પાકિસ્તાનની શાયરા પરવિન શાકિરનો કૃષ્ણપ્રેમ

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇન

યે હવા કૈસૈ ઉડા લે ગઈ આંચલ મેરા,
યૂં સતાને કી આદત તો મેરે ઘનશ્યામ કી થી.

— પરવિન શાકિર

કૃષ્ણ સદીઓથી સર્જકોને આકર્ષતા રહ્યા છે. આ એક જ દેવ એવો છે જે માખણ ચોરે કરે છે અને ચિત્ત પણ. એ વાંસળી વગાડે છે અને જરૂર પડે તો સુદર્શન પણ ચલાવી જાણે છે. એ ગાય ચરાવે છે ને ભગવદગીતા પણ સંભળાવે છે. એ ગોવર્ધન ઊંચકે છે અને ગોવાળો સાથે દડે પણ રમે છે. એ સર્જન કરે છે અને સંહાર પણ ખરે છે. કૃષ્ણ જેટલું વૈવિધ્ય ભાગ્યે જ કોઈ દેવમાં જોવા મળે છે. એનું બાળપણ જુઓ. કેટકેટલી રમતો છે, મસ્તી, તોફાનો, ટીખળો છે. કવિઓએ તો એના બાળપણને મન ભરીને ગાયું છે. નરસિંહ-મીરાં જેવા ભક્તકવિઓએ તેમના બાળપણાના કિસ્સાઓને તેમના મિત્ર બનીને, ગોપી બનીને કવિતામાં પરોવ્યો છે. કૃષ્ણ એવું વ્યક્તિત્વ કે કોઈ પુરુષને પણ તેની સાથે ગોપી થઈ જવાનું મન થાય. તમે ભગવાન શિવને જુઓ, તો તમને ભક્તિભાવ જાગશે, આદર આવશે, તમે નમી પણ પડશો. પણ તમને પાર્વતી થવાનું મન નહીં થાય. તમે રામને પૂજો. રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન ગાવ. રામાયણ સાંભળો, પણ તમે સીતા થઈ જાવ એવું નહીં બને. બ્રહ્માને પૂજો તોય તમને સરસ્વતી થવાની ઇચ્છા નહીં થાય. હા, તમે એવું જરૂર ઇચ્છશો કે સરસ્વતીની કૃપા થાય અને તમે ખૂબ જ્ઞાની થાવ. તમે લક્ષ્મીની કામના પણ કરશો. પણ કોઈ દેવની પૂજા કરો અને તમને એની પ્રેમિકા થઈ જવાની ઇચ્છા થાય એવો દેવ તો માત્ર એક જ છે – કૃષ્ણ.

એનું કારણ છે, એમનામાં રહેલા તમામ ગુણો માનવસહજ છે. વધારે પડતા માનવીય છે. એ કાંકરા મારીને ગોપીઓની મટકીઓ તોડી નાખે છે. ગોપીઓ નાહવા જાય તો તેના વસ્ત્રો લઈને સંતાઈ જાય છે. કોકના ઘરમાં જઈને માખણની ચોરી કરી આવે છે. જશોદાના ઘરે અવારનવાર તેના નામની ફરિયાદો આવે છે, આ તમારા કાનાએ મારી ગાય દોહી લીધી. મારું માખણ ખાઈ ગયો. આજના સમયમાં કોઈ તળાવે નહાતી છોકરીઓના કપડાં સંતાડી જુઓ. એવા ટીપાશો કે જિંદગીભર કપડાં પહેરવાં જેવા નહીં રહો. પાણીની મટકી ભરીને લાવતી છોકરીને કાંકરા મારવાનું સાહસ કરી જુઓ, મટુડી ફૂટે એ પહેલાં તમારા હાથપગ ના તૂટે તો કહેજો. આજના સમયમાં મટુકી લઈને સરોવરે પાણી ભરવા જતી નારી જ ક્યાં જોવા મળે છે. કૃષ્ણનો સમય જુદો હતો. કૃષ્ણનું વ્યક્તિત્વ જુદું હતું. એ માયામાં હતા, પણ મોહમાં નહોતા. એ કામમાં હતા, પણ કામી નહોતા. એ સંસારમાં હતા, પણ સંસારસેવી નહોતા. એ તો સૌંદર્યનો ઉત્સવ કરનાર દેવ હતા. તેના નખરા પણ બધાને વહાલા લાગે. મીરાં એમને એમ જ નહીં રીઝાઈ હોય કૃષ્ણ પર. નરસિંહે જિંદગી ન્યોછાવર સાવ અમસ્તી નહીં કરી હોય. ભારતભરમાં મધ્યકાલીન સમયમાં કેટકેટલા ભક્તોએ કૃષ્ણને ગાયા. આજ પણ કવિઓ તેમનાં કાવ્યો રચતા થાકતા જ નથી. પ્રેમમાં થાક થોડો હોય? પરવીન શાકિર જેવી ઉમદા શાયર, મુસ્લિમ હોવા છતાં કૃષ્ણ વિશે આટલાં સરસ કાવ્યો લખે તેમાં કોઈ નવાઈ નથી. માત્ર પરવીન જ કેમ, અનેક મુસ્લિમ શાયરોએ કૃષ્ણ વિશે લખ્યું છે. કવિ રસખાન (સૈયદ ઈબ્રાહિમ) (૧૫૪૮-૧૬૨૮), સૈયદ મુર્તુઝા (૧૫૯૦-૧૬૫૨), ચાંદ કાજી (૧૬-૧૭મી સદી), અકબરના દરબારના નવ રત્નોમાંના એક અબ્દુલ રહીમ ખાન-એ-ખાના (૧૫૫૬-૧૬૨૭), ઉઝીર બેગ(૧૮૬૯), મિયાં નાઝીર અકબરાબાદી (૧૭૩૫-૧૮૩૦), મૌલાના હઝરત મોહાની (૧૮૭૮-૧૯૫૧) અને બીજા અનેક મુસ્લિમ અને સૂફી કવિઓએ શ્રીકૃષ્ણનું કવિતા દ્વારા ગાન કર્યું છે. કૃષ્ણના સહજ રંગો જ એવા છે કે એ દરેકને પોતાનો મિત્ર, પ્રેમી, માર્ગદર્શક લાગે છે. પછી પરવિન શાકિર જેવી દિવાની શાયરા કૃષ્ણને કવિતામાં કેમ ન ચાહે. પ્રેમ ધર્મ ક્યાં જુએ છે, પ્રેમ તો મર્મ જુએ છે. અને પરવિન શાકિર તો મર્મી શાયરા હતી. પાકિસ્તાન જેવા કટ્ટર મુસ્લિમ દેશમાં રહીને કૃષ્ણપ્રેમ કવિતામાં જાહેર મંચ પરથી દર્શાવવો એ નાનીસૂની વાત નહોતી. જ્યાં મહિલાઓને જ અનેક બંધનોનો સામનો કરવો પડતો હોય, ત્યાં આવી કવિતા લખવી એ મોટું સાહસ છે. આ સાહસ કરનાર શાયરા પરવિન શાકિર પોતાના સમયથી ઘણી આગળ જીવતી હતી. એવું કહેવાય છે કે પરવિન કવિતા લખતી અને કવિતા જેવું જ જીવતી. તેની કવિતામાં વિદ્રોહનો અને પ્રણયનો સૂર સરખેભાગે ઘૂંટાય છે. કદાચ એટલા માટે જ બશીર બદ્રએ તેને ‘પૂરી ઔરત કી પહલી ગઝલ’ કહીને ઓળખાવી.

લોગઆઉટ

મૈં સચ કહૂંગી મગર ફિર ભી હાર જાઉંગી,
વો જૂઠ બોલેગા ઔર લાજવાબ કર દેગા.

– પરવિન શાકિર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો