મહોબતની મોંઘી મિલકત આપીને એ ગયાં છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ

લોગઇનઃ

મારી બધી નસોમાં વ્યાપીને એ ગયાં છે,
કેવું મજાનું સ્થાનક સ્થાપીને એ ગયાં છે!

કેવી રીતે કહું કે શ્રાપીને એ ગયાં છે!
શાશ્વત પીડા સ્મરણની આપીને એ ગયાં છે.

આખી સફરમાં સાથે ચાલ્યા નહીં તો શું ગમ!
સંગાથે થોડું અંતર કાપીને એ ગયાં છે.

છે ખાતરી કે ચુસકી ભૂલી નહીં શકે એ,
મીઠી કડક પ્રણયની ચા પીને એ ગયાં છે.

કેવી રીતે ઉતારું હું ઋણ એમનું આ?
મ્હોબતની મોંઘી મિલકત આપીને એ ગયાં છે.

– રાજેશ હિંગુ

જિંદગી બાગ બાગ થઈ ઊઠી હોય. પ્રણયનાં પુષ્પો સોળે કળાએ ખીલ્યાં હોય. પ્રત્યેક શ્વાસ મ્હેક મ્હેક થતો હોય. આંખમાં નવરંગ સપનાંઓએ પંખીની જેમ માળા બાંધ્યા હોય. તેમના ટહુકા નજરોની ડાળીઓને નવપલ્લવિત કરતા હોય. રુંવેરુંવામાં જાણે કોઈ કળી પાંગરવાનો અહેસાસ થતો હોય. કળીને લાગણીની મીઠી હૂંફ મળતી હોય. થાય કે બસ આ જ સ્વર્ગ છે. અને પ્રણયનું સ્વર્ગ તો પ્રિયપાત્રને આધીન જ હોય ને? ધારો કે આ સ્વર્ગના રચનાર પાત્રની કોઈ કારણસર અચાનક વિદાય – ગમતો ચહેરો આંખ સામેથી અદૃશ્ય થઈ જાય, જેની વગર જિંદગી શક્ય ન હોય તેવી વ્યક્તિ જિંદગીમાંથી જતી રહે, આયખું એકાએક અંધારમાં ધકેલાઈ જાય તો શું?

પછી ઉદાસીનું કાળું મલીર ઓઢીને, સમી સાંજના ઢળતા સૂર્યમાં ગમતી વ્યક્તિ સાથેનાં સ્મરણો શોધવાના પ્રયત્નો થતા હોય છે. જિંદગીને એકવાયાપણાના ઓસાડ નીચે ઢાંકીને કોઈ ભંડકિયામાં કેદ કરી નાખવાના મનસૂબા રચાતા હોય છે. ગમતી વ્યક્તિની ગેરહાજરમાં જિંદગી ગર્તામાં ધકેલાઈ ગયાની પીડા ભોગવાતી હોય છે. આ પીડા અસહ્ય હોય, તેમાં બે મત નથી. પણ ગમતી વ્યક્તિની જવા સાથે તે ઘણું આપી જાય છે. તેના ગયા પછી તેની સાથે જીવેલી જિંદગીનું ઝવેરાત બચે છે. આ ઝવેરાત બહુ મોંઘામૂલું હોય છે. આ ધનને અવગણના કરવા જેવું નથી. આ ધનમાં મન પરોવવવા જેવું છે. જો વિતેલા દિવસોમાંથી પીડા શોધવાને બદલે ઉલ્લાસ શોધશો તો રગેરગમાં પ્રિયપાત્ર સાથે જીવાયેલી જિંદગી, લોહીમાં ઓગળીને ઝરણાં જેમ ખળખળ વહેતી અનુભવાશે. કવિ રાજેશ હિંગુએ કંઈક એવી જ વાત આ ગઝલમાં કરી છે. ગઝલમાં પ્રિય વ્યક્તિના જવાની પીડા છે, પણ પીડા હોવાનો આનંદ છે. કેમ કે ગમતી વ્યક્તિ ભલે ગઈ, પણ સ્મરણોની મોંઘી જણસ આપતાં ગયાં છે.

પ્રિય પાત્ર ચાલ્યું ગયું છે, એક રીતે એ વ્યક્તિ ગઈ નથી. તેની સતત હાજરી છે. તે મહોબતની મોંઘી મિલકત આપીને ગઈ છે. ગમતી વ્યક્તિ ગઈ, પણ પ્રત્યેક નસમાં વ્યાપીને અને ત્યાં પોતાનું સ્થાન સ્થાપીને ગઈ છે. જેમાં હવે પ્રણયનું એક અનોખું મંદિર રચાયું છે. એમનું જવું એ સ્મરણની પીડા મળવા બરોબર છે. પણ આ પીડા શ્રાપ નથી. પણ ઉલ્લાસ છે. તેમાં તો શ્રદ્ધાનો દીવો ટમટમે છે. એવી શ્રદ્ધા કે ભલે જીવનભર સાથે ન રહી શકાયું. થોડું અંતર પગલાં સાથે પગલાં મિલાવીને કાપી શકાયું. થોડા શ્વાસ સાથે શ્વસી શકાયા. સાથે ચાલવું એ પણ મોંઘી મિરાત છે. કવિએ ચાની ચુસ્કીનું પ્રતીક સરસ લીધું છે. ગમતી વ્યક્તિ પ્રણયની કડક મીઠી ચા પીને ગયા છે. અને આ ચાની ચૂસકી એ વ્યક્તિના હૃદયમાં પણ જીવનભર રહેવાની છે. આ બધી બાબતો પીડા નહીં, પણ એક રીતે આનંદ આપનારી છે. એટલે જ કવિ કહે છે કે જનારનું મારી પર ઋણ છે. એ આ બધી મહોબતની મોંઘી મિલકત આપીને ગયા છે.

આ જ કવિની મહોબતની મિલકત જેવી પ્રેમસભર ગઝલથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

દર્દ ઘોળી પી ગયો છું,
એટલે જીવી ગયો છું.

'આપ' તો 'સપનું' હતા બસ,
હું હવે જાગી ગયો છું.

પગ હજીયે છે ધરા પર,​
આભને આંબી ગયો છું.

તું ભલેને ના બતાવે,
વેદના વાંચી ગયો છું.

એટલે મસ્તી ચડી છે,
પ્રેમરસ ચાખી ગયો છું.

~ રાજેશ હિંગુ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો