અફઘાની કવયિત્રીનું આક્રંદ!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ​

ઓ વિસ્મૃતિના પહાડોમાં ખોવાયેલા મારા લોકો,
અરે મારાં રત્નો-ઝવેરાતો!
કેમ આ શાંતિના કીચડમાં સૂતાં છો તમે?
અરે મારી જનતા, તમારી યાદો ગુમ થઈ ચૂકી છે,
તમારી પેલી હલકી નીલી આસમાની યાદો!
આપણા મગજમાં કીચડ ભરાઈ ગયું છે,
અને વિસ્મરણના સમુદ્રનાં મોજામાં ગાયબ થઈ ચૂક્યા છો તમે.
ક્યાં ગઈ તમારી પેલી વિચારધારા?
ક્યાં ગયા તેજ-તર્રાર વિચારો?
કયા લુંટારાએ લૂંટી લીધા સાચા સોનાના આ ચરુ?
જે તમારા સપનામાં સચવાયેલો હતો.
આંધી-તોફાનની આ વેળા છે,
આ જ તોફાનમાંથી પીડા અને દમન પેદા થયા છે,
ક્યાં છે તમારું પેલું જહાજ?
ચાંદીનું બનેલું ચંદ્રયાન ક્યાં ગયું?

આ આકરી ડંડી પછી જે મૃત્યુને જન્મ આપે છે
જો સમુદ્ર ગાઢ નિદ્રામાં પોઢી જશે
અને નિર્જીવ તથા નિસ્પંદ થઈ જશે,
જો વાદળો નહીં ખોલે હૃદયમાં જામેલી ગાંઠ,
જો ચાંદની સ્મિત નહીં કરે
અને પોતાને પ્રેમ નહીં વહેંચે
જો પર્વતોનું સખ્ત હૃદય પીગળશે નહીં
અને તેની પર હરિયાળી નહીં છવાય
તો શું તમારું નામ પહાડોની ઉપર સૂરજની જેમ ચમકે
એવું ક્યારેય થઈ શકશે?

શું તમારી યાદો ફરી પેદા થશે?
તમારી હલકી નીલી, આસમાની યાદો?

પૂરના પાણીથી ઘેરાયેલી
માછલીની આંખોમાં
જુલમ અને દમનનો ડર છે
શું આ આંખોમાં ફરી આશાની ચમક આવશે?

ઓ વિસ્મૃતિના પહાડોમાં નિર્વાસિત મારા લોકો!

– નાદિયા અંજુમન

અફઘાની સ્ત્રીની હાલત બદથી બદતર છે. આવા સમયમાં એક સ્ત્રી કવિતા લખે, પોતાની પર થોપવામાં આવેલા તાલીબાની કાયદાની ઉપરવટ જઈને શબ્દમાં સહારો શોધે, એ તો બંદુક સામે કલમ ઉપાડ્યા જેવું ગણાય. કવિ તો તોપના નાળચામાં પંખી માળો બાંધી શકે તેટલી શાંતિ ઝંખતો હોય છે. પણ વિધ્વંશકોને તોપનાં નાચળા નવરાં નથી પડવા દેવા. પોતાના દ્વેષથી તેમાં આગ સતત ભભૂખતી રાખવી છે. આવા દ્વેષનો ભોગ હંમેશાં નિર્દોષ બનતા હોય છે.

નાદિયા અંજુમનનો જન્મ અફઘાનિસ્તાનના હેરાત શહેરમાં 1980માં થયો હતો. 1995માં તાલીબાને હેરાત પર કબજો કર્યો. તાલીબાની રાજમાં મહિલાની પાંખોને પીંજરું મળ્યું, અને પગને બેડી મળી. છોકરીઓને શાળાશિક્ષણ બંધ કરાવવામાં આવ્યું. પણ નાદિયા એમ ગભરાય તેવી નહોતી. તેણે અન્ય સ્થાનિક મહિલાઓ સાથે મળીને હેરાત વિશ્વવિદ્યાલયના પ્રોફેસર મોહમદ અલી રહિયાબ દ્વારા ચલાવવામાં આવતા છુપી શાળામાં ભણવાનું શરૂ કર્યું. અહીં તેને સાહિત્યની અનેક નવી કેડીઓ મળી. તેની પીંજરામાં કેદ થયેલી પાંખો આકાશમાં ઊડવા માટે છટપટવા લાગી. તેની છાતીમાં કવિતાની કૂંપળો ફૂટવા લાગી. વિચારોનું વન તેની અંદર ઊભું થવા માડ્યું. તેણે કવિતાનો માર્ગ અપનાવ્યો. તાલીબાની રાજમાં કવિતા! અને એ પણ એક સ્ત્રી દ્વારા! એ તો ક્યાંથી સહન થાય? પણ બંદૂકના દારૂખાના સામે કલમની શાહી વધારે તીવ્ર થતી ગઈ.

નાદિયાએ કવિતાઓ લખી. સંગ્રહ પણ છપાયો. જેમાં થોડીક ગઝલો અને નઝમો હતી. આ રચનાઓએ તેને ઘણી શોહરત આપી, અને મોત પણ આપ્યું. કેમ કે તેણે લખવાની ગુસ્તાખી કરી હતી. તેની સૌથી મોટો ગુનો જ કદાચ અફઘાનિસ્તાનમાં જન્મ અને તાલીબાની રાજમાં કવિતા લખવાનો હતો. નાદિયાને કવિતાથી મળેલી શોહરતને તેના પતિ અને સાસરિયાઓ પોતાનું ઘોર અપમાન ગણ્યું. તેના પતિએ તેને એટલી બધી મારી કે તે મારથી જ તેનું અવસાન થયું. કહેવાય છે કે તેને મારતા-પીટતા પહેલાં તેને ઝેર આપી દેવામાં આવ્યું હતું. સત્યને હંમેશાં ઝેર પીવું પડે છે. જેમ સુકરાતે પીધું હતું. જેમ મીરાને ઝેરનો પ્યાલો મોકલાયો. પણ તેનું રક્ષણ કરવા માટે કૃષ્ણ હતા, ઝેરનો પ્યાલો અમૃત બની ગયો. નાદિયાનું રક્ષણ કરનાર કોઈ વાંસળીવાળો નહોતો. તેની આસપાસ તો બંદુકવાળાઓ હતા. ધાંય...ધાંય... વચ્ચે ક્યાં સંભળાય વાંસળીની સુરાવલીઓ...? કવિતાની બંદિશો...? પણ એક સાચો કવિ કદી કલમ સાથે બેવફાઈ કરે ખરો? મૃત્યુના ભયથી એ કલમ સંતાડવાની ગુસ્તાખી તો ન જ કરે!

ઉપરની કવિતામાં તમને નાદિયાનું આક્રંદ દેખાશે. ફરિયાદ સંભળાશે. અત્યાચાર, દમન, પીડાની સામે ઊંચો થતો સાદ સંભળાશે. તે પ્રશ્ન કરે છે પોતાના સમયમાં જીવતા લોકોને કે ક્યાં ગઈ આપણી વિરાસત? આપણી સંસ્કૃતિ હારી ગઈ આ તાલીબાનીપણા સામે? બાન થઈ ગઈ આપણી નૈતિકતા? કવિ પ્રશ્ન પૂછીને ગાઢ ગુલામીમાં સૂતેલાને જગાડવા મથે છે. 1980માં જન્મી 2005માં તો નાદિયા ચાલી ગઈ. પણ આ દરમિયાન અનેકના સૂતેલા માંહ્યલાને જગાડતી ગઈ. તેમની એક અન્ય રચનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ​​

હું કોઈ ચીનારનું નાજુક વૃક્ષ નથી
કે હલી જાઉં હવાની જરાશી લહેરથી
હું એક અફઘાની નારી છું,
તેનો મર્મ માત્ર ચિત્કારથી પામી શકાય છે!

– નાદિયા અંજુમન

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો