મિત્રો, આપણે મળ્યા છીએ જ ક્યાં!​

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ

લોગઇનઃ

મિત્રો, આપણે મળ્યા છીએ જ ક્યાં!
તો પછી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો કશો અર્થ ખરો?
આમ તો સૂર્યનું અસ્ત થવું
પુષ્પનું ખરી જવું
ઝાકળનું ઊડી જવું
એ આગમન પછીની ક્રિયાઓ કહેવાય છે.
પણ આકાશે કદી સૂર્યના અસ્તાચળે જવાનો
તૃણપત્તીએ કદી ઝાકળના ઊડી જવાનો
વ્યક્ત કર્યો છે વિષાદ?
કારણ કે એ એકવાર પણ મળ્યા છે
તે ક્યાં કદી વિખૂટા પડે જ છે!
આથી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો અર્થ જ એ છે કે
આપંણે ક્યાં મળ્યા જ છીએ!
મળવાની પ્રથમ ક્ષણે જ વિદાયનું બીજ રોપાઈ જાય છે
એટલે વિષાદ વિદાયનો નથી,
વિષાદ તો છે આપણે મળ્યાં નથી તેનો.
અને જો મળ્યા જ છીએ
તો આપણી વચ્ચે વિદાયની કોઈ ક્ષણ જ ક્યાં છે!
કારણ કે વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છે
આથી જે એક વાર મળે છે
એ કદી વિદાય લેતો જ નથી, લેતો જ નથી, મિત્રો!

– ધીરુ પરીખ

કોરોનાના કાળમાં આપણે અનેક સાહિત્યકારોને ગુમાવ્યા, તેમાંના એક એટલે ધીરુ પરીખ. વર્ષો સુધી બુધસભાની મહેફિલને કવિતાસભર રાખનાર આ સર્જકે ‘કુમાર’ અને ‘કવિલોક’ જેવાં સાહિત્યિક સામયિકોને પણ પોતાના પરીશ્રમનું જળ સીંચીને જીવતાં રાખ્યાં. તેમની વિદાયથી બુધસભાને મોટી ખોટ પડી છે તેમાં કોઈ બેમત નથી. લગભગ 85 વર્ષથી ચાલતી બુધસભા વિશ્વસાહિત્યની મોટી ઘટના કહી શકાય તેમ છે. વિશ્વની કોઈ પણ ભાષામાં આટલાં લાંબા વર્ષોથી કવિતાની આવી સભા અવિરત ચાલતી હોય તેવું જાણમાં નથી. આ સભામાંથી જ ઉમાશંકર જોશી, સુંદરમ્, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત જેવા અનેક દિગ્ગજ સર્જકો તૈયાર થયા છે. બચુભાઈ રાવતે કંડારેલી આ કેડીને ધીરુભાઈએ પૂરી માવજતથી જાળવી રાખી હતી. પોતે એક કવિ-લેખક હોવાથી સર્જનના સત્યને બરોબર પિછાણતા હતા. વિશ્વસાહિત્યના બહોળા વાંચને તેમની સમજણને સૂર્ય જેવું તેજ આપ્યું હતું. સાહિત્યની ચર્ચા તે નિષ્ઠા અને નીતિથી કરી શકતા હતા. તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી, પણ શું તે વિદાયને વિદાય કહી શકાય? તેમની ઉપરોક્ત કવિતા જોતા તેમની વિદાયને વિદાય ન કહી શકાય.

મળીને છુટ્ટા પડવું, કે શ્વાસના તાર તૂટ્યા પછી સ્વજનોથી કાયમ માટે અળગા થવું, આ તમામ ઘટના સામાન્ય સમજણ પ્રમાણે વિદાયની છે. પણ કવિ ધીરુ પરીખ આવી ઘટનાઓને વિદાયની ઘટના નથી ગણતા. અને એવા પ્રસંગો શોક પણ નથી કરતા. તેમણે ઉપરોક્ત કવિતામાં આપેલી દલીલો અસરકારક છે. સૂર્ય અસ્ત એટલે થાય છે, કેમકે તે ઊગે છે, પુષ્પ એટલે ખરે છે, કેમકે તે ખીલે છે. ઝાકળ ઘાસ પર બાઝે છે એટલે જ ઊડી જાય છે. આ બધી જ ક્રિયા આગમન થયા પછીની છે. આ ઘટનાઓ ટાળી શકાય તેવી નથી. મિલન સાથે જ વિદાયનું બીજ રોપાઈ જાય છે. પણ એ વિદાયનો શોક ન હોવો જોઈએ. આકાશ ક્યારેય સૂર્યના અસ્તનો શોક નથી પાળતું. ડાળી ફૂલ ખર્યાની ઉદાસી ઓઢી નથી લેતી. ઝાકળના ઊડી જવાથી પાંદડાંઓ ક્યાં વિષાદ વ્યક્ત કરે છે? જો વિષાદ કરવો હોય તો વિદાયનો નહીં, પણ ક્યારેય ન મળ્યાનો જ કરવો જોઈએ. મળવાની ક્ષણ સાથે જ વિદાયથી ક્ષણનો પણ જન્મ થઈ જાય છે. વિદાય એ મિલનની પરાકાષ્ઠા છે. જે એક વાર મળે છે તે ક્યારેય વિદાય લેતો જ નથી. એ હૃદયના શિલાલેખમાં સ્મરણોના અક્ષરથી હંમેશાં માટે કંડારાઈ છે.

ધીરુ પરીખની જ એક અન્ય કવિતા સાથે લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

અધખૂલી કૈં આજ સવારે
પોપટ નાનો આવી બેઠો
જી૨ણ ઘ૨-મોભારે.

આછો એવો એક ટહુકો કીધો,
વનનો આખો ઉઘાડ વેરી દીધો!

બટકેલુંયે નેવેનવું
પાંદ બનીને ફરક્યું,
વળીઓની ડાળેથી શીળું
કિ૨ણ છાનકું સરક્યું,
ભાત ભાતનાં ફૂલ પાંગર્યાં
ઈંટ ઈંટ પર,
સાવ શૂન્યનું ફળ ઝૂલતું તે
પોપટના ટહુકાએ ટોચ્યું,
ચાંદરણાંના પતંગિયાં શાં
ફૂલ ફૂલ ૫૨ ઊડ્યાં!

પલભરમાં તો
વનનો ઘેઘૂર ફાલ ઝૂમતો હેઠો,
પોપટ નાનો ઘર-મોભારે બેઠો!

– ધીરુ પરીખ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો