કરે કોઈ જીતની ચર્ચા, કરે કોઈ હારની ચર્ચા

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

કરે કોઈ જીતની ચર્ચા, કરે કોઈ હારની ચર્ચા;
રમત તો થઈ પૂરી બાકી રહી બેકારની ચર્ચા.

ભૂખે મરતાઓને કહી દો જરા થોભે ને રાહ જોવે,
હજુ ચાલે છે એ પ્રશ્નો ઉપર સરકારની ચર્ચા!

હતો જે ભાર માથા પર એ નો'તું થાકનું કારણ,
ગયા થાકી હકીકતમાં કરી એ ભારની ચર્ચા.

જીવનભરની કમાણીને ગુમાવીને હું બેઠો'તો,
તમે આવીને છેડી ત્યાં જીવનના સારની ચર્ચા.

ગરીબી જો હટી જાશે તો નેતાઓનું શું થાશે?
પછી કરશે અહીં કોના ભલા ઉદ્ધારની ચર્ચા?

વહે છે ખૂન જખ્મોથી અને એ જખ્મીઓ સામે,
અમે કરતા રહ્યા 'કાયમ' ફક્ત ઉપચારની ચર્ચા.

— કાયમ હજારી

આસીમ રાંદેરીએ લખ્યું છે,

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી.

આપણે મૌનનું મહત્ત્વ સમજવા છતાં ચર્ચાની ચ્વિંગમ ચાવવાનું મૂકતા નથી. આ કામ આપણને બરોબરનું માફક આવી ગયું છે. રમત પૂરી થાય પછી કે પહેલાં, જીત થાય કે હાર, ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. કશું ન થાય તો કશું ન થયાની ચર્ચા કરવાની, તેના વિના ચાલતું નથી. કવિ કાયમ હજારી માનવસ્વભાવમાં રહેલી ચર્ચાવૃત્તિને સારી પેઠે ઓળખી ગયા છે, એટલા માટે જ તેમણે આ ગઝલ લખી છે. ઘાયલસાહેબે લખ્યું કે, ‘ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે.’ તેમને ચર્ચામાં લિજ્જત દેખાય છે, પણ એ તો ગભરુ આંખોમાં કાજળ થવાની તક મળે તો! બાકી લિજ્જત ક્યારેક ઇજ્જત લઈ લે. લોકોને ચર્ચાવાનું ગમતું હોય છે. ઘણા ફિલ્મએક્ટરો કંઈક ને કંઈક કરી સતત ચર્ચામાં રહેતા હોય છે. તેમને એવું લાગે છે કે કોઈ ચર્ચા જ ન કરે તો આપણે માર્કેટમાંથી ફેંકાઈ જઈશું. ચર્ચા જ ન થાય તો એ ય એક પ્રકારની વગોવણી કહેવાય. સૈફ પાલનપુરીનો એક અદ્ભુત શેર છે,

મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું.

કોઈ આપણો જરા સરખો નામોલ્લેખ સુધ્ધાં ન કરે એ આપણી ફજેતી નહીં તો બીજું શું? ઘણી વખત ઘણી જગ્યાએ એકદમ ચાલાકીપૂર્વક આપણી બાદબાકી થઈ જતી હોય છે.

ઘણાને કામ કરવા કરતા કામની ચર્ચામાં જ રસ હોય છે. સરકાર ગરીબી દૂર કરવાની ચર્ચા વર્ષોથી કરે છે. સરકાર વર્ષોથી ગરીબી અને ભૂખમરો દૂર કરવાની ચર્ચા કરે છે. પંચવર્ષીય યોજનાઓ બનાવે છે. કરોડો, અબજો રૂપિયા ખર્ચાઈ ગયાં આટલાં વર્ષોમાં છતાં હજી ભૂખમરો તો દૂર થતો જ નથી. આમાં તો ધરાયેલા જ ધરાય છે. ભૂખ્યા બાપડા ભૂખ્યા રહે છે. કાગળ પર અને સરકારી ફાઇલોમાં ગરીબી દૂર થાય છે. ગરીબ તો બાપડો વધારે ને વધારે ગરીબ થતો જાય છે. આ જ આપણા દેશની કરૂણતા છે. ગરીબી દૂર કરવાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે મોટા રોડશો યોજાય, મંડપો બંધાય, નગર આખું રોશનીથી શણગારાય ને આ રીતે લાખો-કરોડોનું આંધણ થાય. આ બધી ઝાકઝમાળ પાછળ ખર્ચાતો પૈસો સીધો ગરીબોને જ આપી દેવામાં આવે તો કેટલું સારું? કાયમ હજારીએ બીજા એક શેરમાં નેતાઓ પર આકરો કટાક્ષ કર્યો છે, ગરીબી હટી જશે તો બાપડા નેતાઓ બેકાર થઈ જશે, તેમનું શું થશે? તે કોના ઉદ્ધારની ચર્ચા કરશે? તેમનાં ભાષણો, યોજનાઓ બધું જ અભરાઈ પર ચડી જશે.

ઘણી વાર જો આપણે કોઈ કામમાં એવા લીન થઈ જઈએ કે આપણને વાગ્યું હોવા છતાં એનો અહેસાસ થતો નથી. પણ સાવ નવરા હોઈએ અને જરાક અમથું પણ વાગ્યું હોય તો દુખાવો થયા કરે છે, એનું કારણ એટલું જ હોય છે કે આપણું મન સતત તેની પર જ કેન્દ્રિત હોય છે. એ નાનકડા ઘાવને વારંવાર પંપાળતા જ રહીએ છીએ. ચિંતા, વ્યગ્રતા, વ્યથા કે ઉદાસીનું પણ એવું જ છે. આપણે જેટલા પંપાળીએ તેટલા તે આપણને વધારે પરેશાન કરે છે. માનસિક ભારનો થાક ત્યારે વધારે લાગે છે, જ્યારે એ ભારની વારંવાર ચર્ચા કરવામાં આવે.

જિંદગીમાં લક્ષ્ય હોવું જ જોઈએ એવું કોણે કહ્યું. ક્યાંક પહોંચવું જ એવું નક્કી થોડું છે? ખરો આનંદનો સફરનો છે, મંજિલ પામવાનો નહીં. મંજિલ મળી ગયા પછી તો એક ખાલીપો ઊભો થતો હોય છે કે હવે શું? જીવનના સાર સમાન બધું જ ગુમાવીને બેઠા હોઈએ ત્યારે કોઈક આવીને સારની ચર્ચા કરે તો શું થાય?

મંચ અને પ્રસિદ્ધિને જ બધું માનતા શાયરોને ઉદ્દેશીને કહેલો ભાવિન ગોપાણીનો આ શેર ખાસ વાંચવા જેવો છે.

લોગઆઉટઃ

પ્રસિદ્ધિ મંચની મોહતાજ છે એવું કહ્યું કોણે? 
કવિને એક સારો શેર પણ ચર્ચામાં રાખે છે. 

— ભાવિન ગોપાણીટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો