સાંકડી શેરીમાં આકાશ વેચવાનો પ્રયત્ન


લોગઇનઃ
સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળેલો હું!
મને સાંકડી શેરીના લોકોએ ગાંડો માન્યો,
મારો હુરિયો બોલાવ્યો,
મને ધક્કે ચડાવ્યો,
મને પથ્થર માર્યા,
મારાં લૂગડાં ફાડ્યાં,
મારી મુઠ્ઠી છોડાવવા પ્રયત્ન કર્યો,
પણ આકાશ ઓછું જ હોઈ શકે મુઠ્ઠીમાં?

બિચારા સાંકડી શેરીના લોકો!
એમને ખબર નથી
કે આકાશ કંઈ ખિસ્સામાં, પોટલીમાં કે પેટીમાં કે મુઠ્ઠીમાં આવી શકતું નથી!
આકાશ તો એમની આંખોના ઢળેલાં પોપચાં ઊંચાં કરીને હું બતાવવાનો હતો.
આકાશ તો એમને મળવાનું હતું એમનું એમ!
આકાશ વેચવાનું તો એક બહાનું જ હતું માત્ર!
પણ સાંકડી શેરીના લોકો!
મને શેરી બહાર કાઢી
સૂઈ ગયા બારી-બારણાં વાસી ગોદડામાં મોં ઘાલી.

હું ફરીથી ઘસડાતો ઘસડાતો
આકાશ આજે નહીં તો કાલે વેચાશે એવી આશાએ સંકલ્પપૂર્વક લેવા લાગ્યો સુદીર્ઘ શ્વાસ!
આ તો સાંકડી શેરીના લોકો
ને આકાશનો સોદો!
સહેજમાં પતે કે?
ચંદ્રકાન્ત શેઠ
સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળેલા આ કવિ પોતાનો ભાંગીને ભુક્કો કરી નાખતા જરા પણ અચકાતા નથી. અને એટલે જ લખે છે, 'ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ. એના મનમાં ખાલી સમય સડે છે.' પણ ખરી રીતે જોઈએ તો તેમના મનમાં કવિતાથી હર્યોભર્યો સમય છે. વળી આ જ કવિએ શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને, એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.ની વાત પણ કરી. તેમની કલમમાં નામ પ્રમાણે ચંદ્રની ચાંદની જેવું તેજ છે.
આ કવિતામાં સાંકડી શેરીના લોકોને આકાશ વેચવાની વાત કરીને સંકુચિત મનના માણસોને વિશાળતા આપતી વખતે શું મુશ્કેલી થઈ શકે તેવી વાત બખૂબ અને સુંદર રીતે કરી આપી છે. આકાશ વેચાનો અર્થ છે વિશાળ દૃષ્ટિ આપવાનો અને સાંકડી શેરી સાંકડા મનનું પ્રતીક છે.
જ્યારે કશુંક નવું કરવા જઈએ ત્યારે બધા ગાંડાઘેલા જ ગણે છે. એટલે જ કદાચ આ કવિએ લખ્યું કે જ્યારે હું આકાશ વેચવા નીકળ્યો ત્યારે લોકોએ મારો હુરિયો બોલાવ્યો, ધક્કે ચડાવ્યો, પથ્થર માર્યા, લૂગડાં ફાડ્યાં, મુઠ્ઠી છોડાવવા પ્રયત્ન કર્યો, પણ આકાશ ઓછું જ હોઈ શકે મુઠ્ઠીમાં? તમે ન માની શકાય તેવું કરવા જાવ, કશુંક વિશેષ કરવા જાવ ત્યારે આવું થાય જ, એવું કવિ પરોક્ષ રીતે કહેવા માગે છે. પણ આવા સંકુચિત મનના માણસો, સાંકડી મુઠ્ઠીમાં, ખિસ્સામાં આકાશ શોધે તો ઓછું કાંઈ મળે? પણ સાંકડી શેરીના માણસો તો સાંકડી જગ્યાએ જ શોધવાનાને?
આ આકાશ તો એક વિચાર છે, સંકુચિતતામાંથી મળવાની થતી મુક્તિનું પ્રતીક છે. એ કંઈ આવી સ્થૂળ જગ્યાએ થોડું હોય? આકાશ બતાવીને સાંકડી શેરીના લોકોને ઉન્નત બનાવવા માગે છે કવિ. તેમનાં ઢળેલાં પોપચાં અને નીચી નજરમાં આકાશ જેવી વિશાળતા આંજવા માગે છે. પણ સાંકડું મન તેમને વિશાળતા તરફ જવા દેતું નથી. બાકી તેમને માત્ર પોપચા ઊંચા કરીને ઉપર નજર જ કરવાની છે, આકાશ તો હતું ત્યાંનું ત્યાં જ છે યુગોથી.  કવિ આકાશ વેચવાને બહાને કશુંક બીજું જ કહેવા માગે છે. સીમિત થઈને બેસેલા લોકોને તે વાત સમજાતી નથી. બધા બારીબારણાં બંધ કરીને પોઢી ગયા છે. તેમને આવા આકાશની જરૂર નથી. તેમના વામણાપણાથી તે ખુશ છે.
આકાશ વેચનારાઓએ એમ કંઈ હારી ન જવાનું હોય. ગાંધીએ આખી જિંદગી સાંકડી શેરીમાં આકાશ વહેંચવાનું કામ કર્યું. ઈશુ, બુદ્ધ, મહાવીર, પયગંબર બધાએ શું કર્યું? સાવ સાંકડા બની ગયેલા લોકોના મનને વિશાળ આકાશ જેવું બનાવવાના પ્રયત્નો જ કર્યા છે ને? જ્યારે પણ આવું થાય ત્યારે સમજી લેવું કે આકાશ વેચવાની કોશિશ થઈ રહી છે. પણ જ્યારે સાંકડી શેરીમાં આકાશ વેચવા જશો ત્યારે સોદો એટલો સસ્તામાં નહીં પતે. તેની માટે તો ખર્ચાઈ જવાની પૂરી તૈયારી રાખવી પડે.
ચંદ્રકાન્ત શેઠ કવિ, વિવેચક, વાર્તાકાર એમ બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક છે. તેમની જ એક ખૂબ જાણીતી કવિતાથી લોગઆઉટ કરીએ.
લોગ આઉટઃ
નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી.
સતત છેડીએ તાર, છતાં કંઈ રણકે નહીં;
આ કેવો ચમકાર! કશુંયે ચમકે નહીં!
ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી.
લાંબી લાંબી વાટ, પહોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય? મને સમજાય નહીં;
આ તે કેવો દેશ? દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ? હું જ ત્યાં નથી નથી!
- ચંદ્રકાન્ત શેઠ
(અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા, રવિપૂર્તિ, ગુજરાત સમાચારમાંથી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો