આવા ફોટા પડાય?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ

લોગઈનઃ

એય.... બંધ કર... આવા ફોટા પડાય?
આ લોકો જુએ તો... જોઈને બિચારા દુઃખી થાય...
કોઈ કવિને કવિતા સૂઝી જાય...
ના, ના, ફોટાવાળા તારે આવા ફોટા ન પાડવા જોઈએ...
તારે તો ઉદઘાટનો, ચૂંટણીઓ,
ખીચોખીચ ભરેલા મેદાનમાં રમાતી રમતો,
કોઈ નેતાના બુશકોટની સાળપકડી જતી
આંધળી, બહેરી, ભૂખી, વિચારહિન,
કાટ ખાઈ ગયેલી લોકશાહીના ફોટા પડાય!
સાલા, હરામખોર...
સસ્તી પ્રસિદ્ધિ માટે આવા ફોટા પાડતા તને લાજ ન આવી?
તને એમ કે હું મારું કર્મ કરું, કાં?
કર્મની કોઠી!
તારા આવા કર્મને લીધે મારી ભોળી ગભરુ પ્રજા
કેટલી ડરે છે એનું ભાન છે તને?
લાવ, તારો કેમેરો જ તોડી નાખું!
કડાક..!
લે પાડ ફોટા!

- વિપુલ પરમાર

અત્યારે ભારતભરમાં સૌથી વધારે કોઈ વગોવાઈ રહ્યું હોય, તો એ સરકાર છે. આ જ સરકારે ભરપૂર વખાણ પણ માણ્યાં છે. ઠેરઠેર બહુમતીથી જિતેલી સરકારને વગોવણીમાં પણ બહુમતી મળી છે. કોરોનાની મહામારી દિવસે ન વધે તેટલી રાતે, ને રાતે ન વધે તેટલી દિવસે વધે છે. તેના વધતા કેસોએ વિશ્વના રેકોર્ડ્સ આપણા નામે કરી લીધા છે. ઠેરઠેર સારવાર માટે તરફડતા માણસો, ઓક્સિજનના અભાવે એકએક શ્વાસ માટે વલખાં મારતા દર્દીઓ, પૂરતી કાળજી વિના ટળવળતી પ્રજા, સમયસર દવા અને સેવાનો અભાવ, ઇન્જેક્શન્સ અને રસીના નામે ચાલતા ધાંધિયા.... આ બધામાં પ્રજા ગોથાં ખાઈ રહી છે. તંત્રના જડ નિયમો તળે કચડાઈ રહી છે. દરરોજ છાપાઓમાં, ટીવીઓમાં સ્મશનમાં બળતાં શબો અને હૉસ્પિટલમાં ટળવળતા દર્દીઓને જોઈને ભલભલાના કાળજાં કંપી જાય તેવું વાતાવરણ સર્જાયું છે. ઘણા પત્રકારો અને તસવીરકારો પોતાના જીવના જોખમે પણ સમગ્ર ઘટનાને પોતાની છબીમાં ક્લિક કરી રહ્યા છે. સાથેસાથે જરૂરિયાતમંદોને પોતાનાથી બનતી મદદ કરવા પ્રયાસો કરે છે. આવી સ્થિતિમાં વિપુલ પરમારે એક તસવીરકારને કેન્દ્રમાં રાખીને સમગ્ર સિસ્ટમને આડે હાથે લીધી છે.

હાઈકોર્ટે થોડા સમય પહેલાં જ નિવેદન કરેલું કે ચૂંટણીપંચે આવા કપરા સમયમાં ચૂંટણી યોજવાની મંજૂરી આપી, તેથી તેની સામે માનવહત્યાનો ગુનો શા માટે ન નોંધવો જોઈએ? સામે પક્ષે સરકારે પણ લાખોની રેલીઓ કરીને એક પ્રકારની હિંસા જ આદરી કહેવાય ને? જ્યારે ખ્યાલ હોય કે આ ચેપી રોગ સ્પર્શમાત્રથી ફેલાય છે ત્યારે આટલા વિપુલ પ્રમાણમાં માણસો ભેગા શા માટે કરવા જોઈએ? શું નેતાઓ માટે માત્ર સત્તા જ મહત્ત્વની છે, પ્રજા નહીં?

એટલા માટે જ કદાચ આવા વિકટ સમયમાં કલાકારોએ, કવિઓએ, ફોટોગ્રાફરોએ પોતાના કાવ્યો, ફોટોગ્રાફ્સ, ચિત્રો દ્વારા તંત્રના કાન આમળતા રહેવું જોઈએ. વિપુલ પરમારે આ કામ સુપેરે કર્યું છે. આ કવિતાના કેન્દ્રમાં એક ફોટોગ્રાફર છે. તે આફત સમયે પ્રજાની હાલાકી, લાચારીને તસવીરમાં કેદ કરે છે. આવા સમયે કોઈ સત્તાધારી ત્યાં આવી ચડે છે, તેને સત્તાની નિર્માલ્યતાના ફોટોગ્રાફ લેવાતા ગમતા નથી. તે ફોટોગ્રાફરને ધમકાવે છે. કાશ, સત્તાધારી માણસ ધમકાવવામાં વપરાતી શક્તિ પબ્લિકને મદદ કરવામાં વાપરતો હોત! પણ એવું નથી થતું. તેમને પોતાની પકડ જમાવી રાખવાની હોય છે. ઘણા સરકારી કર્મચારીઓ ખડેપગે લોકોની મદદ કરવા તૈયાર હોય છે. તે રાતદિવસ નથી જોતા. તેમને ખબર હોય છે કે મારી ડ્યૂટી લોકોને બચાવવાની છે. તે પોતાના જીવની પરવા પણ કર્યા વિના કામ કરતા રહે છે. છતાં તેમના પગમાં સિસ્ટમ નામની એક સાંકળ બંધાયેલી છે. એ સાંકળના બંધિયારપણામાં રહીને તે જેટલી મદદ કરી શકે તેટલી કરે છે.

સોશિયલ મીડિયામાં કોરોનાને લઈને શેર થતા વીડિયો, ફોટોગ્રાફ્સ, કવિતા, વાર્તા, પ્રસંગો વાંચીને ઘણા માણસો ડિસ્ટર્બ પણ થઈ જાય છે. આવા સમયે અમુક માણસોએ વળી ઝૂંબેશ ઊઠાવી કે પોઝિટિવ વાતો કરો. પણ શું માત્ર પોઝિટિવ વાતો કરવાથી સ્થિતિ સુધરી જવાની છે? મદદ કરવાવાળા વાતો નથી કરતા. એ તો ચુપચાપ સેવાની સરવાણી વહાવ્યા કરે છે. તૂટતા શ્વાસોને જોડવામાં એ માણસો પડ્યા છે. રુંધાતી જિંદગી માટે રાતદિવસ બંદગી કરી રહ્યા છે. પણ અમુક લોકો સેવાના નામે પોતાનું તરભાણું ભરતા હોય છે. આવા લોકોનો કાળો ચહેરો પણ છતો થવો જોઈએ. એટલા માટે જ તસવીરકારો તેનું તથ્ય કેમેરામાં ઝીલી લે છે. પણ એ અમુક માણસોને નથી ગમતું. એમાં પોતાનો અસલી ચહેરો છતો થવાનો તેમને ભય છે. તેમને બીક છે કે આ તસવીર જોઈને કોઈ કવિનો આત્મા જાગશે અને તે સિસ્ટમ પર એક સણસણતી કવિતા લખીને પ્રજાનું સૂતેલું લોહી જગાડશે. તેમને એ નથી થવા દેવું. એ તો ઇચ્છે છે કે તેમના પ્રિય નેતાના ઉદઘાટનો, પ્રજાહિતનાં કહેવાતાં કામો, દેખાડવા પૂરતી કરેલી સેવાના ફોટોગ્રાફ લેવાય, પણ ખરો કલાકાર એવું ક્યાંથી કરે? એટલા માટે જ તેમના કેમેરાને તૂટવું પડે છે. પણ તેમની હિંમતને સત્તા નથી તોડી શકતી. ક્યાં સુધી તોડશે?

ગોરખ પાંડેએ પણ એક નાનકડી કવિતા દ્વારા સત્તાની જીહજૂરી ઊઘાડી પાડી છે. આ કવિતા તંત્ર અને સત્તાની પીઠ પર સોળ પાડી દે એવી છે. તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

રાજા બોલા રાત હૈ,
રાની બોલી રાત હૈ,
મંત્રી બોલા રાત હૈ,
સંત્રી બોલા રાત હૈ,
યે સુબહ સુહબ કી બાત હૈ!

- ગોરખ પાંડે

2 ટિપ્પણીઓ: