મારા પડછાયાનું હું જ કદી જોઉં નહિ મોઢું

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

અજવાળું આવે ના' ફ્લેટમાં.
ચોખ્ખું ચટાક આભ, પંખીનું ટોળું, આ સૂરજ લ્યો ચિતરું છું સ્લેટમાં.

ગમતું બપોર હવે જોવાની રોજરોજ
કેવી આ માનતાઓ લેતા?
ભીંતે ટીંગાડેલા ખોટા અજવાસને
તડકાનું નામ પછી દેતા.

કંકુને ચોખા લઈ પોંખી વધાવું કોઈ અજવાળું આપે જો ભેટમાં.
અજવાળું આવે ના' ફ્લેટમાં.

ક્યાં છે સવાર અહીં, કુણેરી ધાર અહીં
હોય તો હું રોમરોમ ઓઢું,
કેવું કહેવાય કે મારા પડછાયાનું
હું જ કદી જોઉં નહિ મોઢું.

લીમડાને પૂછ્યું કે આવો અજવાસ તને મળે છે કેવા બજેટમાં?
અજવાળું આવે ના' ફ્લેટમાં!

— દીપક બેબસ

જગત રાત્રે ન બદલાય તેટલું દિવસે ને દિવસે ન બદલાય તેટલું રાત્રે બદલાઈ રહ્યું છે. આમ લાગે કે એક ક્ષણ વીતતી નથી. ને આમ લાગે કે વર્ષો વીતી ગયાં ને ખબર પણ ન પડી. આધુનિક ટેકનોલોજી આવતા સમય બદલાયો, માણસો બદલાયા, વાહનવ્યવહાર બદલાયાં, રહેણીકરણી પણ બદલાઈ. નાનાં મોટાં શહેરોમાં અત્યારે નવા ફ્લેટની સ્કિમોની ભરમાર છે. વનબીએચકે, ટુબીએચકે, થ્રી, ફોર, ફાઇબીએચકે ને લક્ઝ્યુરિયસ ફ્લેટની બોલબાલા છે. ફ્લેટ આમ તો એક ઉપર એક મકાનની થપ્પી કરવામાં આવી હોય એવું જ હોય છે. પણ એ આજના ઘણાં શહેરની જરૂરિયાત થઈ ગઈ છે. પણ આ જરૂરિયાત સામે શું શું ચૂકવવું પડે છે તેની વાત દીપક બેબસે પોતાના ગીતમાં સરસ રીતે કરી છે.

મોટા મોંઘેરા મહેલ જેવા ફ્લેટને બાદ કરતાં મધ્યમ ગરીબ વર્ગના લોકોએ જે ફ્લેટમાં આવીને પ્રકૃતિ સાથેના સમાધાન કરવા પડે છે તે પણ ધ્યાને લેવા જેવા છે. સાત કે ચૌદ કે ચોવીસ માળના મકાનની થપ્પીમાં આપણું ઘર કયા માળે હોય, કયા ખૂણામાં હોય, ત્યાં સરખું અજવાળું, હવાઉજાસ આવે છે કે નહીં તેની પણ ઘણી વાર દરકાર નથી કરાતી હોતી. મૂળ પ્રશ્ન બજેટનો છે. આ પ્રશ્ન નાનાથી લઈને મોટા લોકો સુધી બધાને સતાવે છે. એક સંવેદનશીલ વ્યક્તિ ફળિયાવાળું ઘર છોડી ફ્લેટમાં રહેવા જાય ત્યારે તે ફળિયામાં આવતો સૂર્યનો મીઠો તડકો, હુંફાળી હવા, પંખીનો કલબલાટ ને બીજું ઘણું ગુમાવે છે. સૂર્ય તો સીધો ફ્લેટમાંથી ભાગ્યે જ દેખાય. ભીંત ઉપર ખોટા આર્ટિફિશિયલ અજવાળાથી સૂર્યને નીરખ્યાનો આનંદ લેવાનો રહે. રાજેશ વ્યાસ મિસ્કીનનો શેર યાદ આવ્યા વિના ન રહે.

આય મોડર્ન લાઇફસ્ટાઇલની મજા, બંધ બારી બારણા પડદા વળી,
ચિલ્ડ એ.સી. રૂમ અંદરથી કરી, સૂર્ય ભીંતે ચીતરાવ્યા હોય છે.

પણ કોઈ સાધારણ મકાનની આસપાસ ઊંચા ઊંચા ફ્લેટ બંધાઈ જાય તો એમને બિચારાને સૂરજના તડકો પણ મહેમાન જેવો થઈ જાય. આવે તો આવે! આવી સ્થિતિમાં જાવેદ અખ્તરનો શેર ચોક્કસ યાદ આવે,

ઊંચી ઇમારતો સે મકાં મેરા ઘિર ગયા,
કૂછ લોગ મેરે હિસ્સે કા સૂરજ ભી ખા ગયે.

દસ બાય દસની ઓરડીમાં સમાધાનપૂર્વક રહેતા ફ્લેટવાસીઓને પણ આવો પરોઢનો કુણો તડકો, હવાની મીઠી લહેરખીઓ, પંખીઓનો કલરવ દુર્લભ હોય છે. એ તો ઠીક પોતાના પડછાયાનુંય મોઢું જોવા નથી મળતું. જે શહેરવાસી છે, એ કદાચ આ બધાથી સારી રીતે ટેવાઈ ગયો છે, પણ કોઈ તળના ગામમાં રહેતી વ્યક્તિ, પ્રકૃતિના ખોળે નિરંતર રહેતો માણસ આવા નાનકડા ફ્લેટમાં આવી ચડે તો એનો તો જીવ રુંધાય. આ કાવ્યનો નાયક કદાચ આવો જ છે. જેને ફ્લેટમાં આવ્યા પછી સૂરજનું અજવાળું, સ્વચ્છ આભ, પંખીનું ટોળું, તડકો, વૃક્ષોની લીલોતરી ને બીજા ઘણા બધાની ખોટ સાલે છે. પણ છતાં આવું ચાલે છે.

ઘણી વાર એવું થાય કે તમને જે ફ્લેટ સારો લાગતો હોય તે બજેટની બહાર જતો હોય ને બજેટમાં હોય તે ગમતું ન હોય. આમાં અંતે જિંદગીનું બજેટ ખોરવાઈ જાય છે. આ તડજોડમાં જીવન પતી જાય છે. પછી એ પણ ખ્યાલ નથી રહેતો કે શું પ્રકૃતિ, શું આધુનિકતા, શું શ્હેર કે શું ગામ! પણ ફ્લેટમાં રહેતા અને પ્રકૃતિથી દૂર થવાની વેદના વેઠતા સંવેદનશીલ માનવીને પોતાની વ્યથાકથામાં ક્યારેક શીતળ છાંયડો આપતું લીમડાનું ઝાડ મળી જાય તો તે કદાચ મનોમન પૂછી બેસે કે આવો શીતળ છાંયડો અને આ સૂર્યનું અજવાળું કેટલા બજેટમાં પડ્યું? જિંદગીની ધાંધલધમાલમાં એ ભૂલી ગયો છે કે પ્રકૃતિની કૃપા તો બધા પર સરખી છે. પણ તેનું ચિત્ત ફ્લેટ જેવું થઈ ગયું છે. એ જિંદગીને જુદી જુદી લાંચ આપ્યા કરે છે, આટલું કરીશ એટલે આટલું મળશે. માણસ પોતે જ પોતાને રિશવત આપ્યા કરે છે અને તેને ખબર જ હોતી નથી.

વિપીન પરીખનું એક સુંદર કાવ્ય માણવા જેવું છે.

લોગઆઉટઃ

વૃક્ષ કદાચ એમ પણ કહે –
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’

કોયલ કદાચ આગ્રહ રાખે –
‘કોઇ સરસ જગ્યા જોઇ મને ફ્લેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું’

થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઇ નહીં.

ચાલ મન ! એવા દેશમાં જઇએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !

— વિપીન પરીખ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો