ઓ હિન્દ દેવભૂમિ, સંતાન સૌ તમારાં...લોગઇનઃ
ઓ હિંદ દેવભૂમિ! સંતાન સૌ તમારાં!
કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારાં!
હિંદુ અને મુસલ્મિન: વિશ્વાસી, પારસી, જિન:
દેવી! સમાન રીતે સંતાન સૌ તમારાં.
પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી:
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં!
રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર, સંતાન સૌ તમારાં!
વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા સંતાન સૌ તમારાં!
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી:
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં!
ચાહો બધાં પરસ્પર, સાહો બધાં પરસ્પર,
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં!
કવિ કાન્ત
ભારત દેશ આઝાદ થયો તેના 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ પછી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વડપણ હેઠળ ભારતનું બંધારણ તૈયાર થયું. 26 જાન્યુઆરી,1950થી તે અમલમાં આવ્યું અને સત્તા ખરેખર બંધારણીય રીતે પ્રજાના હાથમાં આવી. આમ, 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવાનું નક્કી થયું. ભારતની આઝાદી વિશે, તે સમયના સંઘર્ષ વિશે, બલિદાન, રાષ્ટ્રપ્રેમ, શહીદી જેવા અનેક વિષયો વિશે કવિઓએ લખ્યું છે. પણ 26મી જાન્યુઆરી તો હિન્દના સંતાનોએ એકમેકની સાથે રહી રાષ્ટ્રગાન કરવાનો ઉત્સવ છે. માટે આજે કાન્તની આ કવિતા બિલકુલ પ્રાસંગિક છે. 1867માં જન્મી 1923માં અવસાન પામનાર આ સર્જક 55 વર્ષ જીવ્યા. લખ્યું ઓછું, પણ ખૂબ મજબૂત લખ્યું. તેમનાં ખંડકાવ્યોથી ગુજરાતી ભાષા રળિયાત છે. તેમના જીવનકાળ દરમિયાન ભારતમાં આઝાદીની ચળવળ અને લોકજાગ્રૃતિનો જુવાળ ફેલાઈ રહ્યો હતો. આથી તેમની કવિતામાં તેનો પડઘો ન પડે તો જ નવાઈ. નર્મદે તો હાકલ કરીને કહ્યું, સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે. પણ કાન્તે તો હિન્દને જ માતા કહી. જેના ખોળે આખો દેશ છે, એ દેશના તમામ લોકો આ માતાનાં સંતાનો છે.
ઘણા વિદેશીઓને નવાઈ લાગે છે કે આટલા દેશમાં સવા અબજની વસ્તી, વળી એ વસ્તીમાં વિવિધ ધર્મના લોકો, વળી એ ધર્મમાં પણ વિવિધ જ્ઞાતિ-પેટાજ્ઞાતિ ધરાવતા લોકો, વળી દરેક પ્રાંતની ભાષા અને બોલીઓ તથા પહેરવેશ, ખોરાક, રહેણીકરણી, રીતરિવાજ બધું જ અલગ, છતાં બધાં એક સાથે કઈ રીતે રહી શકે છે? એ જ તો આ દેશનું મોટું આશ્ચર્ય છે! આ તો હિન્દ તો દેવભૂમિ છે. તેના ખોળામાં તમામ ધર્મના લોકો એક બાળકની જેમ નિરાંતે પોઢી શકે છે. ઘણા તકસાધુઓ ધર્મનો અંચળો ઓઢીને હિન્દના પાયા હચમચાવવા મથ્યા છે અને મથતા રહે છે, પણ આ ધરતીની ધૂળે દરેક ધર્મના લોકોને નિતરતો પ્રેમ આપ્યો છે. બંધારણે દરેક ધર્મને કાયદકીય મુક્તિની જોગવાઈ આપી છે.
આ એ ભૂમિ છે જેણે વિશ્વના બે મહાન મહાકાવ્યો આપ્યાં- મહાભારત અને રામાયણ. આ એ ભૂમિ છે જ્યાં કબીર પણ ગવાય અને તુલસી પણ. જ્યાં રામ અને રહીમ બંને ખભેખભો મિલાવીને સાથે ચાલી શકે છે. આ એ ભૂમિ છે જ્યાં એક મોહને અમદાવાદથી દાંડી સુધી યાત્રા કરી અંગ્રેજી સરકારના પાયામાં લૂણો લગાડ્યો અને બીજા મોહને ગોકુળથી મથુરાની યાત્રા કરી કંસને હણ્યો. કાન્તે આ ભૂમિને દેવભૂમિ કહી, અર્થાત દેવોની ભૂમિ. દેવો એટલે કોણ? તમે અને હું, આપણે બધા. જેનામાં પણ પીડિત વ્યક્તિ પ્રત્યે હમદર્દી છે એ તમામ લોકો દેવ સમાન છે. જેનામાં નીતિ, પ્રામાણિકતા, નિષ્ઠા, સત્ય અને અહિંસાને માર્ગે ચાલવાની ત્રેવડ છે તે દેવ સમાન છે. આવા અનેક દેવો આ ભૂમિ પર પાક્યા છે, જેમણે સેવા-સુશ્રુશા કરીને પોતાનું જીવન આ અન્ય લોકો માટે અર્પિત કરી દીધું છે. કાન્ત એટલા માટે જ તો ભારતભૂમિને દેવોની ભૂમિ કહે છે. પેલા આકાશના દેવો તો આપણી શ્રદ્ધાનું એક પાત્ર છે, ધરતી પરના દેવો તો એ લોકો છે જે નિષ્ઠાપૂર્વક જરા પણ દ્વેષભાવ રાખ્યા વિના સૌની સેવા કરે છે, સૌને મદદ કરે છે. આજે 26મી જાન્યુઆરીના દિવસે આવો, આપણે આપણી દેવભૂમિ હિન્દમાતાને વંદન કરીએ.
અત્યારે સરહદે વારે-તહેવારે છમકલાં થતાં રહે છે. આપણે ત્યાંનો સામાન્ય માણસ શાંતિ ઝંખે છે તેમ પાડોશી દેશનો નાગરિક પણ એવી જ શાંતિની આશા રાખતો હોય. અમુક રાજકીય ફસાદોને લીધે સરહદો પર લોહી રેડાય છે. આવી સ્થિતિમાં વિવેક ટેલરની ગુજરાતી-હિન્દી બંને ભાષાની સંગતવાળી કાવ્યપંક્તિઓથી લોગઆઉટ કરીએ.
લોગ આઉટઃ
सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.
તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे
- વિવેક મનહર ટેલર
(અંતરનેટની કવિતા, અનિલ ચાવડા, રવિપૂર્તિ, ગુજરાત સમાચાર) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો