મારી દીકરી ક્યાં?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

આખરે ઉજાગરાનો અંત આવ્યો:
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠ્વે છે:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણ

અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
‘મારી દીકરી ક્યાં?’

— જયંત પાઠક

દીકરી વિશે આપણે ત્યાં કેટકેટલાં કાવ્યો લખાયાં છે. દીકરીની વિદાયનો પ્રસંગ તો ખૂબ હૃદયસ્પર્શી રીતે આલેખાયો છે. કવિ કાગે તો દીકરીને કાળજાનો કટકો કહ્યો છે. લોકગીતો હોય કે લોકકથાઓ, દીકરી પ્રત્યેનું વહાલ આપણા સાહિત્યમાં સતત નિતરતું રહ્યું છે. હૃર્ષદ ચંદારણાએ કહ્યું છે તેમ, ‘શૈશવના સપનામાં જોયેલી પરી, સદેહે અવતરી, થઈ દીકરી!’ બાળપણમાં આપણે સપનામાં પરીને જોતા હોઈએ, મોટા થઈને આપણે ત્યાં એ જ પરી દીકરી થઈને અવતરે છે... તેનો અવતાર અજવાળું લઈને આવે છે. તેની પગલી પડતાં ઝૂપડી પણ રજવાડા જેવી થઈ જાય છે. જેને જીવ રેડીને ઉછેરી હોય અને જે વહાલના દરિયા જેવી હોય તે દીકરીને એક દિવસ વિદાય કરવાનો સમય આવે છે. દરેક માતાપિતા માટે દીકરીને વળાવવી એ આનંદમિશ્રિત કરૂણતા છે. માતા જાણે છે કે પોતે પણ ક્યારેક દીકરી હતી. દીકરીમાં તે પોતાની છબીને જુએ છે. એની અલ્લડતા, તોફાન, એની ખૂબી કે ખામીને તે પોતે અરીસામાં જોતી હોય તેમ જુએ છે. તે એમ વિચારીને રાજી થાય છે કે મારી દીકરી અદ્દલ મારા જેવી થઈ છે. વળી આ જ વિચારે તે દુઃખી પણ થઈ જાય છે કે મારી દીકરી પણ મારા જેવી જ થશે?

પિતા માટે દીકરી એ વહાલનો એક અલાયદો દાયરો છે. પરિવારમાં દીકરી જન્મ્યા પછી કઠણ પથ્થર જેવા લાગતા માણસમાં પણ અચાનક વહાલનાં ઝરણાં ફૂટી નીકળે છે. તેની સૂકી આંખોમાં અચાનક ભીનાશ ઊભરી આવે છે. તેની છાતીમાં જાણે એક કૂણી કૂંપણ પાંગરી હોય તેવો અનુભવ થવા લાગે છે. દીકરીને જરા આંચ પણ આવે તો પિતાની છાતી ચિરાય છે.

મા-દીકરીનો સંબંધ તો વિશેષ અલાયદો છે. દીકરી પહેલીવાર રજસ્વાલા થાય, ત્યારે માતાને પણ પોતાની કિશોરાવસ્થા યાદ આવે છે. દીકરીની આ અવસ્થા પછી તે માદીકરી મટીને મિત્રો બને છે. ઘરની નાની નાની વસ્તુને સહિયારી આંખે જોતી થાય છે. થાળી-વાટકા-ચમચીથી લઈને ઘરમાં આવતા સારા-નરસા પ્રસંગોને તે મૈત્રીભાવે પાર પાડે છે. પિતા નામનું છત્ર તેમને હરહંમેશ હૂંફ આપતું રહે છે.

આપણે ત્યાં દીકરીને પારકી થાપણ કહેવાય છે. એવી થાપણ કે જેને આપણે બીજા માટે સાચવી રાખવાની છે. પારકાને સોંપવાની છે. પણ આ પારકાને પારકા નથી રાખવાના, પોતાના કરવાના છે. દીકરી નામના દીવાનું અજવાળું બે ઘરને અજવાળે છે. જ્યારે અજવાળું વહેંચવાનું થાય છે ત્યારે માતાને હરખ થાય છે અને મનમાં ચિંતા પણ થાય છે કે બધું સુપેરે પાર તો પડશે ને? કદાચ એટલા માટે જ આપણે ત્યાં લગ્નની વિધિઓ લાંબી હોય છે, જેથી અંગત સ્વજનને હંમેશ માટે બીજાને સોંપવાનું છે તેવો મન પર ભાર ન રહે અને મન સતત આ વિધિઓ અને રિવાજોમાં જ અટવાયેલું રહે. મહેમાનોનું જમવાનું, તેમની આગતાસ્વાગતા, રહેઠાણ, લગ્નની વિધિઓ, મંડપ, સામૈયા આ બધામાં પરિવારજનો એટલા બધા અટવાયેલા રહે છે કે તેમને દુઃખી થવાનો પણ સમય નથી મળતો. પણ લગ્ન ઉકલ્યા પછી, અનિલ જોશીના શબ્દોમાં કહીએ તો કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને જાય પછી, બધી વસ્તુઓની ગણતરી થાય છે. વાસણો, કપડાં, મહત્ત્વની અનેક વસ્તુઓ બધું બરોબર તો છેને? ક્યાંય કશું ખોવાયું તો નથીને? આ બધું પત્યા બાદ અચાનક એક ઊંડો ખાલીપો આખા ઘરને ઘેરી વળે છે. અવસર પત્યા અવસરની ઉધાસી ઉડીને આંખે વળગે છે. વિરલ દેસાઈનો શેર યાદ આવી જાય, “અવસરના જોશ કરતાં એ હોય છે વધારે, અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી.”

માતાને આ સૂનકાર ઘેરી વળે છે. તે ઓરડામાં અધવચ્ચે જ ઊભી રહી જાય છે, તેની આંખમાંથી એક પ્રશ્ન આંસુનું રૂપ ધારણ કરીને સરી પડે છે, મારી દીકરી ક્યાં?

લોગઆઉટઃ

દીકરીની વિસ્મયભરી આંખોમાં છે
પ્રશ્નો, આશ્ચર્ય અને ભોળપણ
એના પ્રશ્નો
મને મૂંઝવી દે છે
એના ફૂલોના ઢગલા જેવા હાસ્યને
સૂંઘીને હું જીવવા માટેના શ્વાસ
એકઠા કરી લઉં છું
કદાચ… આવતી કાલે…
એનું હાસ્ય
આટલું બધું સુગંધિત નહીં હોય.

– શેફાલી રાજ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો