મને મારા સુધી લઈ જાવ, ભાડું થાય તે લેજો!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

નદીમાં કોઈ મુકો નાવ, ભાડું થાય તે લેજો
મને મારા સુધી લઈ જાવ, ભાડું થાય તે લેજો

અમારે એક ક્ષણમાં કેટલાયે યુગ રહેવું છે
અમે મૂકી દીધો પ્રસ્તાવ, ભાડું થાય તે લેજો

તમારી આંખમાં જોયું, ને જોયું કે પગથિયાં છે
રહીશું ત્યાં ઉતારી વાવ, ભાડું થાય તે લેજો

અમારી વેદનાઓ બહાર ખુલ્લામાં પડી રહેશે
ફક્ત ઘરમાં તો રહેશે ઘાવ, ભાડું થાય તે લેજો

રમત રમવા જીવનનું સ્વપ્ન માગીને લીધું છે તો,
અમે પૂરો કરીશું દાવ, ભાડું થાય તે લેજો.

— સુરેન્દ્ર કડિયા

આપણે ત્યાં કવિતામાં સ્વશોધની વાતો ખૂબ થઈ છે. મોનોટોની લાગે એ હદે આ વાત લખાઈ છે. ભાવેશ ભટ્ટનો આ સંદર્ભે એક જુદા પ્રકારનો શેર છે,
એટલે શોધતો નથી હું મને,
મારી ઉપર કોઈ ઇનામ નથી.

કોઈ ખૂંખાર ડાકુ, કે જેના માથા પર મોટું ઇનામ હોય, તેને જીવતો કે મરેલો શોધી લાવનારને મોટી રકમ આપવામાં આવવાની હોય તો તેને શોધવા માટે અમુક લોકો સાહસ કરે. પણ જેની કોઈ કિંમત નથી, શોધવા-ન શોધવાથી કંઈ ફેર નથી પડવાનો, તેને કોણ શોધે? અહીં સ્વશોધની વાત છે, જાતને પામવાની વાત છે, પોતાને પામી જવું એ જ મોટું ઇનામ હોઈ શકે.

સુરેન્દ્ર કડિયાની આ ગઝલની આ રદીફ તરત ધ્યાન ખેંચે એવી છે. આવી રદીફ નિભાવવી ખૂબ અઘરી હોય છે, પણ તેમણે સાદ્યંત નિભાવી છે. નદીમાં કોઈ નાવ મૂકો, એનું જે ભાડું થાય તે તમતમારે લઈ લેજો. પણ મારે સામે કાંઠે નથી જવું, મારે તો મારા સુધી જવું છે. હવે આ નાવ કઈ? નદી કઈ? અને ભાડું કેટલું? આવા પ્રશ્નો મનોમંથનના ઊંડાણમાં લઈ જાય છે. ધન, પ્રતિષ્ઠા, મોભો બધું જ પામ્યા પછી પણ માણસને કશોક ખાલીપો રહેતો હોય છે. માનવી ક્યાંય સંપૂર્ણતા નથી અનુભવતો. જેની પાસે કશું નથી તેને એમ થાય કે એક સુંદર સાઇકલ હોય તો કેટલું સારું, સાઇકલવાળાને બાઇકનો મોહ, બાઇકવાળાને કારની ખેવના, ને કારવાળાને હેલિકોપ્ટર કે વિમાનની ઝંખના... આ ચક્ર અટકતું જ નથી. એ પામ્યા પછી એમ થાય કે હવે શું? આ બધું કરવામાં છેવટે તો માણસે પોતાના સુધી જ પહોંચવું હોય છે. માણસને કયું વાહન પોતાના સુધી લઈ જાય? એ વાહન મળી જાય તો આયખું ઉત્સવ બની જાય.

ક્યારેક આપણી સાથે એકાદ ઘટના એવી બની જતી હોય છે કે એ ભૂલી ભૂલાતી નથી. આખું જીવન એ એક ઘટનામાં જ કેદ થઈ જતું હોય છે. એના પછી જે કંઈ બનતું હોય છે એ માત્ર બનતું હોય છે. પછીની દરેક ઘટનામાં આપણે હાજર હોઈએ, છતાં હોતા નથી. આપણા માનસપટ પર તો પેલી એક ઘટના જ ઘુંટાતી રહેતી હોય છે. એ ક્ષણ કોઈનો ભરપૂર પ્રેમ હોય, હાડોહાડ થયેલું અપમાન હોય, કાળજું કકડાવતી વેદના હોય, આયખાભરનો વિરહ હોય, જેની પર ખૂબ વિશ્વાસ કરતા હોઈએ તેણે આપેલો દગો હોય કે કંઈ પણ હોઈ શકે. આવી એક ક્ષણમાં યુગોનું જીવતર એકસામટું જિવાઈ જતું હોય છે. પણ એ એક ક્ષણ જીવનભર ટકી જાય તો જિંદગી રળિયાત થઈ જાય, મરીઝે લખ્યું છેને,

કાયમ રહી જો જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈવાર હોય છે.

એક ક્ષણમાં જે દર્દ આપણને અદ્ભુત અનુભવ કરાવી દે, એ અનુભવ જિંદગીભર રહે તો તો સંવેદનના શિખર સુધી પહોંચી જઈએ. જેમ ભગવાન બુદ્ધ પહોંચ્યા, જીવનની નશ્વરતાનું દર્દ એમના હૈયે એવું અડ્યું કે સત્ય પામવા માટે જિંદગી ખર્ચી નાખી. રાજમહેલ, સિદ્ધિ-પ્રસિદ્ધિ બધું ત્યાગીને ચાલી નીકળ્યા એ પરમ સત્યની શોધમાં, અને બોધીજ્ઞાન પામ્યા. એક દર્દ એમના હૈયામાં જીવનભર ટક્યું, એ દર્દે જ એમને સિદ્ધાર્થમાંથી ભગવાન બુદ્ધ બનાવ્યા. પ્રત્યેક માનવમાં એક બુદ્ધ પડ્યો છે, માત્ર તેણે શુદ્ધ થવાની જરૂર છે. આત્મા પર બાઝેલો મેલ નીકળે તો આપોઆપ મનખો મહેલ થઈ જાય. એને કોઈ મંત્ર, તંત્ર કે શ્લોકની જરૂર નથી. જિંદગી પોતે જ એક શ્લોક છે.

વેદનાઓ બહાર ખુલ્લામાં પડી રહેશે, ઘરમાં તો માત્ર ઘાવ જ રહેવાના છે. આ શેર તો ગઝલને ઓર સુંદર બનાવે છે. આખી ગઝલ ખૂબ અર્થસભર છે. પ્રત્યેક શેર મોટું ભાવવિશ્વ ખોલી આપી છે. જીવનમાં કોઈ વસ્તુ મફત નથી મળતી, દરેકની કિંમત ચૂકવવી પડે છે. ભાડું ભર્યા વિના છૂટકો નથી. આપણે લીધેલા દરેક શ્વાસની કિંમત પણ આપણે ઉચ્છ્વાસ રૂપે કિંમત ચૂકવીએ છીએ, અને તેનો અંતિમ હિસાબ આપણું જીવન હોય છે. ‘જીવ શાને ફરે છે ગુમાનમાં? તારે રહેવું ભાડાના મકાનમાં!’ શરીર નામે એક ભાડાના મકાનમાં આપણે રહીએ છીએ અને જિંદગીભર વિવિધ રીતે તેનું ભાડું ચૂકવીએ છીએ.

લોગઆઉટઃ

ન જાણ્યો દોડવાનો અર્થ, કેવળ દોડવા લાગ્યા,
ભટકતા કાફલા સાથે સ્વયંને જોડવા લાગ્યા.

ઘણા જન્મો પછી ભાડે મળ્યું’તું એક સારું ઘર,
અમે એમાંય ચારેકોર ખીલા ખોડવા લાગ્યા.

— હરજીવન દાફડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો