ચણીબોર જેવા ખટમધુરા પ્રેમનું ગીત



લોગઇનઃ

ચણીબોરને ઠળિયે 
નક્કી થાતું આજ આપણે મળીયે કે ના મળીયે

તું ફેંકીને કરે ઈશારો
ડોક હલાવી ‘હા’નો,
તો હું સાંજે મળવા આવું
ખુદથી છાનોમાનો,

મંછીમાને ફળિયે,
નક્કી થાતું આજ આપણે મળીયે કે ના મળીયે,

ચણીબોરનાં ખોબામાં હું 
પધરાવી દઉં ચિઠ્ઠી,
ખટુંબડી વાતોને વાંચે
આંખો તારી મીઠ્ઠી,

ધૂળ ખોતરતી સળીયે 
નક્કી થાતું આજ આપણે મળીયે કે ના મળીયે

ચંદ્રેશ મકવાણા

ગામડાનું શહેરીકરણ થતું જાય છે, અને ગામડું પહેલાના કવિઓ વર્ણવતા હતા તેવી નિર્દોષતા ગુમાવતું જાય છે. હવે મોબાઇલમાં ફરતાં ટેરવામાં પ્રેમનો ઇકરાર થાય છે. હા કે નાનો જવાબ પણ ઇનબોક્ષના આંગણે ઊગી નીકળતાં ઇમોજીથી થાય છે. ત્યારે ઉપર લખેલી કવિતા કોઈ જુદો અનુભવ કરાવે તો નવાઈ નહીં. કેમકે એન્ડ્રોઇડ ફોન આજે તળના ગામ સુધી પહોંચી ગયાં છે. પણ હૈયામાં પાંગરેલી નેચરલ ટેકનોલોજી કચકડાના ફોન કરતા કાચ જેવી પારદર્શક લાગણીને વધારે સમજે છે. ગામડાના બે યુવાહૈયાને પરસ્પર પ્રેમ થાય ત્યારે તેમાં પ્રગટતી નિર્દોષતા અને રોમાંચ કેવા હોય તે આ ગીતમાં સહેજે પ્રગટી જાય છે. યુવાહૈયાની દાસ્તાન કહેતું આ ગીત ખરેખર ચણીબોર જેવા ખટમીઠ્ઠા પ્રેમનો અનુભવ કરાવે છે. ચંદ્રેશ મકવાણા મૂળ ગામડેથી આવેલા કવિ, તેમની કલમમાં હજી ગામડું જીવે છે. તેમની કલમમાં ગામડાની માટીની સુગંધ અને શહેરી વાતાવરણની ‘ડસ્ટ’ બંનેનો સમન્વય જોવા મળે છે.

ગીતને વાંચવા કરતાં તેને કોઈ ફિલ્મના દૃશ્યની જેમ જુઓ. બે પ્રેમીઓ ચણીબોર ખાઈ રહ્યાં છે, અથવા તો એમ સમજો કે ચણીબોર વેચતી કોઈ બાઈ પાસે ઊભાં છે. ગામડાના બીજા લોકોની પણ હાજરી છે. આજે મળવું કે ન મળવું તે બાબતે બંને વિચારી રહ્યા છે. પણ આટલા બધા લોકોની હાજરીમાં સીધું કેમ કહેવું કે તું ફલાણી જગ્યાએ આવીને મને મળજે, એ છીક નથી. એ વખતે તો પેલું ફિલ્મીગીત છેને ‘આંખો હી આંખો મેં ઇશારા હો ગયા’ કે પછી ‘બાતે કર રહી હૈ નજર ચુપકે ચુપકે’ના પરમજ્ઞાન સાથે બંને એકમેકને આંખોની વાતોથી મળવાનું જણાવે છે. પ્રેમી પ્રેમિકાને મળવા કહે છે ત્યારે પ્રેમિકા સામે ઠળિયો ફેંકીને હાનો ઇશારો કરે છે. આટલામાં પ્રેમી બધું પામી જાય છે કે ક્યાં મળવાનું છે... બીજા તો ઠીક, પોતાનેય ખબર ન પડે તેમ પ્રેમ નક્કી કરેલા સ્થળે આવી જાય છે. ક્યાં મળવાનું, તો કહે મંછીમાના ફળિયે... મંછીમાના ફળિયે આ પ્રેમીપુષ્પો ખીલે છે!

વળી ચણીબોર લેતી વખતે છોકરો ચણીબોરની સાથે જ નાનકડી ચીઠ્ઠી ડૂચો વાળીને બોરની સાથે આપી દે છે. છોકરી પણ મીઠું મરકતા તેને છાનામાના લઈ લે છે. ચીઠ્ઠીમાં એ બંનેના પ્રેમની કાલીઘેલી વાતો લખી છે. એ વાતો વાંચીને છોકરીના ચહેરા પર ક્યારેક સ્મિત આવે છે, ક્યારેક શરમાઈ જાય છે, ક્યારેક હોઠ ભીંસી લે છે દાંત નીચે, ક્યાંરેક આંખોમાં મુગ્ધતા વ્યાપી જાય છે, એમ ચહેરા પર ચણીબોર જેવા મીઠા હાવભાવ ઉપસતા રહે છે. ઘણા ચણીબોર ખાટાં હોય, અહીં વાતોને પણ કવિએ આવા ખટુંબરા ચણીબોર જેવી કહી છે. વળી એ વાંચનારની આંખો મીઠી છે! ચિઠ્ઠી વાંચતા વાંચતા છોકરી શરમાઈ જાય છે અને સળી લઈને ધૂળ ખોતરવા લાગે છે. કદાચ ચિઠ્ઠીમાં ક્યાં મળવું, ક્યારે મળવું વગેરે વિગતો આપી છે. આ વિગતો તેના મનમાં પ્રેમનો અનોખો રોમાંચ જગવે છે.

આખું ગીત તમને દૃશ્યો સહિત દેખાય છેને? તેમાંનાં પાત્રો આંખ સામે હરતાફરતાં અનુભવાય છેને? આંખના ઇશારા, ચણીબોર, તેમાંથી ભરેલી મુઠ્ઠી, એમાં મુકેલી ચિઠ્ઠી, તે વાંચીને થતા હાવભાવ.... આ ગામડાના બે મુગ્ધહૈયાનું ખરું વેલેન્ટાઇન છે. નક્કી કરેલા દિવસે પ્રેમ થઈ શકતો નથી. પ્રેમ થાય એ દિવસ ખરેખર દિવસ ગણાય. અને એ દિવસ જ ખરો વેલેન્ટાઇન ગણાય.

આવી ખટમધુરી કવિતા લખનાર આ કવિની કલમથી ગીત સહજભાવે અવતરે છે. તેમના આવા જ એક સહસાધ્ય ગીત સાથે લોગઆઉટ કરીએ.

લોગ આઉટઃ

સમજી સમજીને તમે સમજી શકો તો પછી સમજાવી દઉ હું યે સાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં...

ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી
ભમરા ડંખે એ વાત જુદી,
ઝરણાનાં લીલાછમ્મ જળને મુકીને કોઈ
રણને ઝંખે એ વાત જુદી,

જરા ઓરા આવો તો એક લાખેણી વાત જરા કહી દઉ હું ધીમેથી કાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં...

સાગરમાં તરવાનો શોખ કદી જાગે
તો ડૂબવાની તૈયારી રાખવી
પ્રેમમાં પડ્યાનો કદી અવસર આવે તો
પ્રીત સહિયારી સહિયારી રાખવી

વાત એ પણ લખાઈ છે સીધીને સાફ વેદ, ગીતા કે બાઇબલ, કુરાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં...

- ચંદ્રેશ મકવાણા

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

1 ટિપ્પણી: