’, ‘નરકેસરી’, ‘મુસાફર’, ‘પથિક’, ‘દૂરબીન’, ‘શંભુનાથ’, ‘વનવિહારી’ જેવાં વિવિધ ઉપનામોથી સતત લખતા રહેનાર શબ્દસેવી. કવિતા, વિવેચન, ભાષાશાસ્ત્ર અને નિબંધ ક્ષેત્રે પ્રવૃત્ત રહેનાર આ સર્જકનો જન્મ 3 સપ્ટેમ્બર 1859માં અમદાવાદમાં એ વખતના જાણીતા સમાજ સુધારક ભોળાનાથ દીવેટિયાને ત્યાં થયો હતો. નર્મદે અર્વાચીન યુગનો ‘ડાંડિયો’ લઈને પડઘમ વગાડ્યા અને ઉર્મિકાવ્યોનો પ્રારંભ કર્યો ત્યાર પછી એ સમયગાળામાં ઉર્મિકાવ્યોમાં મહત્ત્વનું કામ કરનાર કોઈ હોય તો એ નરસિંહરાવ દીવેટિયા છે. તેમના શબ્દનો દીવો આજે પણ અજવાળું પાથરી રહ્યો છે. ગુજરાતની ભાગ્યે જ કોઈ એવી સ્કૂલ હશે કે જ્યાં તેમનું કાવ્ય, ‘મંગલ મંદિર ખોલો દયામય...’ પ્રાર્થના તરીકે ન ગવાતું હોય. ‘કુસુમમાળા’, ‘હૃદયવીણા’, ‘નુપુરઝંકાર’ જેવા કાવ્યસંગ્રહોમાં તેમના હૃદયની ઉર્મિઓ છલકાય છે. તેમની એક ખૂબ જ જાણીતી પંક્તિ છે, ‘આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે’. આ પંક્તિ તો ગુજરાતી કરુણપ્રશસ્તિમાં શિખરે બેસે તેવી છે. આ પંક્તિની જેમ જ નરસિંહરાવનું જીવન પણ છેલ્લા દિવસોમાં કરૂણગાન જેવું હતું. પત્ની અને પુત્રના અવસાનથી તેઓ પડી ભાગ્યાં હતા. માણસ સંપત્તિ ગુમાવે, માનમોભો કે પ્રતિષ્ઠા ગુમાવે તેની કરતા વધારે આકરું પોતાનાં સ્વજનોને ગુમાવવાનું હોય છે. પુત્ર નલીનકાન્તના અકાળે અવસાન થયા પછી તેમનું હૃદય ખૂબ વલોવાયું અને એમાંથી જ ‘સ્મરણસંહિતા’ રચાયું.

ગાંધીજીએ કહ્યું હતું કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. નરસિંહરાવ દીવેટિયાની અમુક કવિતાઓમાં પ્રાર્થનાભાવ સવિશેષણે જોવા મળે છે. આપણે હમણા જ વાત કરી, મંગળ મંદિર ખોલો દયામય... કવિતાની. એવો જ ભાવ આ કવિતામાં પણ છે. જીવનના માર્ગમાં ખૂબ અંધાર છે. જિંદગીનો માર્ગ ઘણો દુવિધાભર્યો છે. આવી સ્થિતિમાં પોતાના માર્ગને અજવાળવા કવિ પ્રાર્થના કરે છે.

જીનના આકાશમાં વાદળો ઘેરાય છે, કશું સૂઝતું નથી. કાવ્યનાયક કહે છે હું તો એક નાના બાળક જેવો છું, ક્યાં જઈશ? નાનો શિશુ માર્ગ ભૂલી જાય, અંધકારમાં અટવાઈ જાય એમ હું અટવાઈ ગયો છું. બેફામે લખ્યું હતું ને, ‘ઘોર અંધાર છે આખી અવનિ ઉપર’ અહીં કવિના જીવનમાં ઘોર અંધાર છે. જો પ્રભુની કૃપા થાય તો અંધાર દૂર થાય, અજવાશના અમીદર્શન થાય. કવિ પ્રાર્થના કરે છે કે મારા ડગમગતા પગલાંને પ્રભુ તું સ્થિર રાખજે, ભલે મને દૂર દૂર સુધીનું સ્પષ્ટ ન દેખાય, માત્ર એકાદ જગલા જેટલું દૂરનું દેખાય તોય ઘણું છે, એક એક ડગલે પહોંચી જઈશ. આ પંક્તિઓ પરથી તો એક વાર્તા યાદ આવી જાય.

એક ખેડૂતને બે દીકરા. એક મોટો શહેરમાં ભણતો અને નાનો સાથે ખેતી કરતો. અચાનક એક દિવસ પત્ર આવ્યો. સાંજે ખેતરેથી આવીને નાના દીકરાએ વાંચ્યો અને પિતાને કહ્યું કે શહેરમાં મારો ભાઈ ખૂબ માંદો પડી ગયો છે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તાત્કાલિક બોલાવ્યા છે. પિતા પરિસ્થિતિની ગંભીરતા પામી ગયા અને એ જ ક્ષણે જવાનું નક્કી કરી નાખ્યું. રાત પડી ગઈ હતી. ચારે બાજુ અંધારું પથરાઈ ગયું હતું. એક હાથને બીજો હાથ ન સૂઝે એવું કાળુંધબ બધું હતું. આવા અંધારમાં દસેક માઇલ દૂરના શહેરમાં જવું કઈ રીતે? ખેડૂતે નાના દીકરાને ફાનસ પેટાવી આપ્યું અને કહ્યું આ ફાનસના અજવાળે તું પહોંચી જા અમે તારી પાછળ જ આવીએ છીએ. દીકરો મુંઝાયો. તેણે પોતાની મૂંઝવણ પિતાને કહી, તેણે પિતાને કહ્યું, 'આ ફાનસનો પ્રકાશ તો ત્રણ-ચાર ડગલાં સુધી પણ પહોંચતો નથી. કઈ રીતે દસ માઈલ સુધી ચાલી શકીશ?’

પિતાએ કહ્યું, 'કેવી વિચિત્ર વાત કરે છે તું? એક ડગલા સુધી પ્રકાશ પડતો હોય તો પણ આખા જગતની પરિક્રમા કરી શકાય, તું એક ડગલું આગળ ચાલીશ એટલે આપોઆપ બીજું એક ડગલું પ્રકાશ આગળ વધશે. તારે તો માત્ર બે ડગલા જેટલું દેખાય એટલે બહુ થયું.’ પુત્ર તરત સમજી ગયો.

નરસિંહરાવ પણ આવાં બે પગલાં અજવાળાંની અપેક્ષા રાખે છે. આ મૂળ કવિતા થોડી લાંબી છે, આખી અહીં મૂકવા જઈએ તો આખી કોલમ એમાં જ પતી જાય. તેથી તેની શરૂઆતની થોડી પંક્તિઓ અહીં સમાવી છે, નરસિંહરાવ વિશે વાત કરવાનું કારણ એ જ કે આજે તેમની જન્મતિથિ છે. તેમની જન્મતિથિએ તેમને વંદન અને અંતે તેમની જ સુપ્રસિદ્ધ રચનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

મંગલ મંદિર ખોલો
દયામય! મંગલ મંદિર ખોલો!

જીવન વન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઉભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો,
દયામય! મંગલ મંદિર ખોલો!

નામ મધુર તવ રટ્યો નિરંતર
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો આ બાલક,
પ્રેમ અમીરસ ઢોળો,
દયામય! મંગલ મંદિર ખોલો!

— નરસિંહરાવ દીવેટિયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો