દેખ્યાનો દેશ ભલે લઈ લીધો

લોગઇનઃ

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ,
પણ કલરવની દુનિયા અમારી,
વાટે રખડ્યાની વાટ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી.
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પોર
બંધ પોપચામાં રંગોની ભાત,
લોચનની સરહદથી છટકીને ઝળહળતું
રૂપ લઈ રસળે શી રાત!
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી,
ફૂલોના રંગો રિસાઈ ગયા,
જાળવતી નાતો આ સામટી સુગંધ,
સંમા સંમાના દઈ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ.
ટેરવાને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી!

- ભાનુપ્રસાદ પંડ્યા

24 એપ્રિલ 1932માં અમરેલીના એક નાનકડા ગામમાં જન્મનાર આ કવિએ સોનેટ, ગીત, છાંદસ-અછાંદસ એમ વિવિધ સ્વરૂપોમાં નોંધનીય પ્રદાન કર્યું છે. વિવેચન અને સંપાદનક્ષેત્રે પણ તેમણે સારું કામ કર્યું છે. થોડા દિવસ પહેલાં જ તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. કવિ જગતને અલવિદા કહે ત્યારે શબ્દોનું ધન મૂકી જાય છે અને તેનો વારસો તે ભાષાના તમામ ભાવકોને ખોળે ધરીને જાય છે. ભાનુપ્રસાદ પંડ્યાના આ વારસામાંથી એક સુંદર ગીત આજે માણીએ.

આંખ શરીરનું ખૂબ મહત્ત્વનું અગં છે. તેના દ્વારા જ આપણે જગતને પ્રત્યક્ષ નિહાળી શકાય છે. ભાનુપ્રસાદ પંડ્યાએ આ ગીતમાં અંધજનો લાગણીને ખૂબ હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરી છે. દુનિયા અમારી, અર્થાત જેમને આંખ નથી તેમની. આખું ગીત અંધોની ઉક્તિરૂપે કહેવાયું છે. દૃષ્ટિ વિના પણ ભૌતિક જગતનો અનુભવ થઈ છે તેની સાબિતી આ ગીત આપે છે. દેખ્યાનો દેશ લઈ લીધો, દૃષ્ટિ લઈ લીધી, પણ કલરવની દુનિયા અમારી, અર્થાત શ્રવણેદ્રિયો વધારે સજાગ છે. ભલે દર્શન નથી, પણ શ્રવણ સતેજ છે. અહીં દૃષ્ટિ નહીં હોવાની નિરાશા નથી, પણ દૃષ્ટિ ન હોય તો કેવી આશાથી જીવી શકાય તેવા હકારાત્મક અભિવ્યક્તિ છે. ભલે દૃશ્યોની દોમદોમ સાહ્યબી આંખ ન માણી શકે, પણ કલરવની દુનિયા કોઈ છીનવી નહીં શકે. મોજથી રસ્તા ઉપર ચાલી નહીં શકાય, બહુ ધ્યાન રાખવું પડશે, કેમ કે દેખાતું નથી, ભલે, પણ પગરવને સાંભળીને બધું પામવાની શક્તિ તો જતી નથી રહી. એ વધારે તીવ્ર બની છે. પગરવની આખી દુનિયા અમારી છે.

વહેલી સવારે પહેલો પોર પંખીના કલબલાટથી શરૂ થાય અને જાણે કે હૃદયમાં સૂરજ ઊગે. એ સૂર્યની રોશની ભલે આંખોમાં ન હોય, ભલે બંધ પોપચામાં તમામ રંગોની ભાત ઢબુરાઈ ગઈ હોય, ભલે આંખોની સરહદમાંથી છટકીને રાત પોતાનું ઝળહળતું રૂપ લઈને આમ તેમ ભટકતી હોય. આંખના દીવડામાં ભલે જ્યોત ન જલતી હોય, પણ અજવાસને અનુભવી શકાય છે. કોઈને એક લ્હેકા માત્રથી તે કોણ છે પારખી શકાય છે. ચ્હેરેથી પારખવાની શક્તિ ભલે છીનવાઈ ગઈ હોય, પણ અવાજના વૈભવની દુનિયા કોઈ નહીં છીનવી શકે. ફૂલના રંગો ભલે અમારાથી રિસાઈ ગયા, પણ તેની સુગંધે અમારી સાથે નાતો જાળવી રાખ્યો છે. એ સુગંધ જ અમને કહે છે કે હું ગુલાબ છું, હું મોગરો, હું ચંપો... કોઈના સ્પર્શ માત્રથી પિછાણી જવાય એ શક્તિ પણ ઓછી નથી. ચહેરા પર જે આંખ નથી તે આંખ જાણે ટેરવા પર ફૂટી છે. એટલે જ કદાચ સ્પર્શમાત્રથી વ્યક્તિને ઓળખી શકાય છે.

અંધ માણસની અનુભૂતિને નિરાશાના નહીં, પણ આશાના ભાવ સાથે ભાનુપ્રસાદ પંડ્યાએ બખૂબી રીતે વ્યક્ત કરી છે. મોટેભાગે આવા વિષય પર કવિતા લખવાની થાય ત્યારે તેમાં ઘોર નિરાશાનો સૂર ભળી જતો હોય છે, પણ અહીં કવિ તેનાથી આબાદ રીતે બચી શક્યા છે. અંધ વિશે કવિતાની વાત આવે ત્યારે નિરંજન ભગત યાદ આવ્યા વિના ન રહે. તેમણે વિવિધ પાત્રો પર કવિતાઓ લખી છે, તેમાં એક પાત્ર અંધ છે. તે કવિતા પણ માણવા જેવી છે. તેનાથી જ લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બ્હાર
તે મારા જનમને કેટલી છે વાર?
કે શું ઝાળ પણ ઝંપી ગઈ છે ચેહમાં
તે હું હવે વસતો નથી મુજ દેહમાં?
તે કંઈક એની આંખથી આ આંખમાં
છે ભૂલથી જોવાઈ ગયું?
જેથી અચાનક આમ મારું તેજ બસ ખોવાઈ ગયું.
મેં આ જગતની કેટલી કીર્તિ સુણી'તી સ્વર્ગમાં
તે આવવાની લ્હાયમાં ને લ્હાયમાં
હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાંયમાં!
ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું!
હવે ચશ્મું થવા ચાહે સળગતો આ સૂરજ
રે તોય શા ખપનું?
ઊંચે માથું ઉઠાવી આભ સામે
પણ હવે ધરવું નથી,
આ એકમાંથી એ બીજા અંધારમાં સરવું નથી.
ને કોણ ક્હે છે ચન્દ્રસૂરજતારલા એ સૌ જલે?
એ તો પલક અંધારનું હૈયું હલે!
મેં જોઈ લીધો છે જગતનો સાર
કે અહીં તેજની ભીતર વસ્યો અંધાર.
હું તો નીંદમાં ચાલી રહ્યો, ફિલસૂફ છું,
એવું કશું ક્હેશો નહીં;
તો આંધળો છું એમ કહીને
આંધળા રહેશો નહીં!

— નિરંજન ભગત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો