મારી ફળીનાં ઝાડવાં બે હતાં કરતાં એક દિ’ વાતો

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

મારી ફળીનાં ઝાડવાં બે હતાં કરતાં એક દિ’ વાતો,
એક કહે: હદ થઈ હવે, નહીં ભાંડુવિજોગ ખમાતો.
ચાલને અહીંથી ચાલતાં થાયેં, આઘાં આઘાં વનમાં જાયેં.

બીજું કહે: એમાં જીવનું જોખમ, નિત આવે કઠિયારો,
આવી ઓચિંતાના ચલવે આપણા પર કુહાડાનો મારો:
જો કે મરવું કોઈ ન ટાળે, તોય મરવું શીદ-અકાળે?

પહેલું કહે: અહીં દન ખુટે તો પછી ન ખુટે રાત,
અહીં અટૂલું એકલું લાગે, તહીં તો આપણી નાત!
ચાલને આપણે ચાલતાં થાયેં, આઘાંઆઘાં વનમાં જાયેં

બીજું કહે: જેણે જાત ઘસીને આપણને જળ પાયાં,
એમને ક્યારે આપીશું આપણાં ફળ ને આપણી છાયા?
હું તો કહું: અહીં રોકાઈ જાયેં, એના ચૂલાનાં ઈંધણાં થાયેં.

— દેવજી રા. મોઢા

‘શિરીષ’ના તખલ્લુસ સાથે લખતા આ કવિનો આજે જન્મદિવસ છે. 8 મે, 1913ના રોજ જન્મી, 21 નવેમ્બર 1987માં વિદાય લેનાર આ કવિએ અનેક સુંદર કાવ્યો લખ્યાં છે. તેઓ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન પામ્યા અને શાળામાં આચાર્યપદે પણ રહેલા. તળપદી સરળતા અને હૃદયને સ્પર્શે તેવી પ્રેરક ભાવનાત્મક બાની તેમની કવિતાની વિશેષતા છે. કશો ઉપદેશ આપ્યા વિના જ તેઓ તેમની કવિતામાં મોટો ઉપદેશ આપી દેતા હોય છે. ઉપરની કવિતા તેની સાક્ષી પૂરે છે.

કાવ્યનાયકના ફળિયામાં બે ઝાડ ઊભાં છે. બંને વાતે ચડ્યાં છે. એક ઝાડ બીજા ઝાડને કહે છે, “ભાઈ, અહીં રહીને હવે મારાથી વિયોગ નથી ખમાતો.” આ વિયોગ અન્ય વૃક્ષોનો છે. શહેરમાં છૂટાંછવાયાં ઝાડને જંગલમાં પોતાપણું લાગે, ત્યાં અનેક વૃક્ષોની હરિયાળી હોય. જ્યારે શહેરમાં કોંક્રિટના જંગલમાં કોઈના આંગણે ઊભેલાં એકબે ઝાડને પોતાની વસ્તી વધારે હોય તેવા વિસ્તારમાં જવાની ઇચ્છા થતી હોય તેવું બને. દેવજી રા. મોઢાએ આ સરસ કલ્પના કરી છે. એક ઝાડ બીજા ઝાડને કહે છે કે, “ચાલને આપણે અહીંથી જંગલમાં જતાં રહીએ, ત્યાં આપણી જેવા – આપણી નાતનાં અનેક ઝાડ હશે. બધાની સાથે ખૂબ મજા આવશે. અહીં તો એકલવાયાપણું છે. ઈંટ-સિમેન્ટની વચ્ચે ફળિયામાં માત્ર તું ને હું ઊભાં છીએ.” બીજું ઝાડ ઘણું સમજું છે. તે કહે છે, “ત્યાં જવામાં વાંધો નથી, પણ ત્યાં જીવનું જોખમ છે. જંગલમાં રોજ કઠિયારો આવે, આપણી પર કુહાડીના પ્રહાર થાય. આપણે હતાં ન હતાં થઈ જઈએ. જો કે દરેકનું મૃત્યુ નક્કી જ છે, પણ આમ સાવ અકાળે શું કામ મરવું? એના કરતાં અહીં જેમણે જાત ઘસીને આપણને ઉછેર્યાં, પાણી પાઈ-પાઈને મોટાં કર્યાં, તેમને આપણાં ફળફૂલ ન આપીએ? તેમનું ઋણ કેમ ભૂલાય? અહીં જ રોકાઈને આપણે તેમના ચૂલામાં બળીએ તો આપણું જીવતર સાર્થક થશે.

આ જ વાતને વિદેશમાં રહેતા લોકોના સંદર્ભમાં પણ જોવા જેવી છે. અમેરિકા-કેનેડા-યુકે જેવા દેશોમાં રહેતા અનેક ગુજરાતીઓ થતું હશે કે અહીં ક્યાં આવી ચડ્યા, માજરે વતનને મૂકીને? ક્યારેક એ ભૂમિને કાયમ માટે છોડીને વતનમાં આવવાની ઇચ્છા પણ થતી હશે. પણ દેવજી રા. મોઢાએ આ કવિતામાં કહ્યું છે તેમ, જે ભૂમિએ રોટલો અને ઓટલો આપ્યો, માનસન્માન અપાવ્યું તેને સાવ આમ તરછોડી ન દેવાય. વતનનો દીવો તો હૈયામાં જલતો જ રહેવાનો છે, તે ઠાર્યો નથી ઠરવાનો. પણ વિદેશને પોતાનું વતન બનાવ્યું, તેનું લુણ ખાધું તો તેનું ઋણ પણ પોતાની માથે છે. વતનના જતન સાથે વિદેશને સ્વદેશ બનાવવો એ નાનીસૂની વાત નથી. બંનેનો આદર કરવો જોઈએ. અશરફ ડબાવાલાનો એક શેર યાદ આવે છે,

પરદેશમાં વતનને ભલે તું ઝૂરે ભલે સતત,
ક્યારેક તો વતનમાં વિલાયતનો શેર લખ.

વતનઝૂરાપો બધાને હોય. જે માટીમાં રમ્યા-ભમ્યા અને ઊછર્યાં તે માટીનું મૂલ આંકીએ તેટલું ઓછું છે. પણ જે ભૂમિએ આપણને રોજીરોટી આપી તેના પ્રત્યે પણ આદર હોવો જ જોઈએ. જેમ માતૃભાષાના ગુણગાન ગાવા માટે અન્ય ભાષાને નકામી ગણવી જરૂરી નથી, તેમ વતનને પ્રેમ કરવા માટે વિદેશને નફરત કરવી પણ જરૂરી નથી.

દેવજી રા. મોઢાની અન્ય એક સુંદર કવિતા છે, જેમાં તેમને કયાં બે ચિત્રો સૌથી વધારે ગમે છે, તેની સરસ રીતે વાત કરી છે, તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

જગનાં સહુ ચિત્રોમાં માત્ર બે જ મને ગમે:
એક તો એ કે જહીં કોઈ કન્યા, કોઈ કુમારનો
લઈને પગ ખોળામાં, વ્હાલની ભરતી ઉરે
આણી, વદી મીઠાં વેણ, ને વેણે વેદના
હરી ને હળવે હાથે કાંટાને હોય કાઢતી!
ને બીજું જ્યાં કુમાર એ કાંટાના ભયને પરો
કરી ને કોમળ અંગે ઊંડા ઊઝરડાં સહી,
ને લહી પીલુંડાં જેવા લોહીના ટશિયા કરે,
ચૂંટી પાકાં ટબા બોર કન્યાને હોય આપતો,
ને ખાધાથી ખવાડીને ખુશી ઓર મનાવતો!

— દેવજી રા. મોઢા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો