નજર સામે જ ખોટું થાય તો પણ બોલવાનું નૈં

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ

લોગઈનઃ

નજર સામે જ ખોટું થાય તો પણ બોલવાનું નૈં, ભલે તારાથી ના સ્હેવાય તો પણ બોલવાનું નૈં.

અહીં ઊભી બજારે કોઈ ખેંચે દ્રૌપદીનાં ચીર, દશા તારાથી ના જોવાય તો પણ બોલવાનું નહીં.

લડે છે ગામ વચ્ચે બે વિરોધી આખલા અલમસ્ત, છડેચોકે અહમ ટકરાય તો પણ બોલવાનું નૈં.

ગુલામી ઘર કરી ગઈ છે બધાની વારસાઈમાં, ફરીથી દેશ આ લૂંટાય તો પણ બોલવાનું નૈં.

દલાલી થાય છે તાજી કળીઓની-ફૂલોની રોજ, ચમનની લાગણી દુભાય તો પણ બોલવાનું નૈં.

જગતના જીવતા તીરથ સમાં માબાપ દુઃખી છે, ને પથ્થર ગોખલે પૂજાય તો પણ બોલવાનું નૈં.

સફર સાગરની ખેડો તો સહન કરવાં પડે વિઘ્નો, લહર છાતી ઉપર અથડાય તો પણ બોલવાનું નૈં.

- રાકેશ સગર ‘સાગર’

સ્કૂલમાં વિદ્યાર્થીને એક વાક્ય ઘણીવાર કહેવામાં આવે છે – અદબ, પલાંઠી મોં પર આંગળી! અત્યારે આખો દેશ એક મોટા ક્લાસરૂમ જેવો છે અને માનનીય શિક્ષક શ્રી આડકતરી રીતે આ જ વાક્ય ઉચ્ચારી રહ્યા છે. આંખ સામે ખોટું થતું હોય તો કોઈથી બોલાતું નથી. ‘આ જ જગતની કડવી વાસ્તવિકતા છે’ એવું કહીને ઘણા છટકી જવામાં માહેર હોય છે, પરંતુ અમુક લડી લેવાની તૈયારી પણ દાખવતા હોય છે, છતાં લડી શકતા નથી. અંદર ઉકળાટ તો પુષ્કળ ભર્યો છે, પણ એ ક્યાં ઠાલવવો? ફેસબુક પર? ટ્વિટર પર? વોટ્સએપ ગ્રુપમાં? ઘણા માણસો ઉકળાટ ભરેલા ઘડા જેવા થઈ ગયા છે, તે ઢોળાઈ રહ્યા છે. પણ ઢોળાવાનું નથી. સહન ન થાય છતાં બોલવાનું નથી!

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તેના શ્લોકો ઉચ્ચારનાર દેશમાં નારી કેટલી સુરક્ષિત છે તે આપણે બધા જાણીએ છીએ. દ્રૌપદીના ચીર મહાભારતકાળમાં જ ખેંચાતા હતાં એવું નથી. કોરોનાકાળની મહામારીમાં પણ સ્ત્રીઓ પરના અત્યાચારો તો એટલાં જ છે. આવી દશાની જાણ હોવા છતાં કોઈ કશું નથી બોલી શકતું. તેમને એવું લાગે છે કે બે મોટા આખલાની લડાઈમાં આપણે ક્યાં ચગદાઈ જવું. આવા ભયમાં એ આખલા લડતા લડતા ક્યારે આપણા આંગણે પહોંચી જાય છે તેની પણ ખબર રહેતી નથી. નવાજ દેવબંદીનો અદભુત શેર છે–

ઉસ કે કત્લ પે મૈં ભી ચૂપ થા, મેરા નંબર અબ આયા,
મેરે કત્લ પે આપ ભી ચૂપ હૈ, અગલા નંબર આપકા હૈ.

આગ મારા ઘરની નજીક ક્યાં છે તે મારે ઓલવવા જવું? આવી માનસિકતામાં ક્યારે એ આગ પવનવેગે આવીને આપણું છાપરું બાળી નાખે તેની ખબર નથી રહેતી. આ બધું જ આપણે જાણીએ છીએ, છતાં ચૂપ રહેવાનું! કેમકે આપણે ગુલામીથી ટેવાયેલા છીએ. પહેલાં અંગ્રેજો રાજ કરતા હતા, હવે આપણા સત્તાધીશો. આપણા ભાગે તો ગુલામી જ છે. સેવાભાવી અંદાજમાં ઘરેઘરને મહેકાવવાની વાત કરનાર લોકો ફૂલોના દલાલ નીકળતા હોય છે. એ તમને એમ કહે છે કે તમારાં ફળિયાનાં ફૂલો અમને આપો, અમે તમારી આખી શેરીને મહેકાવીશું. આ તો પેલા જેવી વાત છે, એક નેતા ઘેટાના ઝૂંડમાં ગયો અને કહેવા લાગ્યો, તમારું ઊન આપો, અમે તમને ધાબળા આપીશું, જેથી ભવિષ્યમાં કોઈ ઘેટું ઠંડીથી મરે નહીં. ઘેટાં બિચારાં નથી જાણતાં કે ધાબળાની લાલચમાં પોતાનું કીમતી ઊન પણ ગુમાવી બેસીશું. ભારતની પ્રજા કદાચ આ ધાબળાની ઝંખનામાં પોતાનું આંતરિક ઊન ગુમાવી રહી છે. નેતાઓ તેમની સામે આવીને ધાબળા જેવી ગરમાગરમ યોજનાઓ મૂકે છે અને ઊન ઉસેટી જાય છે, પછી પ્રજાને સંકટની ટાઢમાં ઠરવા સિવાય છૂટકો નથી રહેતો.

ઘણાં પરિવાર એવા છે કે જે માતાપિતાનો બર્થડે ઉજવવા માટે ઘરડાઘરમાં જતાં હોય છે. તેમનું માનસિક ઘર એટલું સાંકડું હોય છે કે તેમાં માતાપિતા માટે જગા નથી હોતી. ઘરમાં ભગવાન માટે આખો અલાયદો રૂમ હોય છે, જ્યાં પથ્થરની એક મૂર્તિ સામે સવાર-સાંજ ‘તું જ માતા, તું જ પિતા’ એવી પ્રાર્થના થતી હોય છે, અને ખરા માતાપિતા ઘરમાં હોવા છતાં ઠેબાં ખાતાં હોય છે.

જ્યારે મુશ્કેલ કાર્ય હાથ ધરાય ત્યારે તેમાં વિઘ્નો આવવાનાં જ છે. સાગરની સફરમાં ઘણાં મોજાં છાતીએ અથડાય તો હિંમતભેર ઝીલવાના છે, પણ કરૂણા ત્યાં છે કે આ પછડાટ સહન કર્યા પછી પણ કશું બોલવાનું નથી! કશું ન બોલવાનું કહીને કવિ રાકેશ સાગરે આપણને ઘણું બોલવા મજબૂર કરી દીધા છે. રાકેશ સગર ‘સાગર’ ઉપનામથી લખે છે. બહુ આશાસ્પદ કવિ છે. કવિતાની બારીકાઈને સમજીને તે પોતાનાં સર્જનમાં ગૂંથે છે. માણસોએ પ્રકૃતિનો કચ્ચરઘાણ વાળ્યો છે અને હવે ભોગવી રહ્યા છે, આ જ ભાવની તેમની અન્ય ગઝલ સાથે લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

ધરતીને દાસી બનાવી દીધી છે તો ભોગવો, સંસ્કૃતિ ખૂંટે ચડાવી દીધી છે તો ભોગવો.

શ્વાસ પણ યંત્રો વગર તાજા મળી શકતા નથી, ચોતરફ ભીંતો ચણાવી દીધી છે તો ભોગવો.

આંગણામાં પાન બહુ ખરતાં હતાં એ વટ ઉપર, ઝાડની ડાળી કપાદી દીધી છે તો ભોગવો.

પીપડો, વડ, જંગલોના આપણે પૂજક છીએ, લોભની કરવત ચલાવી દીધી છે તો ભોગવો.

ઘર ઘણાનાં બંગલાના નામથી પ્રચલિત થયાં, ઈંટ સોનાની બનાવી દીધી છે તો ભોગવો.

આપણા પાપો જ ડુબાડી શકે છે ધરતીને, નાવ સાગરમાં તણાવી દીધી છે તો ભોગવો.

- રાકેશ સગર ‘સાગર’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો