કાન ખોલીને બધા પડકારનો આદર કરો

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

કાન ખોલીને બધા પડકારનો આદર કરો,
હાથમાં જે હોય તે હથિયારનો આદર કરો.

સાવ બોદા થઈ ગયેલા હોય જો સંબંધ તો,
જેમ જેવો થાય તે રણકારનો આદર કરો.

સત અસતનો જો કદીયે તાગ લેવો હોય તો,
દાવા સાથેના બધા આધારનો આદર કરો.

રક્તમાં થીજી ગયેલા જીવને જીવાડવા,
શ્વાસ મધ્યે ધ્રૂજતા ધબકારનો આદર કરો.

વાત નિરાકાર સાથે હોય જો કરવી કદી,
તો પછી એના બધા આકારનો આદર કરો.

— વારિજ લુહાર

‘વન્સ અપન અ ટાઇમ ઇન મુંબઈ’ ફિલ્મમાં એક સુંદર સિન છે. સુલતાન મિર્જા (અજય દેવગન) ફિલ્મની અભિનેત્રી રેહાના (કંગના રનૌત)ને મળવા જાય છે, આટલી મોટી હિરોઈનને મળવા ખાલી હાથે થોડા જવાય? પણ મોંઘી ગિફ્ટ લેવાનો સમય નથી. એટલે જ્યાં શૂટિંગ ચાલતું હતું ત્યાં બહાર એક લારીવાળો જામફળ લઈને ઊભો હોય છે તેની પાસેથી જામફળ ખરીદે છે. એક જામફળની કિંમત માત્ર ચાર આના છે. હિરોઇનને આવી સસ્તી ભેટ આપીએ તો સારું ન લાગે. એટલે તે જામફળવાળાને પૂછે છે, ‘ધાર કે આ દુનિયાનું સૌથી અંતિમ જામફળ છે, આના પછી ધરતી પર કોઈ જામફળ જ નહીં રહે, તો આની કીંમત કેટલી?’ પેલો કહે, ‘ચાર રૂપિયા.’ તેણે ફરી પૂછ્યું, ‘ધાર કે મુમતાજે પોતે જ આ જામફળ ઉગાડ્યું છે અને સલીમના હાથમાં ફૂલ નહીં પણ આ જામફળ હતું, હવે આની કિંમત કેટલી?’ પેલાએ કહ્યું, ‘ચાલીસ રૂપિયા.’ છતાં અજય દેવગનને સંતોષ ન થયો, તેણે કહ્યું, ‘ધાર કે આદમે સૌથી પહેલાં સફરજન નહીં, પણ આ જામફળ ખાધું હતું, હવે આની કિંમત કેટલી?’ પેલો કહે ચારસો રૂપિયા. ચાર આનાનું સફરજન ચારસો રૂપિયામાં ખરીદ્યું. પછી કંગનાને આપતી વખતે કહે છે, મોંઘું કશું ન મળ્યું તો સસ્તાને જ મોંઘું કરીને લઈ લીધું. વાત સસ્તા કે મોંઘાની નથી, પણ આપણને જે સરળતાથી મળી છે તેની આપણને કિંમત નથી હોતી.

સુખ અને દુઃખ બંનેને પ્રેમથી સ્વીકારતા થઈ જઈએ તો બેડો પાર થઈ જાય. સુખ આવે કે તરત જ આપણે છકી જઈએ છીએ. આપણે જાણે કે ક્યારેય દુઃખી હતા જ નહીં અને ભવિષ્યમાં ક્યારેય થઈશું પણ નહીં એવી રીતે વર્તવા લાગીએ છીએ. પણ જેવો કશો પડકાર આવ્યો કે પાછા ધરતી પર આવી જઈએ છીએ. કેમ કે આપણે આપણી પરિસ્થિતિનો આદર કરવાનું ભૂલી જઈએ છીએ. વારિજ લુહારે ગઝલ દ્વારા આપણા જીવનમાં આવતા તમામ પડકારોનો આદર કરવાનું કહ્યું છે, પછી તે સારો હોય કે ખરાબ. જિંદગીના યુદ્ધમાં જ્યારે જે હથિયાર હાથમાં આવ્યું તેનાથી આપણે લડતા રહેવાનું છે, એ હથિયારનું સન્માન કરવાનું છે. આ હથિયાર યોદ્ધાની જેમ હાથમાં ધારણ કરેલું હોય તે જરૂરી નથી. આ હથિયાર માનસિક પણ હોઈ શકે. ઝઝૂમતું કોણ નથી? કરોડોપતિથી લઈને ભીખારી સુધીના માણસો પોતાની જિંદગીમાં ઝઝૂમતા રહે છે, એ દરેકના હાથમાં તલવાર કે ભાલાં નથી, એમના હાથમાં તેમનો જુસ્સો છે, જોમ છે. બસ એનો આદર કરવાનો છે.

લાંબાગાળે સંબંધોમાં એકધારાપણું આવવાથી તેમાં નિરસતા આવી જાય છે અને આ નિરસતા તિરાડમાં ફેરવાય છે. ત્યારે આપણે તે તિરાડો કેમ સર્જાઈ છે તેના મૂળમાં જવાની તસ્દી બહુ લેતા નથી. એ પરિસ્થિતિનો પણ આદર કરીએ તો ચોક્કસ નવો રસ્તો નીકળે. પણ સ્થિતિ જ એવી હોય છે કે સાચું શું કે ખોટું શું તે સમજાતું નથી. અને આમ પણ એક માણસને મન જે સત્ય હોય તે બીજાને મન ન પણ હોય. દરેકનું સત્ય અલગ હોય છે. દરેકનું સત્ય એનું પોતાનું જ હોય છે, એ બીજા પર થોપી ન શકાય. અકબર બિરબલની એક સરસ વાર્તા છે. એક દિવસ અકબરે બિરબલને કહ્યું કે મને એવી વાત કહો કે જે સુખમાં દુઃખનો અનુભવ કરાવે અને દુઃખમાં સુખનો. બિરબલે બહુ વિચારીને એક વાક્ય કહ્યું, ‘આ સમય પણ ચાલ્યો જશે.’ અકબર જ્યારે ખૂબ સુખના શિખરે બેઠો હોય ત્યારે એક વાક્ય બોલે કે આ સમય પણ ચાલ્યો જશે ત્યારે તે સીધો ધરતી પર આવી જાય કે ઓહ, આ સુખ વધારે નથી. મારે છકી ન જવું જોઈએ. અને જ્યારે દુઃખની ઊંડી ખાઈમાં ધકેલાઈ જાય ત્યારે પણ એ જ વાક્ય દવા જેવું કામ કરે. આ દુઃખી સમય પણ લાંબો ટકવાનો નથી.

બસ, માણસ પોતાના સુખી કે દુઃખી સમયનો આદર કરતો થઈ જાય તો જીવનમાં મુશ્કેલી રહેતી જ નથી.

લોગઆઉટઃ

સર્વોપરી આદર રહ્યો મૂંગો આદર,
કે લાગણી ખાતર રહ્યો મૂંગો આદર;
શબ્દોની મહત્તા છે, પરંતુ એટલી ક્યાં?
સાચો રહ્યો સુંદર રહ્યો મૂંગો આદર.

— મરીઝ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો