શિકાગો-અમેરિકામાં યોજાયેલ કવિસંમેલન (હૃદયથી હૃદય સુધી)

અહેવાલ સૌજન્યઃ ગુજરાત ટાઇમ્સ, ફોટોગ્રાફ્સઃ સુરેશ બોડીવાલા (એશિયન મીડિયા, યુએસએ)

શિકાગોના ગુજરાતીઓ કવિતા દ્વારા ‘હૃદયથી હૃદય સુધી’ જોડાયા

કોઈ પણ સમાજ કે સંસ્કૃતિનો પડઘો તેના ભાષા અને સાહિત્ય દ્વારા પડતો હોય છે. આજનું સાહિત્ય આવતી કાલનો બહુ મોટો દસ્તાવેજ હોય છે. તેમાંય કવિતા એ હૃદયની ભાષા છે. હૃદયની ઊર્મિઓને વ્યક્ત કરતી વાણી છે. શિકાગો આર્ટ સર્કલ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંગીતનો પ્રચાર-પ્રસાર કરી લોકોના જીવનમાં પોઝિટિવ એટિટ્યૂડ વિકસતો રહે તેવા પ્રયત્નો કરે છે. આ પ્રયત્નના ભાગરૂપે એપ્રિલ 30 2022ના રોજ, શિકાગોના રાના રેગન કમ્યુનિટી હોલમાં એક સુંદર કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવિસંમલેન ખરેખર અનોખું હતું. શીર્ષક પ્રમાણે તેમાં હાજર રહેનાર તમામ શ્રોતાગણ ખરેખર ‘હૃદયથી હૃદય સુધી’ પહોંચ્યા હતા. હૈયે હૈયું દળાય એવી સ્થિતિમાં આખો હૉલ ખીચોખીચ ભર્યો હતો. અમેરિકામાં–શિકાગોમાં પાંચસો કરતાં વધારે શ્રોતા કવિસંમેલન માણવા આવે એ શિકાગોમાં વસતા ગુજરાતીઓનો સાહિત્યપ્રેમ દર્શાવે છે.

શિકાગો આર્ટ સર્કલ સંસ્થા 1996થી સતત ગુજરાતી સાહિત્યની સેવા કરી રહી છે. અગાઉ આદિલ મન્સૂરી, મધુરાય અને ચંદ્રકાન્ત શાહ જેવા દિગજ્જ સાહિત્યકારોને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ આપી ચૂકી છે. ત્યારે આ પ્રસંગે કવિ અનિલ ચાવડાને તેમના સાહિત્યિક પ્રદાન માટે — ખાસ કરીને કવિતા માટે સ્પેશ્યલ રેકોગ્નાઇઝેશન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતીય સિનિયર સિટિઝન એસોશિયેશનના સ્થાપક પ્રમુખ શ્રી હરિભાઈ પટેલને તેમની સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને એવોર્ડ આપીને સન્માનવામાં આવ્યા હતા. છેલ્લા 26 વર્ષોથી શિકાગો આર્ટ સર્કલમાં વોલન્ટિયર તરીકે સેવા આપનાર 87 વર્ષે અડીખમ એવા શ્રી મુકુંદભાઈ દેસાઈને વિશેષ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઇન્ડિયાથી ખાસ પધારેલા સુપ્રસિદ્ધ કવિઓ રઈશ મનીઆર, અનિલ ચાવડા અને ઉષા ઉપાધ્યાયે પોતાની ઉત્તમ રચનાઓ રજૂ કરી હતી. સાથેસાથે અમેરિકામાં રહીને ગુજરાતી ભાષામાં અનેક અદભુત શેર અને ગઝલો લખનાર કવિ અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાએ પણ પોતાની રચનાઓ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આકાશ ઠક્કર, અબ્દુલ વહીદ સોઝ અને ભરત દેસાઈએ પણ સ્થાનિક કવિ તરીકે ભાગ લીધો હતો. કવિ રઈશ મનીઆરનું હળવી શૈલીનું રમૂજી સંચાલને શ્રોતાઓને આનંદ કરાવ્યો હતો. કાર્યક્રમ એટલો રસપ્રદ થયો હતો કે શ્રોતાઓએ એક જ કાર્યક્રમમાં ત્રણ વખત સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આવું જવલ્લે જ બનતું હોય છે.

મલક કંઈ કેટલા ખુંદ્યા, બધાની ધૂળ ચોંટી પણ,
હજી મારો આ ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.

ગુજરાતી ધબકારાથી છલકાતું સભાગાર શરૂઆતથી જ કવિતામાં રસતરબોળ થઈ ગયું હતું. દરેક શેર પર લોકોએ તાળીઓનો વરસાદ વરસાવ્યો હતો. એક એક શેર પર આફરીન પોકારતા હતા. ભારતીય સિનિયર સિટિઝન એસોશિયેશનના પ્રમુખ અને સાહિત્યરસિક શ્રી હરિભાઈએ જણાવ્યું હતું કે છેલ્લાં ઘણાં વર્ષોથી હું અહીં વિવિધ કાર્યક્રમો કરું છું, પણ આ આટલો સુંદર કાર્યક્રમ મેં કદી નિહાળ્યો નથી.
આ કાર્યક્રમમાં બોલાયેલી ગઝલના કેટલાક ઉમદા શેરઃ

બોલું ના ને મૌન રહું તો વાંધો શું છે?
તોયે તમને પ્રેમ કરું તો વાંધો શું છે?
— ભરત દેસાઈ

મળે છે તુંય તે ઇચ્છાની ઓઢણી ઓઢી,
અને છું હુંય હજી પણ ત્વચાથી સંબંધિત.
— અબ્દુલ વહીદ સોઝ

બેય તરફે આપણે સાથે જ સ્પર્શ્યા ફૂલને,
એ તરફનું ફૂલ અડધું કેમ કરમાતું રહ્યું?
— આકાશ ઠક્કર

ભલે હો પ્હાડ રસ્તામાં, અડીખમ છું ઇરાદામાં,
ભગિરથ છું ધરા પર તપ થકી ગંગા ઉતારું છું.
— ઉષા ઉપાધ્યાય

આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,
“આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નહીં.”
— અનિલ ચાવડા

વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુષાસન?
કંઈ કેટલાની એમાં નિઃશબ્દ સંમતી છે.
— રઈશ મનીઆર

હું નથી દરિયો કે દટ્ટાયેલ મોહે-જો-દડો,
હું નદીનું વ્હેણ છું, ઇતિહાસ જેવું કંઈ નથી.
— મધુમતી મહેતા

પાપને ધોયાં નથી જેણે કોઈ રીતે,
એય ગંગાજળ ઉપર પીએચડી કરે છે.
— અશરફ ડબાવાલા
કવિસંમેલનમાં ભાગ લેનાર કવિઓ

અનિલ ચાવડાને શિકાગો આર્ટ સર્કલ તરફથી સ્પેશિયલ રેકગ્નાઇઝેશન એવોર્ડ અર્પણ કરતા અશરફ ડબાવાલા

કવિ અનિલ ચાવડા

કવિ અશરફ ડબાવાલા

કવિ રઈશ મનીઆર

કવયિત્રી મધુમતી મહેતા

કવયિત્રી ઉષા ઉપાધ્યાય



કવિ આકાશ ઠક્કર

કવિ ભરત દેસાઈ સ્પંદન

કવિ અબ્દુલ વહીદ સોઝ

1 ટિપ્પણી: