ક્યારેક એક કવિતા આખી જિંદગી બદલી નાખે!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

જનમોજનમની આપણી સગાઈ
હવે શોધે છે સમજણની કેડી,
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી.

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન,
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન?
મંજિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડમાંડ ગોઠવી શક્યો,
પણ ખરી પડ્યો એનોય રાગ.
ઊડતાં પતંગિયાંઓ પૂછે છે ફૂલોને
તારી સુગંધને ક્યાં વેરી?

– મેઘબિંદુ

મેઘબિંદુનું પૂરું નામ મેઘજી ખટાઉ ડોડેચા. મૂળ વતન કચ્છ. 9 ડિસેમ્બર, 1941ના રોજ કરાંચીમાં જન્મેલા આ કવિનું ગયા મહિને 2 ઓગસ્ટ 2021ના રોજ નિધન થયું. કરાંચીથી સ્થળાંતર કરી મુંબઈ આવી વસ્યા. એસએસસી સુધી અભ્યાસ કરી ઓક્ટ્રોય ક્લાર્ક તરીકે નોકરી સ્વીકારી, પણ હૈયામાં કવિતાનો કલરવ થતો રહ્યો. સ્કૂલના સમયથી જ હૃદયભૂમિ પર શબ્દોની સુગંધ ફોરવા માંડેલી. અક્ષરની આંતરિક ઉજવણીમાં તેમને ગીત, ગઝલ, અછાંદસ જેવી રચનાઓ સાંપડી. પણ તેમની કલમને ગીત વિશેષ ફાવ્યાં.

એક કવિતા ક્યારેક જીવનની નોખી જ કેડી કંડારી નાખે ને ખબર પણ ન પડે. મેઘબિંદુની એક કવિતાને લઈને પણ આવું જ થયેલું. ગુજરાતી સુગમસંગીતના સૌરભ જગતભરમાં વહેંચતી ફરતી સંગીતબેલડી પુરુષોત્તમ ઉપાધ્યાય-હંસા દવે અમેરિકાપ્રવાસે હતા. ત્યાંના ડલાસ શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન હંસાબહેને કવિ મેઘબિંદુની ઉપરોક્તની રચના ભાવસભર રીતે રજૂ કરી. ગીત પૂરું થયું એટલે સ્વાભાવિકપણે શ્રોતાઓએ હથેળીઓ દ્વારાં તાળીઓનાં તળાવ છલકાવ્યાં. ગાનાર ને સાંભળનાર રુંવેરુંવે ભીનાં થયાં. પણ ખરું કૌતુક તો કાર્યક્રમ પૂરો થયો ત્યારે થયું. એક દંપતી પુરુષોત્તમભાઈ અને હંસાબહેનને મળવા આવ્યું. ભીની આંખે અને ગળગળા સાદે તેમણે કહ્યું, “સાહેબ, અમારી વચ્ચે આઠ વર્ષથી અબોલા હતા. બાળકોને ખાતર જ એક છતનું શરણ લેતા હતા. ગમે ન ગમે પરાણે એકપંથે ચાલતા હતા. સાથે હોવા છતાં પાસે નહોતા. પણ આજે તમે ‘જનમોજનમની સગાઈ’વાળું ગીત ગાયું તો અમારા અબોલાનાં તાળાબંધ બારણાં ઉઘડી ગયાં. તેની અસર અમારા મનમાં એવી થઈ છે કે આજથી જ અમે સાથે રહીને સુખ શોધવાનું નક્કી કર્યું છે.” આટલું સાંભળીને હંસાબહેન બોલી ઊઠ્યાં, “અમારા માટે આથી મોટો પુરસ્કાર બીજો ક્યો હોઈ શકે?”

‘આપણા અબોલાંથી ઝૂર્યા કરે છે હવે આપણી બનાવેલી મેડી.’

આ પંક્તિ ગવાતી હશે ત્યારે પેલા દંપતીના ચિત્તમાં કેટકેટલા વસવસાઓ વમળ ખાતા હશે! જાણ્યા-અજાણ્યા વલોપાતના વહાણ મનમાં આમથી તેમ અથડાતા-કૂટાતા હશે. પણ કવિતાનું કૌવતે આ વહાણને કાંઠે લાંગરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી. આ દંપતીએ અબોલાથી ઝૂર્યા કરતી મેડીને મહેકાવવાનું નક્કી કર્યું. કેવો કવિતાનો પ્રભાવ!

પણ આ વાત હજી અહીં પતી નથી જતી. રસપ્રદ વળાંક હજી બાકી છે.

અમેરિકા-પ્રવાસની ઘટના બાદ આશરે દસેક વર્ષ પછી આ જ સંગીતબેલડીનો કાર્યક્રમ અમદાવાદમાં ટાઉનહોલ ખાતે હતો. કાર્યક્રમમાં તેમણે ફરી ‘જનમોજનમની આપણી સગાઈ’ રચના રજૂ કરી. શ્રોતાઓ ફરીથી એ જ ભાવમાં રસતરબોળ થયા. હંસાબહેનથી સહજભાવે પેલી ઘટનાનો ઉલ્લેખ થઈ ગયો કે થોડાં વર્ષો પહેલાં અમેરિકામાં આવું થયેલું. પણ ત્યાં તો ઓડિયન્સમાંથી તરત એક બહેન ઊભા થયાં. ગદગદ કંઠે બોલી ઊઠ્યાં કે, “તમે જે વ્યક્તિનો ઉલ્લેખ કરો છો તે હું પોતે જ છું! અમે અમેરિકાથી થોડા સમય માટે અમે અમદાવાદ આવ્યાં છીએ. છેલ્લાં દસ વર્ષથી સાથે રહીને સુખમય સહજીવન ગાળી રહ્યાં છીએ.” તેમના હૈયામાંથી નીકળતા એ સુરમાં કવિતા ગાનાર અને લખનાર પ્રત્યે વણકથ્યો આભાર હશે, તેમાં કોઈ બેમત નથી. કાવ્યની એકાદ પંક્તિ ક્યારેક નિરાશાના ઘોર નર્કમાંથી ઉગારી લે છે. ક્યારેક તોફાને ફસાયેલાં વ્હાણને કિનારે લાંગરી દે છે. કાળના કળણમાં ફસાયેલા માણસને દોરડું આપીને ઊગારી લે છે. કવિના શબ્દની આ જ તો કમાલ છે!

કવિ મેઘબિંદુના દૈહિક અંશે આપણી વચ્ચેથી વિદાય લધી, પણ તેમનો અક્ષરદેહ હંમેશાં ગુજરાતી ભાષાને અજવાળતો રહેશે. રચનાઓ ગવાતી રહેશે. તેમની કલમચેતનાને વંદન કરી તેમની જ રચનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ:

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ
લાગણીનાં દોરડાં ઘસાયાં!
વાતોની વાવનાં ઊતરી પગથિયાં
પાણી પીધું ને ફસાયા!

કેટલીય વાર મારી ડુબેલી ઇચ્છાને
નીંદડીથી કાઢી છે બ્હાર,
ગોબા પડેલી ખાલી ગાગરનો
મને ઊંચકતા લાગે છે ભાર,
નીર્જન આ પંથે સાવ ધીમી ચાલુ
તોયે સ્મરણોનાં નીર છલકાયાં.

આફવાઓ સુણી સુણીને મને રોજરોજ,
પજવે છે ઘરના રે લોકો,
એકલી પડું ત્યારે આંસુંના સથવારે
હૈયાનો બોજ કરું હલકો,
એક પછી એક ગાંઠ વધતી રે જાય
ને લાગણીનાં દોરડાં ટુંકાયાં!

– મેઘબિંદુ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો