લાડકવાયા વીરા, તારા રામ રખોપા કરે!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ​

ભરઉનાળે તારા પથ પર ઝરમર ઝાકળ ઝરે,
લાડકવાયા વીરા, તારા રામ રખોપા કરે.

રાખડીએ ગુંથ્યા છે હરખે, મેં મારા ઉમળકા,
સપનામાં પણ તારા હૈયે પડે નહીં ઉજરડા.
હસી ખુશીના હિલ્લોળા હો હર પળ તારા ઘરે.
લાડકવાયા વીરા, તારા રામ રખોપા કરે.

તારા ઘરની આજુબાજુ ફરકે ના કોઈ રોગ,
તારે ભાણે ભરચક હોજો કાયમ છપ્પન ભોગ,
તારે આંગણથી ના કોઈ ઠાલુ પાછું ફરે.
લાડકવાયા વીરા, તારા રામ રખોપા કરે.

પરસેવામાં ઝબકોળી તું પહેલાં કરજે શુદ્ધિ,
અભરે ભરજે તારા ઘરમાં એવી તું સમૃદ્ધિ,
તારા ઘરમાં શુભલક્ષ્મીજી સદા બેસણાં કરે
લાડકવાયા વીરા, તારા રામ રખોપા કરે.

– કિશોર બારોટ

બહેન બાળપણથી સેકન્ડ રહેતા શીખી જાય છે. ઘરમાં કંઈ પણ વસ્તુ આવે તો પહેલો હિસ્સો ભાઈનો છે એવો વણસમજાવ્યો નિયમ બહેન પાળવા લાગે છે. રમતોથી લઈને રમકડાંઓ સુધી, નાસ્તાથી લઈને કપડાં સુધી, સામાજિક મેળાવડાથી લઈને પારિવારિક પ્રસંગો સુધી, બધે જાણે-અજાણે બહેન પોતાને બીજા ક્રમે રાખતા શીખી જાય છે. આમાં ઘણા અંશે આપણી માનસિકતા જવાબદાર હોય છે, અને ઘણા અંશે બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ પણ! ઘણા પરિવારમાં કંઈ પણ હોય તો ‘ભાઈને પ્રથમ’ એવું નથી હોતું, તેમાં બંનેનો સરખો હિસ્સો હોય છે. જ્યારે અમુક પરિવારોમાં બહેનનો હિસ્સો પ્રથમ હોય છે. એકને વધુ બીજાને ઓછું એવું શા માટે?

આપણે ત્યાં ભાઈબહેનના પ્રેમનો ઉત્સવ ઉજવવામાં આવે છે. બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે. આ રાખડી તો પ્રતીક છે, તેમાંથી જાદુઈ કિરણો નીકળીને એ ભાઈનું રક્ષણ નથી કરવાના! પણ હા, બહેને ભાઈના કાંડા પર બાંધેલા એ રાખડીરૂપી દોરામાં બહેન પોતાના પ્રેમનું આરોપણ કર્યું છે. તેમાં બહેનની ભાઈ પ્રત્યેની શ્રદ્ધા નિરૂપાઈ છે. એ શ્રદ્ધામાં એક છુપી જાદુઈ ઊર્જા હોય છે. આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે મંદિરમાં રહેલી મૂર્તિને ઈશ્વર માની લઈએ છીએ. આપણને બધાને ખબર હોય છે કે મૂર્તિ એ ઈશ્વર નથી. એક સમયે આ મૂર્તિ એક પથ્થર હતો. કોઈ કારીગરે તેને કંડારી ચોક્કસ આકાર આપ્યો છે. આપણે અંદરખાનેથી આ સત્ય જાણતા હોવા છતાં મૂર્તિને ઈશ્વરનો દરજ્જો આપીએ છીએ. કેમ? કેમ કે આપણે તેમાં આપણી શ્રદ્ધાનું આરોપણ કરીએ છીએ. લોકો દૂરદૂરથી ચાલીચાલીને ડાકોર, સોમનાથ, ચોટીલા જેવાં મંદિરોએ જતાં હોય છે. મુસ્લિમબંધુઓ મસ્જિદો, દરગાહોના દર્શને જતા હોય છે. તેનું કારણ શું? કારણ કે ત્યાં તેમની શ્રદ્ધા રોપાયેલી છે. એ શ્રદ્ધા જ ઈશ્વર છે. બાકી તો જે તે વસ્તુઓ છે, જગ્યાઓ છે, સ્થાનો છે.

ભાઈબહેનના પ્રેમમાં પણ આવું જ છે. બહેન ભાઈના કાંડે બાંધેલી રાખડીમાં પોતાના પ્રેમની ઊર્જા રેડે છે. એ વખતે માત્ર એક સામાન્ય દોરો હાથે નથી બંધાતો હોતો, બહેનના હૈયામાંથી ઊભરાતી લાગણી ગૂંથાતી હોય છે. કદાચ, આવા પવિત્ર પ્રેમના ભાવને પામીને જ કવિ કિશોર બારોટે આ કવિતા રચી છે. જીવનના વિકટ સમયમાં ભાઈનું હરહંમેશ રક્ષણ થતું રહે, ઈશ્વર તેના રખોપા કરે તેવી ભાવના પેલા દોરામાંથી નીતરે છે. રાખડીમાં બહેનના ઉમળકા હોય છે, ભાઈનાં સપનાંઓ નવપલ્લવિત થાય તેવી આશાયેશ હોય છે, તેના શરીર અને મનનું સ્વાસ્થ્ય સારું રહે તેવી ભાવના હોય છે. ભાઈનું સુખ જોઈને બહેનની આંખડી ઠરે છે.

બાકી, ઘણા ભાઈઓએ જરા અમથી પ્રોપર્ટી માટે બહેનને એટલું વીતાડ્યું હોય છે કે જે કાંડે બહેને રાખડી બાંધી હતી તે હાથે જાકારો પામીને તેના કાળજે ચીરા પડતા હોય છે. ભાઈ પણ રાખડી બાંધનાર બહેન સાથે આંખડી મેળવી શકતો નથી. શરમથી માથું જુકી જાય છે. રક્ષાબંધનમાં ભાઈબહેનના પ્રેમની મીઠી મીઠી વાતો કરતા આપણે સહુએ સમાજમાં પ્રવર્તતી કડવાશો સામે પણ નજર નાખતા રહેવું જોઈએ. આવી કડવાશો જોઈને કમસેકમ આપણે એટલું તો શીખવું જ જોઈએ કે આપણે શું ન કરવું! બને તો આવું ક્યાંય થતું હોય, અને આપણાથી તે અટકાવી શકાતું હોય તો અટકાવવું પણ ખરું. ત્યારે જ હાથે બંધાયેલી રાખડીનું તેજ હૈયા સુધી પહોંચશે.

બહેન ભાઈના કાંડે રાખડી બાંધી તેના રક્ષણની ઝંખના રાખે ત્યારે ભાઈએ પણ રાખડી બાંધનારી બહેનની આંખડી ભીની ન થાય તે જોવું જોઈએ.

લોગઆઉટ

મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી;
હે પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.

છે પિતા થડ જેમ, માતા ડાળખી, હું પાન છું;
બ્હેન તું તો સાવ નાજુક ફૂલની એક પાંખડી!

કોક દી ચશ્માં બની દુનિયા બતાવી બ્હેન તેં!
માર્ગમાં કાંટા જો આવ્યા તું બની ગઈ ચાખડી.

ઘરને લાગેલો ઘસારો દૂર કરવા માટે તેં,
માની સાથોસાથ કાયમ રાખી બાધા-આખડી.

આજ રક્ષા બંધને આ હૈયું ઊભરાઈ ગયું,
આંખમાંથી છૂટી ગઈ સૌ આંસુઓની ગાંસડી!

- અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો