માતૃભાષાની ડાળી અને કુહાડીકર્મ

લોગઇનઃ

વાત મારી જેને સમજાતી નથી,
એ ગમે તે હોય, ગુજરાતી નથી.

– ખલીલ ધનતેજવી

આવતી કાલે વિશ્વ માતૃભાષા દિવસ છે. આપણે દિવસોમાં દબાયેલા માણસો છીએ. જ્યારે વેલેન્ટાઇન ડે આવે ત્યારે પ્રેમ થાય, મધર ડે આવે ત્યારે માતા યાદ આવે, પંદરમી ઓગસ્ટ આવે એટલે તાત્કાલિક ઝંડા લેવા દોડીએ. માતૃભાષા દિન છે એ જાણીને ઘણા લોકો માતૃભાષા દિનની ઊજવણી કરતાં સુવાક્યો, કવિતાઓ, વાર્તાઓ ને એવું બધું શોધવા લાગશે. ગુજરાતી પુસ્તકો વાંચતી સેલ્ફી કે ફોટોગ્રાફ પાડીને અપલોડ કરવા મંડી જશે. આગ લાગે ત્યારે કૂવો ખોદવાની મનોવૃત્તિ ધરાવતા આપણે સૌ ભાષાની ભાંગતી ડાળી પર બેઠા છીએ. કાલિદાસના જીવનનો એક કિસ્સો તમે સાંભળ્યો હશે. તે મહાકવિ ગણાય છે, પણ પહેલાં તેઓ અભણ અને મૂર્ખ હતા. તો પછી એ મહાકવિ કેવી રીતે થયા તે જાણવા જેવું છે.

એમ કહેવાય છે કે ઉજ્જૈનના રાજાની કુંવરી વિદ્યોત્તમા ખૂબ જ્ઞાની અને વિદ્વાન હતી. જ્યારે તેના લગ્નની વાત આવી ત્યારે તેણે નક્કી કર્યું કે મને જ્ઞાનમાં પરાસ્ત કરે તેની સાથે જ હું લગ્ન કરીશ. અનેક વિદ્વાનો આ સુંદર કુંવરીને પરણવા માટે તેની સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા, પણ બધા જ કુવંરની વિદ્વતા સામે પાણી ભરતા થઈ ગયા. મોટામાં મોટા વિદ્વાનો પણ તેની સામે ફિક્કા પડવા લાગ્યા. આથી વિદ્યોત્તમાને પોતાના જ્ઞાનનું અભિમાન જાગ્યું. બીજી તરફ પરાસ્ત થયેલા વિદ્વાનોને પોતાનું હળાહળ અપમાન થતું લાગ્યું. પોતાના અપમાનનો બદલો લેવા માટે બધા વિદ્વાનોએ મળીને આ ઉદ્ધત કુંવરી કોઈ મૂર્ખા જોડે પરણે તેવો કારસો ઘડ્યો. બધાએ મળીને એક મૂર્ખ માણસ ગોતવા લાગ્યા. અચાનક એક દિવસ એક વિદ્વાને જંગલમાં એક માણસ જોયો. તે માણસ જે ડાળી પર બેઠે હતો, તે જ ડાળી કાપી રહ્યો હતો. તેની આ મૂર્ખતા જોઈને વિદ્વાનોએ નક્કી કર્યું કે આ મૂરખને જ વિદ્યોત્તમા સાથે પરણાવવો જોઈએ.

અને આ મૂર્ખ માણસ એટલે કાલિદાસ. પછી તો તેમને વિદ્યોત્તમા પાસે લઈ જવામાં આવ્યા અને મૂર્ખતા વિદ્વત્તામાં ખપી ગઈ અને વિદ્યોત્તમા સાથે લગ્ન પણ થયા. અને વાર્તા આગળ વધતી રહે છે. પણ મૂળ વાત જે ડાળ પર બેસવું તે ડાળ કાપવાની છે. આપણે ગુજરાતી નામની ભાષાની એક ડાળી પર બેઠા છીએ, પણ કાલિદાસે જે મૂર્ખતા કરી હતી તે જ આપણે કરી રહ્યા છીએ. જે ડાળ પર બેઠા છીએ તે કાપી રહ્યા છીએ. તેમાં આપણા અંગ્રેજી પ્રત્યેના આકર્ષણની અણિયાળી કુહાડી જવાબદાર છે. ચપોચપચ અંગ્રેજી બોલતી વ્યક્તિ તરત બધાનું ધ્યાન ખેંચે છે એવો આપણો ભ્રમ પણ એની પાછળ જવાબદાર છે. અંગ્રેજી મીડિયમની સ્કૂલોમાં આપણા બધા જ મિત્રોનાં બાળકો ભણી રહ્યાં છે તો આપણું બાળક પાછળ રહી જશે એવી પણ આપણને બીક છે. આ બધી બીક એક કુહાડીનું કામ કરે છે. આ ભાષાની ફેશન, પાછળ રહી જવાની બીક, એ બધું એક રીતે કુહાડી જેવું છે. જે આપણી ભાષા નામની ડાળીને કાપી રહી છે.

ખબરદારે લખ્યું, “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.” ઉમાશંકર જોશીએ લખ્યું, “સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી.” ઉપરોક્ત શેરમાં ખલીલ ધનતેજવી પણ એ જ કરી રહ્યા છે, જેમને મારી ખુમારી, મારા સંસ્કાર, મારું પોત પમાતું નથી એ ગુજરાતી નથી. અર્થાત્ મને સમજવા માટે તમારે ગુજરાતી સમજવું પડશે. કોઈ પણ સંસ્કૃતિને સમજવા માટે તેની માતૃભાષા સમજવી ખૂબ જરૂરી છે.

આપણા કવિઓ-સર્જકો માતૃભાષાનું ગૌરવગાન કરીને થાકી ગયા, પણ પવનની દિશા તો બીજી તરફની જ રહી છે. ઘણા લોકો પોતાના વ્યાકરણદોષ કે જોડણીદોષને છાવરવા માટે અખાની કાવ્યપંક્તિ ટાંકતા હોય છે, “ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર.” ભૂલ ઢાંકવામાં આપણે શૂરા છીએ.

એક વાત સમજી લેવા જેવી છે. માતૃભાષાનું ગૌરવ કરવાનો અર્થ અંગ્રેજીનો વિરોધ કરવો, એવો નથી. અંગ્રેજીનો વિરોધ કરનાર મૂર્ખ છે, અને માતૃભાષાનો વિરોધ કરનાર મહામર્ખ છે. અંગ્રેજી આજે વૈશ્વિક ભાષા છે, એટલે તે તમને જગત સાથે જોડી આપશે, પણ માતૃભાષા તમને જાત સાથે જોડી આપશે. ભાષા એક અર્થમાં આશા છે.

માતૃભાષા વિશે આઈઝેક બાસેવિક સિંગર નામના એક મોટા યહૂદી લેખકે સરસ વાત ગાંઠે બાંધવા જેવી છે. એમને નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે એમને પૂછવામાં આવ્યું: “તમે યીડિશ જેવી મરણોન્મુખ ભાષામાં શું કામ લખો છો ?” જવાબમાં લેખકે કહ્યું: “મને પાકી ખાતરી છે કે મૃત્યુ પામેલા કરોડો યહૂદીઓ એક દિવસ એમની કબરમાંથી બેઠા થશે અને પ્રશ્ન પૂછશે: યીડિશ ભાષામાં પ્રગટ થયેલી લેટેસ્ટ બૂક કઈ છે? એ લોકો માટે યીડિશ ભાષા મરી પરવારેલી ભાષા નહીં હોય. મને તો ફક્ત આ એક જ ભાષા બરાબર આવડે છે, જેમાં હું આખો ને આખો ઠલવાઈ શકું. યીડિશ મારી માતૃભાષા છે અને મા ક્યારેય મરતી નથી.”

લોગઆઉટઃ

એના કરતા હે ઈશ્વર દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?

- હરદ્વાર ગોસ્વામી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો