એકલો ચાલું, સહારો ના ખપે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

એકલો ચાલું, સહારો ના ખપે;
માર્ગ છો ભૂલું, સિતારો ના ખપે.

પાનખરને આવકારું હર્ષથી,
કાયમી કેવળ બહારો ના ખપે.

વેગળી મંજિલ રહે મંજૂર છે,
રાહમાં એકે ઉતારો ના ખપે.

સાગરે ડૂબું ભલે મઝધારમાં-
સાવ પાસે હો કિનારો, ના ખપે.

— શિલ્પિન થાનકી

રવીન્દ્રનાથ ટાગોરનું એક સુપ્રસિદ્ધ ગીત છે- “તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે...” મૂળ બંગાળી ગીતનો મહાદેવભાઈ દેસાઈએ ખૂબ સરસ ભાવાનુવાદ કર્યો છે. હાક માર્યા પછી કોઈ આવે કે ન આવે એકલા નીકળી પડવું. આગળ જતા આપોઆપ કાફલો થઈ જશે. મજરૂહ સુલ્તાનપુરીનો શેર કેટલો અદ્ભુત છે!

મૈં અકેલા હી ચલા થા જાનિબે મંજિલ મગર,
લોગ સાથ આતે ગયે ઔર કારવા બનતા ગયા.

શરૂઆતમાં કોઈ સાથે નહીં આવે. તમારો રસ્તો કાંટાળો છે એ બધા જાણે છે. ચાલવાનું શરૂ કરશો એટલે આપોઆપ લોકોને તમારી મહેનત, ખંત અને પરિશ્રમ દેખાશે. ધીમે ધીમે લોકો તમને પ્રોત્સાહન આપતા થશે. જે લોકો તમને નકારતા હતો એ જ લોકો આગળ જતા તમારા રસ્તા પર ચાલવા લાગશે. દશરથ માંઝીને યાદ કરો. એકલા માણસે પહાડ ખોદીને રસ્તો કર્યો હતો. તેને કોનો સહારો હતો? તેણે માત્ર પોતાના હૃદયનું સાંભળ્યું. જ્યારે તમે કંઈક નવું કરવા જશો ત્યારે જગત તમારી વાતનો વિરોધ કરશે જ, પણ જ્યારે તમે તમને સાબિત કરી દેશો, ત્યારે જે વાત માટે જગત તમને નકારતું હતું, એ જ વાત માટે જગત તમને શાબાશી આપશે.

કવિ શિલ્પીન થાનકી કોઈના સહારા વિના એકલા ચાલવાની વાત કરે છે. કોઈનો ટેકો ખપે તેમ નથી. ‘ટેકો’ શબ્દ તો રાજકારણ સાથે પણ સંબંધ ધરાવે છે, અહીં એ ટેકાની વાત નથી. રાજકારણને તો ટેકા ને ટીકા વિના ચાલે તેમ નથી. ટેકા વિના સરકાર ક્યાં ટકે છે. અહીં ટેકાની નહીં, ટેકની વાત છે, પ્રણની વાત છે. ગમે તેવી મુશ્કેલી આવે, હું ડગીશ નહીં એવી અંતરાત્માને હામ આપી દો પછી વાંધો નથી આવતો. આગળ જતાં ભૂલા પડાશે, ભટકવાનું થશે. જિંદગીમાં દરેક પળ સુગંધિત નથી હોતી. ફૂલ ક્યાં કાયમ ટકે છે? એ પણ ખરવાનું છે. પાનખરને પણ હર્ષથી સ્વીકારવાની છે, કાયમ બગીચામાં બહારો ના હોય. એકધારું સુખ તો આપણને વધારે નબળા પાડી દે. ભગવાન બુદ્ધ, બુદ્ધ બનતા પહેલાં સિદ્ધાર્થ નામે રાજકુમાર હતા. તેમને જીવનમાં ક્યારેય દુઃખ પડ્યું નહોતું, અચાનક તેમને એક દિવસ એક વૃદ્ધ માણસ જોયો, એક રોગીષ્ઠ જોયો અને એક મૃત માણસ જોયો. અગાઉ તેમણે ક્યારેય આવા માણસો જોયા નહોતા. તેમણે પોતાના ચાકરને પૂછ્યું આ કોણ છે? ચાકરે કહ્યું, એ વૃદ્ધ છે. જીવનના અંતે દરેક ઘરડા થાય છે. જીવનમાં માણસ બીમાર પણ પડે છે અને દરેક માણસને અંતે મરવાનું તો છે જ. સિદ્ધાર્થ વિચારવા લાગ્યો, શું હું પણ ઘરડો થઈશ? હું પણ બીમારીમાં સપડાઈશ? હું પણ એક દિવસ મૃત્યુ પામીશ? અનેક દિવસો સુધી તેમના મનમાં આ વાત ઘૂમરાતી રહી. આખરે તેમણે સંસારત્યાગ કરી પરમ સત્યની શોધ કરવાનું નક્કી કર્યું. એ ઘટના મહાભિનિષ્ક્રમણ નામે ઓળખાઈ. ત્યાર બાદ લાંબા તપ પછી તેમને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ ભગવાન બુદ્ધ તરીકે જાણીતા બન્યા. વાત એકધારા છે. માણસ સુખથી પણ કંટાળે છે. માણસ વિવિધ લેયર્સમાં જીવે છે. કોઈ પણ વાતે એકધારાપણું નથી ગમતું.

કવિ શિલ્પીન થાનકીઓ કોઈની સહાય લીધા વિના પોતાની કેડી જાતે કંડારવાની વાત કરી છે. જ્યારે તમે ચાલવાનું નક્કી કરી જ નાખો ત્યારે ગમે તેવી મુશ્કેલી હોય, રોકી નથી શકતી. જે માણસ પોતાની અંદરની હિંમત લઈને ચાલતા હોય તેમને પગની જરૂર નથી હોતી. ભલે મંજિલને સમયસર પામી ના શકાય, પણ મારે વચ્ચે ઉતારો નથી જોઈતો. ડૂબવું મંજૂર પણ છે, પણ કોઈનો આપેલો કિનારો ના ખપે. જ્યારે હિંમત હોય ત્યારે તમને કોઈ ઊડતા નથી રોકી શકતું.

લોગઆઉટઃ

યે કૈંચિયા હમેં ઊડને સે ખાક રોકેગી,
કિ હમ પરોં સે નહીં, હૌંસલો સે ઊડતે હૈ.

— રાહત ઇન્દોરી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો