ન રસ્તાની, ન દુનિયાની કશાની નોંધ ના લીધી

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇન

ન રસ્તાની, ન દુનિયાની, કશાની નોંધ ના લીધી,
અમે નીકળ્યા ઘરેથી તો હવાની નોંધ ના લીધી.

અમારા હાથ સમજ્યા છે સદાયે કર્મની ભાષા,
દુઆ ના સાંભળી કે બદદુઆની નોંધ ના લીધી.

કશોયે અર્થ તેથી ના સર્યો મ્હેફિલમાં રોકાઈ,
તમે સાકીને ના જોયો, સુરાની નોંધ ના લીધી.

શરૂમાં એમ લાગ્યું, હોય જાણે ગુપ્ત સમજૂતી,
બધાએ એકસરખી આયનાની નોંધ ના લીધી.

કસબ સમજી શક્યું બાળક તો એની નોંધ લીધી મેં,
સભામાં બેસનારા ખેરખાંની નોંધ ના લીધી.

- નીરવ વ્યાસ

બેફકરાઈ એ સર્જકનો એક મહત્ત્વનો ગુણ છે. તે જ્યારે કવિતામાં વણાઈને આવે છે ત્યારે વધારે સારો લાગે છે. પણ આ જ બેફકરાઈ જ્યારે કવિ જીવનમાં બતાવે તો લોકોને જરાય ગમતી નથી. લોકો તેને લઘરો કહે છે. ઘણા ધૂની અને લઘરા માણસોને તો વળી અમુક લોકો શું કવિવેડા કરે છે, એમ કહે. જ્યારે પણ કલાકાર આગળના જગતનું જોતો હોય, આગળના જગતનું વિચારતો હોય ત્યારે તેને વર્તમાન દુનિયામાં ફાવતું નથી. તે પોતાના સર્જન દ્વારા બંડ પોકારે છે. પોતાના જીવનમાં ઊભી થયેલી હાડમારી, મનમાં ઊભા થતા પ્રશ્નો અને ગડમથલોને તે કલામાં વ્યક્ત કરે છે. જગત પ્રત્યે બેફિકર થઈ જાય છે. ગાલિબે બેફકરાઈ દાખવી, તો જગતે તેમને જીવતેજીવત ખાસ ગણ્યા જ નહીં. મર્યા પછી આખું જગત તેમને ઉર્દૂના મહાન શાયર તરીકે ઓળખે છે. મરીઝે પણ જિંદગીમાં બેદરકારી દાખવી, તે જીવતા હતા ત્યાં સુધી દુનિયાએ તેમને પણ કંઈ વિશેષ ગણ્યા નહીં. આજે તે ગુજરાતી ગઝલની શાન છે.

નીરવ વ્યાસની ગઝલમાં જિંદગી પ્રત્યેની, જગત પ્રત્યેની અને જાત પ્રત્યેની આવી જ બેદરકારી દેખાય છે. એ તો રસ્તાની, દુનિયાની કે કશાની નોંધ રાખતા નથી. કવિ એવી નોંધમાં પડે ય નહીં ને... એ તો હૃદયમાં ઊભરાતી મસ્તીના મોજાં પર તરે... આત્માના અજવાળે બેસે અને તેમાંથી પ્રાપ્ત થતા નેહનું નાણું ખર્ચે. એને દુનિયાના નાણાંની તમા ઓછી હોય? મકરન્દ દવેએ કહ્યું છે તેમ, ‘નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ,’ અને આ ધૂળિયો મારગ એટલે જ માંહ્યલાએ ચીંધેલો મારગ. આંતરમનની કેડી પર ચાલતી વખતે જગતની નોંધ થોડી રાખ્યા કરવાની હોય? કવિ તો શ્વાસ લેતી વખતે હવાની પણ નોંધ ન લે.

ઉદ્યમેન હી સિદ્યન્તિ કાર્યાણીની વાત તો આપણે બધા જાણીએ છીએ. પરિશ્રમ કર્યા વિના સિંહના મોઢામાં પણ હરણ આવીને પડતાં નથી. મહેનત તો એનેય કરવી પડે છે. કોઈ આપણી માટે દુઆ કે બદદુઆ કરે તેનાથી શું ફેર પડવાનો? જો આપણા હાથને પુરુષાર્થની ભાષા આવડતી હોય તો પ્રારબ્ધનાં બંધ પરબીડિયાની તમા શું કામ રાખવી? તૈયાર પરબીડિયું આવી ગયું તોય એને ખોલવાની મહેનત તો તમારે કરવી જ પડે.

ઝવેરચંદ મેઘાણીએ એક સરસ દુહો કહેલો. તેનો ભાવાર્થ કંઈક એવો હતો કે જો તમે યુવાનીમાં ઘોડી ના પલાણી, કોઈ યુવતીના પ્રેમમાં ન પડ્યા અને સંગ્રામમાં લડ્યા નહીં તો એવી યુવાનીમાં ધૂળ પડી. નીરવ વ્યાસ કંઈક જુદી વાત કરે છે. તે કહે છે કે જો તમે મહેફિલમાં ગયા અને સાકી અર્થાત્ શરાબ પિરસનારને ન જોયો, અને પિરસાતી શરાબની નોંધ શુદ્ધા ન લીધી તો મહેફિલમાં ગયાનો કોઈ અર્થ નથી. પણ કવિ અહીં પેલી બોતલવાળી શરાબની વાત નથી કરતા. અને મહેફિલ એટલે ચાર મિત્રો મળીને ગોઠવેલી પાર્ટી નહીં. આ તો જગત નામની મહામહેફિલની વાત છે. તમે દુનિયાના ડાયરામાં આવ્યા છો, અને કાનમાં પૂમડાં ભરાવી અને આંખે પાટા બાંધીને બેસી જાવ તો એનો કોઈ અર્થ નથી. નહીંતર કિરણ ચૌહાણે કહ્યું છે તેવું થાય,

‘ઘણું જીવે છતાં પણ કોઈ નક્કર કામ ના આપે,
ઘણા આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને.’

અમુક માણસો સો-સો વરસ જીવે પણ તે ખરેખર જગતમાં છ સારી ક્ષણ પણ જીવ્યા નથી હોતા. એ જગતમાં આવે છે, ફોટા પડાવે છે અને ચાલ્યા જાય છે. મકરંદ મૂસળેનો એક સરસ શેર યાદ આવે છે.

‘મારા ડાબા અંગને જમણું કહે છે,
તું તો કહે છે આયનો સાચું કહે છે.’

જે અરીસો આપણા ડાબા અંગને જમણા તરીકે દર્શાવતો હોય એવા અરીસાની નોંધ લેવાની હોય? નીરવ વ્યાસે મકરંદ મુસળેએ કહેલા શેરને જુદી રીતે લાપરવાહીથી વ્યક્ત કર્યો. અહીં તો વળી ગુપ્ત સમજૂતી થઈ છે આયનાની નોંધ ન લેવાની. વળી એક વ્યક્તિએ નહીં, કોઈએ નોંધ ન લીધી. અથવા તો એમ પણ કહી શકાય કે બધાએ અલગ અલગ નોંધ લીધી, એક સરખી ન લીધી.

એક સાચા કવિને મન મહત્ત્વનું એ જ છે કે તેની કવિતાનો મર્મ કોઈક પામે. સભામાં બેસનાર ખેરખાં હોય તોય જો કવિતાના મર્મને ન સમજે તો નકામું. વળી એ જ સભામાં કોઈ નાનકડું બાળક હોય અને કવિતા પર ઝૂમી ઊઠે તો ભયોભયો.

લોગઆઉટ

એના ઘરથી નીકળ્યાની નોંધ તો લીધી હશે,
આપણે સામે મળ્યાની નોંધ તો લીધી હશે !

જાત સુધી ના જવાયું આપણાથી પણ ‘સુધીર’,
ડેલીથી પાછા વળ્યાની નોંધ તો લીધી હશે !

– સુધીર પટેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો