આવી શકે તો આવ, આ વરસાદી સાંજ છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

આવી શકે તો આવ, આ વરસાદી સાંજ છે;
છત્રી વગર ઝુકાવ, આ વરસાદી સાંજ છે.

કાગળ ઘણા લખ્યા છે પરસ્પરને આપણે;
એની બનાવ નાવ, આ વરસાદી સાંજ છે.

માટીની મ્હેક તારી તરફ તો ઘણી હશે;
સાથે તું લેતી આવ, આ વરસાદી સાંજ છે.

થોડી જ વારે મેઘધનુ ખીલી ઊઠશે;
ગજરે તું એ ગૂંથાવ, આ વરસાદી સાંજ છે.

નેવાં છલી ઊઠ્યાં છે ને વૃક્ષો ટપક-ટપક;
સંતૂર તું બજાવ, આ વરસાદી સાંજ છે.

કેવળ ગહેકે મોર તો જલસો નથી થતો;
મલ્હાર તું સુણાવ, આ વરસાદી સાંજ છે.

છે કલ્પનાની વાત કે વરસાદ ભીંજવે;
તું આવ ને ભીંજાવ, આ વરસાદી સાંજ છે…

– ભગવતીકુમાર શર્મા

વરસાદ ઉપર કેટકેટલાં કાવ્યો લખાયાં છે. એમાંય રમેશ પારેખનું ‘વરસાદ ભીંજવે’ ગીત તો યાદ આવ્યા વિના રહે જ નહીં. જેમની ગઝલ અહીં આપવામાં આવી છે, તે કવિ ભગવતીકુમાર શર્માનું આ ગીત પણ કેમ ભૂલાય?

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં,
હવે માટીની ગંધ, અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં.

મે 21, 1934માં સુરતમાં જન્મેલ ભગવતીકુમાર શર્માએ 2018માં વિદાય લીધી, આ દરમિયાન તેમણે સાહિત્યના અનેક સ્વરૂપોમાં કામ કર્યું. ગઝલ, ગીત, અછાંદસ જેવા પદ્યસ્વરૂપોની સાથે તેમણે અનેક ગદ્યસ્વરૂપો પણ ખેડ્યાં. ‘અસૂર્યલોક’ તેમની ખૂબ જાણીતી નવલકથા છે. પણ તેમની પ્રથમ ઓળખ હંમેશાં કવિ તરીકેની રહી.

વરસાદી સાંજના મિજાજને તેમણે આ ગઝલમાં ખૂબ સુંદર રીતે કંડારી આપ્યો છે. વરસાદી સાંજે આપોઆપ ગમતા પાત્રને ઇજન અપાઈ જાય. મિલન માટે આનાથી વધારે યોગ્ય સમય બીજો કયો હોઈ શકે? આકાશમાં વાદળ ઘેરાવાના શરૂ થાય ત્યારે હૃદયમાં પણ વીજળી કડાકા નાખવાનું શરૂ કરી દે છે. આકાશમાં ગર્જના થતાની સાથે હૃદયના ધબકારા પણ મોટે મોટેથી કોઈકને પોકારવા લાગે છે. નયન કોઈને જોવાની ઝંખના સેવે છે. એવી ક્ષણોમાં છત્રી વિઘ્નરૂપ થતી હોય છે. ભીંજાવામાં જે મજા છે તે છત્રીમાં ક્યાં છે. એમાંય એક છત્રીમાં બે જણા ભીંજાય એનાથી વધારે રૂડું બીજું શું? એક છત્રીમાં બે જણા કઈ રીતે કોરા રહી શકે? એમાં ખરેખર તો ભીંજાવાની મજા જ લેવાની હોય. છત્રી તો માત્ર બે જણાને વધારે નજીક લાવવાનું કામ કરતી હોય છે. છત્રી ખરેખર તો બે હૈયાને છત્ર ધરતી હોય છે.

આવી વરસાદી સાંજે પ્રેમપત્રોની નાવડી બનાવીને તેને વરસાદી જળમાં વહાવી દેવાની ઇચ્છા થાય. એ બહાને પ્રેમ એકમેકના હૈયામાં હરહંમેશ વહેતો રહે. મોબાઇલના આ સમયમાં પ્રેમપત્રોનો સુવર્ણકાળ જાણે કે આથમી ગયો છે. પત્ર લખવાની જે મજા છે, તે મેસેજ ટાઇપ કરવામમાં ક્યાં છે. છાનામાના પત્રો લખવા, એની માટે ખાસ રંગીન કાગળો લાવવા. વિવિધ રંગની પેન વાપરવી. પ્રિય પાત્રને ગમે એવું દિલ દોરવું, આ બધી બાલીશ લાગતી વાતો ખરેખર તો ઊર્મિના આંગણામાં ઊગેલાં ફૂલ જેવી હોય છે એની મહેક આજીવન હૃદયમાં સચવાતી હોય છે. એ સુગંધ જીવનભર આપણને મઘમઘતા રાખે છે. પહેલો વરસાદ પડતા માટીની મીઠી સુગંધ અનુભવાય તેવી અનુભૂતિ પ્રથમ પ્રેમપત્રની પણ હોય છે. એ પછી ગમે તેટલા સારા પત્રો લખાય, પણ પહેલો પત્ર એ પહેલો પત્ર છે. પ્રેમપત્રોની નાવડી બનાવનીને ઊર્મિઓને વહાવવાની ઇચ્છા થાય તેમ મેઘધનુષને ગજરામાં ગૂંથવાનું મન પણ થાય. ધીમા વરસાદમાં પ્રિય પાત્ર સાથે હોય ત્યારે ટપકતાં નેવાં અને વરસાદનાં ટીપાં જાણે કે સંતુર વાગતી હોય અને હૃદયના તાર ઝણઝણતા હોય એવી અનુભૂતિ કરાવે. આ અનુભૂતિને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. તે વખતે મોરનો ટહુકો મલ્હાર જેવો લાગતો હોય છે. અને પેલી કાગળની નાવમાં બેસીને જ જાણે કે આપણે વહી રહ્યા હોઈએ, પ્રેમના દરિયાની ઊંડી સફરે નીકળી ચૂક્યા હોઈએ એવું લાગે છે.

ચોમાસાએ પોતાનાં પાવન પગલાંથી ધરતીને ભીની કરી દીધી છે, ત્યારે તેમાં ભીંજાવાની મજા જવા દેવા જેવી નથી.

લોગઆઉટઃ

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!
ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!
અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

– ભગવતીકુમાર શર્મા


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો