હાસ્યના બાદશાહ જ્યોતીન્દ્ર દવેનો ‘આત્મપરિચય’

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

 લોગઇન

પૃથ્વીયે ખેંચતી જેને બહુ જોર થકી નહિ–
ભારહિણું મને એવું ઈશે શરીર આપિયું,
રોગ ને સ્વાસ્થ્યની નિત્યે રણભૂમિ બની રહ્યું
એવું શરીર મારું, દવાઓથી ઘડાયેલું!

સોટી ને શિક્ષકો કેરા શાળા માંહે સમાગમે
વિદ્યા ને વેદના બે મેં એક સાથે જ મેળવ્યાં.
મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યો,
મન કિન્તુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું!
વિદ્યાને પામવા પહેલાં, અર્થનો વ્યય મેં કર્યો,
પછીથી અર્થને કાજે વિદ્યાવિક્રય આદર્યો.
ઘરમાં હોય ના કાંઈ, ક્ષુધા ત્યારે સતાવતી,
ભર્યું ભાણું નિહાળીને ભૂખ મારી મરી જતી.
વૃત્તિ મારી સદા એવી, હોય તે ના ચહે કદી,
હોય ના તે સદા માગે, મળ્યે માંગ્યુંય ના ગમે!

– જ્યોતીન્દ્ર દવે

જ્યોતીન્દ્ર દવેનો પરિચય આપતા ઉમાશંકર જોશીએ એક સભામાં કહ્યું હતું, “જ્યોતીન્દ્ર હવે હાસ્યનો પર્યાય બની ગયા છે, ‘મને હસવું આવે છે’ એમ કહેવાને બદલે ‘મને જ્યોતીન્દ્ર આવે છે’ એમ કહેવું જોઈએ.” હાસ્યના પર્યાય જેવા આ સર્જકથી વાચકો અને વિવેચકો બંને પ્રસન્ન રહ્યા. મોટે ભાગે લેખક વાચકોને રાજી રાખવા જાય તો વિવેચક નારાજ થાય અને વિવેચકને ખુશ કરવા જાય તો વાચકો દૂર ભાગે. આવી સ્થિતિમાં પણ જ્યોતીન્દ્ર દવેએ પોતાની રમૂજથી બંનેને બરોબર પકડી રાખ્યા હતા. ચિનુભાઈ પટવા નામે એક લેખક થઈ ગયા. તેમણે જ્યોતીન્દ્ર દવે વિશે લખ્યું હતું કે, “ગુજરાતી સાહિત્યમાં એમની કક્ષા એટલી ઊંચી છે કે એમના પછી નંબર નાખવાના હોય તો વચમાં નવ આંકડા ખાલી મૂકીને અગિયારમા નામથી હાસ્યલેખકની ગણતરી કરવી પડે.”

તેમણે ‘ખોટી બે આની’માંથી પણ રમૂજનો સાચો રૂપિયો નિપજાવ્યો હતો. અનેક લોકોને આનંદથી ‘રેતીની રોટલી’ ખવડાવી અને લોકોએ હોંશેહોંશે આ ‘રેતીની રોટલી’ ખાધી પણ ખરી. ‘રંગતરંગ’થી લોકોને ઉમંગ ચડાવ્યો, તો વળી ‘પાનનાં બીડાં’થી તેમના હોઠ લાલ પણ રાખ્યા. ‘નજરઃ લાંબી અને ટૂંકી’ કરીને તેમણે ‘રોગ, યોગ અને પ્રયોગ’ દ્વારા ગુજરાતને સતત હસતું રાખ્યું. આવા પ્રખર હાસ્યકારે કવિતાઓ પણ લખી છે એ વાત બહુ ઓછા લોકો જાણતા હશે. તેમણે તો નરસિંહ મહેતા, ન્હાનાલાલ, કલાપી, બ.ક.ઠા. જેવા કવિઓની કવિતાની પેરોડી પણ કરેલી.

વર્ષ 1941માં રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વખતે તેમણે પોતાનો ‘આત્મપરિચય’ કવિતા દ્વારા આપ્યો. અને એમાં પોતે જ પોતાની ઠેકડી ઉડાડી. અનુષ્ટુપ, ઉપજાતિ અને શાર્દૂલ એમ ત્રણ છંદોમાં એક દીર્ઘ હાસ્યકવિતા લખીને તેમણે કમાલ કરી. આ કવિતા લાંબી છે, અહીં લોગઇનમાં આખી સમાવી શકાઈ નથી. તેથી લોગઆઉટમાં તેના અમુક અંશો મૂક્યા છે, જેથી રસ પડે તે આખી કવિતા મેળવીને વાંચી શકે.

જ્યોતીન્દ્ર દવે શરીરે એકદમ પાતળા, વળી રોગોનું ઘર. પોતાના દાંતણ-શા શરીર વિશે તે કહેતા, “ચોમાસામાં હું કોઈ દિવસ છત્રી લઈને બહાર નીકળતો નથી. કેમકે મને વરસાદમાં પલળવાનો ભય નથી. હું એટલો બધો પાતળો છું કે વરસાદના બે ટીંપાંની વચ્ચેથી કોરોધાકોર પસાર થઈ જાઉં છું.” તેમની બીમારી વિશે વિનોદ ભટ્ટ નોંધે છે કે, ‘આપણે જેમ વચ્ચે વચ્ચે બીમાર પડી જઈએ તેમ તેઓ વચ્ચે વચ્ચે સાજા થઈ જતા. કેમ કે તે મોટેભાગે બીમાર જ હોય.’ એક વખત તે જ્યોતીન્દ્ર દવેના સમાચાર પૂછવા ગયા. તેમને જોયા એટલે જ્યોતીન્દ્ર દવે ઊભા થઈને શર્ટ ઉપર કોટ પહેરવા લાગ્યા. આથી વિનોદ ભટ્ટે સંકોચવશ પૂછ્યું, “આપ ક્યાંય બહાર જાવ છો? માફ કરજો હું ખોટા સમયે આવી ચડ્યો.” “ના, આ તો તમે મને બરોબર જોઈ શકો એટલે કોટ પહેરી લીધો.” કહીને જ્યોતીન્દ્ર દવે હસી પડ્યા.

શેખાદમ આબુવાલાએ એક દિવસે તેમને ઉંમર પૂછી, જ્યોતીન્દ્ર દવે કહે, “સિત્યોતેર.” “ઉંમરના પ્રમાણમાં તમારું શરીર સારું કહેવાય.” શેખાદમ બોલ્યા. જ્યોતીન્દ્ર દવેએ સુધાર્યું, “ખરું જોતા તો મારા શરીરના પ્રમાણમાં ઉંમર સારી ગણાય. આવા શરીર સાથે આટલી ઉંમરે પહોંચી શક્યો છું.”

દૈનિક વ્યવહારમાં, લેખોમાં તો તેમણે પોતાના પાતળા દેહની ઠેકડી ઊડાડી જ છે, કવિતામાં પણ તેમણે એ તક જતી કરી નથી. તેમની રોગોના ઘર સમી દાંતણ જેવી કાયાને જોઈને દુશ્મનો આનંદ પામે, વૈદ્યો ઇલાજ કરીને ધન પામે, સગાંસંબંધીઓ રોગિષ્ઠ શરીર જોઈને ચિંતા પામે અને લેખક પોતે પીડા! સોટી અને શિક્ષકના સમાગમથી વિદ્યા અને વેદના બેય એક સાથે મેળવ્યા. શરીર વિદ્યાલયમાં રહ્યું, પણ મન તો બ્રહ્માંડમાં ઘૂમતું રહ્યું. વિદ્યાને પામવા પહેલા પૈસા ખર્ચ્યા અને પછી પૈસા પામવા વિદ્યા ખર્ચી. આવી નાની નાની હાસ્યરસિક વાતોમાં પણ દરેક માણસના જીવનનું તથ્ય પડ્યું હોય તેવું લાગે છે. આજે તેમની પુણ્યતિથિ છે. આજના દિવસે તેમને તેમને યાદ કરીને શોકમય મોં બનાવ્યા કરતા, તેમનો એકાદ સારો લેખ વાંચીને હસી લઈએ. અહીં લોગઇન-લોગઆઉટમાં નોંધવામાં આવેલી તેમની કવિતાના અંશો જ વાંચી લોને.

લોગઆઉટ

કર્યું હતું એક જ વેળ જીવને
અપૂર્વ નૃત્ય વિના પ્રયાસે.
હું એકદા માર્ગ પરે નિરાંતે,
ઉઘાડપાદે ફરતો હતો ત્યાં
અર્ધી બળેલી બીડી કોક મૂ્ર્ખે
ફેંકી હતી તે પર પાદ મૂક્યો.
અને પછી નૃત્ય કરી ઊઠ્યો જે,
તેવું હજી નૃત્ય કર્યું ન કોઈએ!

- જ્યોતીન્દ્ર હ. દવે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો