આજ અંધાર ખૂશ્બોભર્યો લાગતો....

લોગઇનઃ

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી.

આજ ઓ પારથી ગંધને લાવતી
દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
મ્હેંકતી આવતી શી સુગંધી!

ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફૂવારી?

હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર?

- પ્રહલાદ પારેખ

આપણે ત્યાં અંધકાર, રાત્રી, કાળાશ વગેરેને એક પ્રકારની નકારાત્મકતા સાથે જોડવામાં આવતાં હોય છે. ઉદાસીનો અંધકાર, ભેંકાર રાત્રીની ભયાવહતા, અંધકારની આરી, અંધકારના ઓળાઓ જેવી અનેક શબ્દાવલીઓ દ્વારા નિરાશાનો ભાવ વ્યક્ત કરવામાં આવે છે. તેમાં અંધકારનો ખપ લેવામાં આવે છે. મનની અસીમ કાળાશ વ્યક્ત કરવા માટે ક્યારેક ભેંકાર અંધકારનું ઉદાહરણ આપવામાં આવે, તો ક્યારેક કાળમીંઢ ખીણ પણ કહેવામાં આવે. અંધકારમાં ભય છે, બીક છે, નિરવ શાંતિ અને એમાં એકલતાનો એરુ આભડવા તત્પર છે. આવાં આવાં પ્રતિકો અંધકારને વધારે નકારાત્મક બનાવે છે. ત્યારે ગાંધીયુગના એક મહત્ત્વના કવિ અંધારાને જરા જુદી રીતે જુએ છે. તે કહે છે, ‘આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો.’

નિરંતર અંધકારને નકારાત્મક રીતે જ જોનાર કોઈ વ્યક્તિ પહેલીવાર આવી પંક્તિ વાંચે તો તરત તે ચકિત થાય જ, તેમાં કોઈ બે મત નથી. તેના મનમાં રહેલી અંધકાર વિશેની માન્યતાઓનો પણ ભાંગીને ભુક્કો થાય. પ્રહલાદ પારેખે અંધારને ખુશ્બોભર્યો કહ્યો, પણ અંધકાર કંઈ સુંઘવાની વસ્તુ નથી, એને માત્ર આંખથી અનુભવી શકાય, જોઈ શકાય. પણ એ જ તો કવિની કમાલ છે. અહીં કવિએ ઈઁદ્રિયવ્યત્યય સાધ્યો છે. અંધકારની કાળાશને પ્રહલાદ પારેખે સૌંદર્યવંતી બનાવી દીધી.

કવિ રાજેન્દ્ર શુક્લએ પણ અંધારાને અદ્ભુત રીતે રજૂ કરેલું, તેમણે લખ્યું, “ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો...” ઘણાને વળી પ્રશ્ન થાય કે ઊંટ ભરીને અંધારું કઈ રીતે આવી શકે? મણિલાલ દેસાઈને તો અંધારાના કવિ તરીકે ઓળખવામાં આવતા, તેમની કવિતામાં ઘણાં અંધકારના પ્રતીકો-કલ્પનો જોવા મળતાં. જેમ કે, “અંધારાનું ઈંડું તૂટી ગયું છે” ‘અંધારું’ નામની કવિતામાં તો તેમણે અંધારાને કેટકેટલાં વિશેષણોથી નવાજ્યું છે, “અંધારું પીળું આકાશ નહીં બાલમાં, અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ...” એમણે પણ અંધારાને સુંવાળું ફૂલ કીધું. પણ આ અંધારાની સુગંધને પહેલીવાર ગુજરાતીમાં રજૂ કરનાર કવિ હતા પ્રહલાદ પારેખ. આ રીતે પ્રહલાદ પારેખ પોતાના સમકાલીનોથી અલગ પડ્યા. કવિ શ્રી વિનોદ જોશીએ તેમના વિશે જે કહ્યું તે એકદમ યોગ્ય જ છે, “સમકાલીન કાવ્યપ્રણાલિએ સ્થિર કરેલી કેટલીક રૂઢ પરંપરાઓનો ખપ પૂરતો લાભ લઈ આ કવિ પોતાની રીતે ફંટાયા છે. ને એમ પ્રવાહપતીત બની જવામાંથી ઊગરી શક્યા છે.”

પ્રહલાદ પારેખ પર રવીન્દ્રનાથ ટાગોરની સૌંદર્યમઢી કાવ્યકલાનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. નિસર્ગમાં જ આ કવિ સ્વર્ગ જુએ છે. તેમની કવિતામાં પ્રકૃતિ, પ્રેમ અને કુદરત સોળે કળાએ ખીલ્યાં છે. પુષ્પોની કળીઓ જેટલી સહજ રીતે ડાળ પર પાંગરે છે, એટલી સહજતાથી તેમની કવિતામાં પ્રકૃતિ પાંગરી છે. 12 ઑક્ટોબર 1912ના રોજ ભાવનગરમાં જન્મેલા આ કવિએ માત્ર બે જ કાવ્યસંગ્રહો આપીને ગુજરાતી ભાષામાં પોતાનું સ્થાન કામયી કર્યું છે. એક સંગ્રહ છે, ‘બારી બહાર’ અને બીજો, ‘સરવાણી’. બારી બહાર તેમણે જે દૃશ્યો જોયાં અને હૃદયે જે અનુભવ્યું તેની સરવાણી તેમણે કાવ્યરૂપે વહાવી છે. એમનાં કાવ્યો સંખ્યાની ર્દષ્ટિએ અલ્પ હોવા છતાં ગુણવત્તાની દ્રષ્ટિએ ઘણાં મહત્વનાં છે. તેમણે બાળવાર્તાઓ, અનુવાદ અને ગદ્યમાં પણ થોડો ઘણો હાથ અજમાવ્યો હતો. પણ કવિતામાં તેઓ સવિશેષ ખીલી શક્યા. અંધકારને ખૂશ્બોભર્યો બનાવનાર આ કવિની આજે પૂણ્યતિથિ છે. 2 જાન્યુઆરી 1962ના રોજ તેમણે આ ફાની જગતમાંથી વિદાય લીધી. તેમની પૂણ્યતિથિએ તેમને લાખ લાખ વંદન.

અંધારા વિશેની રાજેન્દ્ર શુક્લની એક સુંદર રચનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો.
આ પોઠ ભરીને આવ્યું રે અંધારું લ્યો.

કોઇ લિયે આંજવા આંખ,
કોઇ લિયે માંજવા ઝાંખ;
અમે તે ઉંબરમાં ઉતરાવ્યું રે અંધારું લ્યો.
અમે તો આંગણામાં ઓરાવ્યું રે અંધારું લ્યો.

એના અડ્યા આભને છોડ;
એવા અડ્યા આભને કોડ –
અમે તો મુઠ્ઠી ભરી મમળાવ્યું રે, અંધારું લ્યો.
અમને ભોર થતાં લગ ભાવ્યું રે, અંધારું લ્યો.

– રાજેન્દ્ર શુકલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો