હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ​

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ;
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ;
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ;
સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ!

અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે!
ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે!
વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!
અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!

પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું;
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું-
અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!
દુવા માગી રહ્યું, જો, સૈન્ય અમ તત્પર ઊભેલું!

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે;
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?;

– ઝવેરચંદ મેઘાણી

આ કવિતા પાછળ એક ભવ્ય ઇતિહાસ છે. વાત છે 28 એપ્રિલ 1930ની. સ્થળ છે ધંધુકા ખાતેની અદાલત. કોઈ ભૂલને લીધે જોધાણીને બદલે મેઘાણી થઈ ગયું છે અને રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદને મેજિસ્ટ્રેટ ઈસાણી સમક્ષ કઠેડામાં ઊભા કરવામાં આવ્યા છે. ધંધુકાના નામી-અનામી લોકો ચુકાદો સાંભળવા માટે હકડેઠઠ ભેગા થયા છે. કેમ કે આ ઘટનાના થોડા દિવસો પહેલાં જ, 6 એપ્રિલ 1930ના રોજ મેઘાણીનો માત્ર 30 પાનાંનો દેશભક્તિનાં કાવ્યોને સંગ્રહ ‘સિંધૂડો’ પ્રકાશિત થઈ ચૂકેલો. સવિનય કાનૂનભંગની ચળવળ પણ તે જ દિવસથી શરૂ થયેલી. બ્રિટિશ સરકાર જાગે અને જપ્તી જાહેર કરે તે પહેલાં તો તેમાંની ઘણીખરી નકલો વેચાઈ ગઈ હતી. મેઘાણીનું શૌર્ય ગીતોરૂપે જનજન સુધી પહોંચી રહ્યું હતું. દેશમાં ચારે તરફ આઝાદીની હાકલ પડી રહી હોય ત્યારે મેઘાણી જેવો કવિ શાંત શાને બેસે? ‘સિંધૂડા’નું શૌર્ય લોકોના ચિત્તને ઘમરોળી રહ્યું હતું ત્યારે ગુજરાતના લાડીલા કવિ સામે આરોપનામું થઈ રહ્યુ હતું! લોકો ઊભા પગે જોઈ રહ્યા છે કે શું ચૂકાદો આવે છે!

મેજિસ્ટ્રેટ ઇસાણીસાહેબે મેઘાણીને પોતાનો બચાવપક્ષ રજૂ કરવા કહ્યું ત્યારે કદાચ મેઘાણીના ચહેરા પર એક આર્દ્ર વેદના ઊપસી આવી હશે. એટલે જ તેમણે બચાવનામું આપવાને બદલે ગીત રજૂ કરવાનું પસંદ કર્યું. નવાઈની વાત તો એ હતી કે મેજિસ્ટ્રેટે પણ ગીત રજૂ કરવાની પરવાનગી આપી. મેઘાણીના હૈયામાં વલોવાતી પીડા મુખ સુધી પહોંચી અને જાણે હજારો વર્ષની જૂની વેદનાઓ જાણે એક સાથે પ્રગટી ઊઠી. અદાલતના કઠેડામાં ઊભેલા મેઘાણીનું માત્ર મુખ નહીં, રૂંવેરૂંવું ગાઈ રહ્યું હતું. એ સ્વરમાં હજારો લોકોની કકડતી આંતરડીનો આર્તનાદ હતો; કલેજા કંપાવતી આકરી વેદના હતી, મરેલાનાં રુધિર અને જીવતાનાં આંસુઓનું સમર્પણ હતું. મા ભોમની આઝાદી કાજે આદરેલા યજ્ઞમાં બલિ આપવાની ઉત્કંઠા હતી. સ્વાધીનતાની સડક પર ખુંવાર થવાનું ખંત હતું. ગમે તેવી આકરી પરીક્ષાના તાવડે તપવાનો તલસાટ હતો.

અને આ તલસાટે એવી અસર કરી કે ગીતનો પહેલો અંતરો પૂરો થતા સુધીમાં તો લોકોના હૈયાં દ્રવી ઊઠ્યાં. બીજા અંતરા સુધીમાં તો દ્રવેલાં હૈયાંનું પાણી આંખો સુધી પહોંચી ગયું. ત્રીજા અંતરે તો ત્યાં ઊભેલા લોકો ચોધાર આંસુએ રડી પડ્યાં. લોકો તો ઠીક સ્વયં મેજિસ્ટ્રેટની આંખો પણ મેઘાણીના આર્તનાદથી ભીની થઈ ગઈ. લોકો ધ્રૂસકે ચડ્યાં.
એક કવિ કઠેડામાં ઊભો રહીને ગાતો હોય, સેંકડો લોકે ભીની આંખે તેને સાંભળી રહ્યાં હોય તે દૃશ્ય જ કેટલું દિવ્ય છે. આજે આપણે મેઘાણીને વંદન કરીએ છીએ, તેમનાં કાર્યોનું ગૌરવ લઈએ છીએ, કેમકે તેની માટે તેમણે આકરું બલિદાન આપ્યું છે. લોહી અને પરસેવો એક કર્યો છે. ‘પહાડનું બાળક’ કે ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાતા આ સર્જકનું સ્થાન ગુજરાતી ભાષામાં ગિરનાર જેટલું ઊંચું છે. કવિ, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, પત્રકાર, સંશોધક એમ સાહિત્યનો એકે ખૂણો તેમનાથી વણસ્પર્શ્યો નથી. સોરઠ ભૂમિમાં ધરબાઈને પડેલી અનેક લોકગાથાઓ તેમની કલમે ચડીને અમર થઈ ગઈ. માત્ર ગુજરાત જ નહીં, ભારત અને વિશ્વભરમાં તેના ખંત, ખમીર અને હીર પહોંચ્યા. તેમના શબ્દોમાં રહેલા શૌર્યએ અનેક લોકોમાં જોમ અને જુસ્સો પૂર્યો. તેમણે પાળિયાને બેઠા કરવાનું કામ કર્યું. આ કવિતા તેની સાક્ષી પૂરે છે.

ગુજરાત સરકાર મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે ચોટલામાં તેમનું સ્મારક કરે અને મેઘાણીનું સમગ્ર સાહિત્ય વેબસાઇટ દ્વારા ઉપલબ્ધ કરાવે તે મેઘાણીપ્રેમી અને ગુજરાતીઓ માટે હરખનાં સમાચાર છે. ઉપર આપવામાં આવેલી અધૂરી કવિતાની બાકીની પંક્તિઓ સાથે લોગઆઉટ કરી મેઘાણજીને વંદન કરીએ.

લોગઆઉટ​​​

જુઓ આ, તાત! ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,
જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,
જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા:
સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!

ભલે હો રાત કાળી - આપ દીવો લૈ ઊભા જો!
ભલે રણમાં પથારી-આપ છેલ્લાં નીર પાજો!
લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!

તૂટે છે આભઊંચા આપણા આશા-મિનારા,
હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા,
સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા.
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.

– ઝવેરચંદ મેઘાણી

2 ટિપ્પણીઓ: