મારા ખભેથી મારું મડદું ઉતારવું છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

માથેથી સ્વર્ગ હળવું હળવું ઉતારવું છે.
તારી ઈંઢોણી પરથી મટકું ઉતારવું છે.

જો થઈ શકે તો થોડો ટેકો કરો હે લોકો
મારા ખભેથી મારું મડદું ઉતારવું છે.

સ્વાગત છે ઓ હકીકત સ્વાગત છે તારું કિન્તુ,
પહેરીને આવી છે એ કપડું ઉતારવું છે.

તું ઝેર છે તો મારી આંખોમાં કેમ છે તું!
મારે તને હળાહળ ગળવું-ઉતારવું છે.

આ મંચ 'ને પ્રસિદ્ધિ એવું વ્યસન છે મિત્રો,
ધીમે રહી ચડે તો અઘરું ઉતારવું છે.

— જુગલ દરજી

આપણે ત્યાં હેલ ઉતારવાની પ્રથા છે. તેમાં, વિકટ સંજોગોમાં મુકાયેલી એક સ્ત્રી, જે પોતાના માથે બેડું ઉપાડીને નીકળે છે. તેનું બેડું જે ઉતારે તે તેને વરે. ગુજરાતી ફિલ્મ ‘કડલાની જોડ’માં આ પ્રસંગ ઘણી સારી રીતે દર્શાવવામાં આવ્યો છે. આમ તો બેડું કોઈ પણ ઉતરાવી શકે, એમાં મોટી વાત નથી. પણ જે પુરુષ એ નારીનું બેડું ઉતારે તેણે બીજો ઘણો સંઘર્ષ કરવાનો હોય છે. જો એ સંઘર્ષ કરવાની તૈયારી હોય તો જ એ બેડું ઉતારાય. આપણે મોટેભાગે અંગ્રેજી ફિલ્મના ઉદાહરણોથી ટેવાયેલા છીએ. પણ હેલ ઉતારવાનો પ્રસંગ તો ગુજરાતી ફિલ્મ, કથા કે વાર્તામાંથી જ આવી શકે. ‘મારી હેલ ઉતારો રાજ’ નામથી 1978માં એક બીજી ગુજરાતી ફિલ્મ પણ આવેલી. જુગલ દરજી અહીં માથેથી મટકું ઉતારવાની વાત કરે છે. વળી એ મટકાને સ્વર્ગ સાથે સરખાવે છે. એક યુવતી, જે માથે મટકું ઉપાડીને જઈ રહી છે, તે જાણે સ્વર્ગ સમાન છે, હળવે રહીને આ સ્વર્ગ સમાન મટકું ઉતારવું છે, એ મટકું ઉતારવાની અનુભૂતિ પણ સ્વર્ગ સમાન છે.
પ્રથમ શેરમાં એક સુખદ અનુભવ કર્યા પછી બીજા શેરમાં તરત જ એક નકારાત્મક વાત આવે છે. ગઝલની આ જ મજા છે. આનંદ પછી તરત નિરાશા, ઉત્સવ પછી તરત શોકની વાત ગઝલમાં સહેલાઈથી થઈ શકે છે. ગઝલમાં એક ભાવમાંથી બીજા ભાવમાં સરળતાથી પ્રવેશી શકાય છે. પોતાના ખભે જ પોતાનું મડદું છે, તે ઉતારવું છે. કવિ નિનાદ અધ્યારુવનો શેર યાદ આવ્યા વિના ન રહે.

હું ધોળા દિવસે ખૂન મારું કરું છું,
ને મારા જ ખભે નીકળતો રહ્યો છું.

કવિ કદાચ પોતે મડદાસ્વરૂપ થઈ ગયો છે, પોતે જ પોતાના ખભે લાશ જેમ લટકી રહ્યો છે. લોકો પાસે મદદ માગે છે કે મને આ મડદું ઉતારવામાં મદદ કરો. પણ લોકો ક્યાંથી ઉતારી આપે! કેમ કે તેને મડદું બનાવવામાં તેમનો જ હાથ હોય છે. ઘણી હકીકત પડદામાં મળતી હોય છે. આપણને લાગતી હોય છે હકીકત, પણ એ હોતી નથી. અસત્ય પર સત્યનો ગલેફ ચડાવવામાં આવે છે. પિત્તળને સોનામાં ખપાવવા ઘણા કીમિયા કરાય છે. અફવા નામનું પિત્તળ જ્યારે હકીકતનું કપડું ઢાંકીને મળે ત્યારે તેનું સ્વાગત કરવાનું હોય, પણ એની પરથી કપડું તો હટાવવું પડે.

આંખમાં ઝેર હોવું એવો આપણે ત્યાં રૂઢિ પ્રયોગ છે. આ ઝેર એ પદાર્થના સંદર્ભમાં નથી, પણ એક પ્રકારનો નકારાત્મક ગુસ્સો, નકારાત્મક ભાવ છે, જે આંખો દ્વારા વ્યક્ત થાય છે. કવિ પોતાની આંખમાં રહેલી આવા નકારાત્મક ઝેરને શંકરની જેમ ગળી જવા માગે છે. શંકર કંઠ નીચે ઝેર ઉતારીને નીલકંઠ કહેવાયા, કવિ કદાચ નયનમાંથી ઝેર નિતારીને નીલનયન કહેવાઈ શકે!

ગઝલની જે બોલબાલા છે, મંચ પરથી મળતી પ્રસિદ્ધિ છે, તે ઘણી વાર ભરમાવી દે છે. શરૂમાં હૃદયથી લખાતી કવિતા અમુક સમય પછી મંચને વિચારીને લખાવા લાગે છે. શ્રોતાઓની તાળીઓથી કાન ટેવાઈ જાય છે. કૃષ્ણ દવેની એક કવિતા છે, ‘મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ’, એકાદ બેવાર મંચ પર સફળ થઈએ. તાળીઓ સાંભળતા થઈએ પછી ધીમે ધીમે તાળીઓની ટેવ પડવા લાગે છે. આગળ જતા આ ટેવ વ્યસન બની જાય છે. ક્યારેક એ વ્યસન શરાબના નશા કરતા પણ વધારે ખતરનાક નિવડે છે. કવિ પોતાનું સાચું સત્વ ખોઈ બેસે છે. એક વારની લત લાગી જાય, પછી એ લત છોડવી અઘરી હોય છે.

લોગઆઉટઃ
 
પ્રિન્ટર દિલે રાખી શકાતાં હોત તો!
ગમતાં સ્મરણ છાપી શકાતાં હોત તો!

કૈં કેટલાયે સ્વાદ પારખવા મળે,
સંબંધ પણ ચાખી શકાતા હોત તો.

જોઈ ગરીબીને તપેલી બોલી કે:
“આ પત્થરો બાફી શકાતા હોત તો!”

કારણ તપાસી, પોસ્ટમોર્ટમ પણ કરું,
આ આંસુ જો કાપી શકાતાં હોત તો.

પેટ્રોલની માફક આ બળતા શ્વાસને,
રિઝર્વમાં રાખી શકાતા હોત તો!

— જુગલ દરજી ‘માસ્તર’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો