સરળ હપતા કરી દો તો, દરદ વેઠાય એવું છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

પ્રભુ, એકાદ નાનું કામ મારું થાય એવું છે?
સરળ હપતા કરી દો તો, દરદ વેઠાય એવું છે.

તમે છો એટલે આશા હજી પડતી નથી મૂકી,
મને વિશ્વાસ છે પૂરો, હૃદય સંધાય એવું છે.

નથી નાખી દીધાં જેવું કલેવર હાલ તો મારું,
હજી તો થીગડાં પર થીગડું દેવાય એવું છે.

નથી મોહક રહ્યું પહેલા સમું એ વાત સાચી છે,
છતાં આ ખોળિયું થોડાં વરસ પ્હેરાય એવું છે.

કરી છે કરકસર મેં શ્વાસની, વાંધો નહીં આવે,
હજી બે-ત્રણ વરસ તો પ્રેમથી ખેંચાય એવું છે.

મુસીબત છે, કરે છે જીદ સાથે આવવાની સૌ,
અને આ સ્વપ્ન કેવળ એકલા જોવાય એવું છે.

નિયમ તો છે લખીને આપવાનો, હુંય જાણું છું.
ઘણું એવુંય છે જે કાનમાં ક્હેવાય એવું છે!

— કિશોર જિકાદરા

જગદીશ વ્યાસનું એક સુંદર ગીત છે, જેમાં ભગવાન કૃષ્ણને ઉદ્દેશીને તેમણે લખ્યું છે,

તારે જબરી મજા
હું છું અડધો નાગો તારે છપ્પન ગજની ધજા!

બત્રીસ બત્રીસ પકવાનો પ્રભુની આરસની મૂર્તિને ધરાતાં હોય અને એ જ ભવ્યાતિભવ્ય મંદિરની સામે બાળકો ભૂખથી ટળવળતાં હોય એવાં દૃશ્યો આપણે ત્યાં નવાં નથી! પ્રભુને છપ્પન ગજની ધજા ચડે છે, જ્યારે બીજી તરફ સેંકડોને તન ઢાંકવા પૂરતું કપડું પણ નથી. આ આપણી કરૂણતા નહીં તો બીજું શું? કૃષ્ણને ભીડ પડી ત્યારે પોતે મથુરા મૂકીને ભાગ્યા અને દ્વારકા આવીને વસ્યા. આજે સામાન્ય માનવીથી એ પણ થાય તેમ નથી. પરિવાર, સમાજ, રિવાજ, મકાનના હપ્તા, નોકરી, સંબંધો, લેણું-દેણું આ બધામાં એટલો માણસ બધો અટવાયેલો છે કે એના કળણમાંથી નીકળી શકાય તેમ નથી. આજના સામાન્ય માનવીને ક્યાં વધારે કશું જોઈએ છે ભગવાન પાસેથી! એ તો બસ પરિવાર સુખેથી રહી શકે, મકાનના હપ્તા સમયસર ભરાય, લાઇટબિલ, ગેસબિલ ને શાકપાંદડાંનું નીકળે તો રાજી. એટલે જ કિશોર જીકાદરા જેવા સંવેદનશીલ કવિએ આ વાત લખવી પડી. આ કવિ સમજે છે, એટલે તે પ્રભુને વ્યથા નથી કહેતા, વિનંતી કરે છે, કે પ્રભુ તમારાથી મારું એક નાનું કામ થઈ શકશે? જરા પપ્તા સરળ કરી આપો તો જિંદગી વેઠાય એવી થાય. ઘણા લોકો માટે હપ્તા એ અભિમાન્યુના આઠમા કોઠા જેવા હોય છે, ભેદાતા જ નથી.

આપણને ગમતી વ્યક્તિ આપણી ન હોય તોયે ઊંડે ઊંડે એવી આશા તો રહે જ કે આજ નહીં તો કાલે તેની સાથે હૃદય જોડાશે. આવા આશાના અમીરસ ઘણીવાર જીવનને સહ્ય બનાવતા હોય છે. અને ખરેખર તો આવી આશાની ટીકડીઓ પી પીને જિંદગી વીતી જતી હોય છે. બાકી તો આયખાનો ઓશિયાળા આંગણે જિંદગીભર બેસીને દેહનું ક્લેવર જીર્ણશીર્ણ થઈ જાય. પણ આવી આશાની એકાદ દીવાદાંડી હોય તો એમ થાય કે હજી આ મેલાંઘેલાં દેહને થીંગડાં મારીને ટકાવી શકાય એમ છે. આવું કંઈક હોય તો જ શ્વાસોની કરકસર પણ કરી શકાય, થોડું ખેંચી શકાય. પણ ખેંચીને ક્યાં સુધી લાંબું થાય અને થાય તોય એની મોહકતા થોડી રહે? કશું કાયમી નથી. જગતની સુંદરમાં સુંદર સ્ત્રી પણ એક દિવસ ઘરડી થવાની છે. જીવનના છેડે પહોંચીને પછી આ વાત વધારે સારી રીતે સમજી શકાય છે. ભલે મોહકતા ન રહે, પણ ખોળિયું પહેરાય એવું હોય એ આશા પણ નકામી નથી. આવી આશાના અજવાળે બેસીને જ હૃદય અમીના ઘૂંટડા ભરી શકતું હોય છે.

સ્વપ્ન તો એકલાં જ જોવાનું હોય. દરેકનું સપનું આગવું હોય છે. બે જણા સાથે ઊંઘી જરૂર શકે, પણ સાથે એક જ સપનું જોઈ ન શકે. બંનેનાં સપનાં જુદાં જ હોવાનાં. અને સપનું તો એકલા જ જોવાનું હોય ને, સપનાના ભાગલા થોડા પડે? આપણી આંખ, આપણી ઊંઘ, અને આપણું સપનું, બધું આપણું જ હોવાનું. આ સ્થિતિમાં કોઈ એ સપનું સાથે જોવાની જીદ કરે ત્યારે મુસીબત ઊભી થાય. તમે બિઝનેસનું સપનું સાથે જોઈ શકો, એ સપનું પણ સભાનાવસ્થામાં જોવાયેલું હોય, તંદ્રાવસ્થામાં તો એકલાએ જ પોતાનું સપનું જોવાનું હોય. ઘણી વાર આવું સપનું ભાષામાં વ્યક્ત પણ નથી થઈ શકતું. તમને રાતે આવેલું સપનું સવારે તમે કોઈને કહો તો એ અક્ષરશઃ કહેવામાં પણ તકલીફ પડે છે. જે મજા જોવામાં હોય છે, તે કહેવામાં નથી હોતી. જે મજા કાનમાં કહેવાની હોય છે તે લખીને આપાવમાં પણ નથી હોતી. નિયમ લખીને આપાવનો હોય અને વાત ખૂબ અંગત હોય, કાનમાં કહેવા જેવી, ત્યારે વિમાસણ ઊભી થાય.

લોગઆઉટઃ

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું.

કોઈને કહેવું નથી એવું નથી,
સ્હેજ જો નજદીક આવે તો કહું.

— રાજેન્દ્ર શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો