બટકુંક રોટલાને કાજ અમે વરસોથી લાખલાખ સૂરજ વેચેલા


લોગઇનઃ
વાલમ તો આખાયે ડીલે થ્યા મેલા!
ઉતરાવી માથેથી કોણે આ રેલાવ્યા આતમ પર ફ્ળફ્ળતા રેલા?
અજવાળે ઉતરે છે ગંધાતી રાત્યુંમાં, સૂરજ જયાં ડોકાતા બીવે,
મારા વાલમજી તો રોજરોજ અંધારા ઓઢે ને અંધારા પીવે;
રોન્ઢાની વેળાએ આવે તો લાગે છે, આવ્યા કોક ઋષિ અલબેલા!
વાલમ તો આખાયે ડીલે થ્યા મેલા!

ફાટેલી ચોખ્ખાઈ સીવતા રહ્યા રે અમે પેઢીદરપેઢી ચૂપચાપ,
બદલામાં બોલ્યાં છે, બે'ક વેણ બોદાં કે 'વાળું રે દેજો મા બાપ!'
બટકું'ક રોટલાને કાજ અમે વરસોથી લાખલાખ સૂરજ વેચેલા!
વાલમ તો આખાયે ડીલે થ્યા મેલા!

– વિપુલ પરમાર

ગુજરાતીમાં દલિત સાહિત્યમાં પણ સારું સર્જન થયું છે. નીરવ પટેલ, ભી. ન. વણકર, શંકર પેન્ટરથી લઈને અનેક કવિઓએ હૃદય કંપાવી દે તેવી કવિતા આપી છે, તો સામે મોહન પરમાર, દલપત ચૌહાણ જેવા ગદ્યકારોએ દલિતજીવનના અંધારા તરફ આંગળી ચીંધી છે. વિપુલ પરમારનું આ ગીત કંઈક એવા જ વિષયને છેડે છે. ગીતો તો ઘણાં લખાય છે, પણ સફાઈ કામદારની પત્નીનું ગીત કેવું હોય? આ ગીત વાંચો.

આજે પણ જે ગંદકી સાફ કરે છે, તેમની તરફ અણગમાની દૃષ્ટિથી જ જોવાય છે. એકવીસમી સદીમાં પણ દલિતોને હજી પછાત જ રખાયા છે, તેનાં ઉદાહરણો ઠેરઠેર જોવા મળે છે. થોડા દિવસ પહેલા જ કડી તાલુકાના લહેર ગામમાં દલીતો લગ્નનું વરઘોડું કાઢે તો તેમને પાંચ હજારનો દંડ કરવાનું ફરમાવવામાં આવ્યું. વળી ત્યાંના સરપંચે દલિતોને મજૂરી નહીં અને વાહનમાં ય બેસાડવાની ના પાડી. અનામત અને બિનઅનામતની વાતો થાય છે તેમના કાને આ અવાજો કેમ પહોંચતા નથી? જે બાળક વધારે નબળું હોય તેના પર માતા વધારે પ્રેમ રાખતી હોય છે, સમાજમાં પણ જે જાતિ વધારે નબળી હોય તેને વધારે મદદની જરૂર હોય છે, તે વાત પણ સમજવા જેવી છે. ખેર, વિપુલ પરમારની કવિતામાં એક દલિત પત્ની કે જેનો પતિ ગટર સાફ કરવાનું કામ કરે છે, વાળુ માંગે છે, તેની પીડાનો આનંદ કઈ રીતે વ્યક્ત કરે છે તે જોઈએ. પીડાનો આનંદ એટલા માટે કે તે અંધારા ઉલેચે છે, વહાલમ ડીલે મેલો થાય છે, પણ એનો મેલ એના માટે ગંદકી નથી. વળી પતિ રોંઢે આવે તો જાણે કોઈ અલબેલો ઋષિ આવ્યો હોય તેવું તેને લાગે છે. એની પીડામાંય તેને તો ભરથાર સાથે આનંદ છે.

કવિતાની શરૂઆત જ એવી છે કે વ્હાલમ તો આખાયે ડીલે થ્યા મેલા... જે માણસ ગટરમાં ઊતરે છે, ગંદકી સાફ કરે છે, એ મેલો તો થવાનો જ છેને? પણ આ મેલા હોવાનો ભાર જાણે શરીર પર નહીં આત્મા પર ફળફળતા રેલા જેમ રેલાતો હોય એવું લાગે છે... આત્મા પર ક્યારે રેલાય? જ્યારે તેના આ કામની કદર ન થાય, હડધૂત થાય, સમાજમાંથી નિગ્લેટ કરવામાં આવે ત્યારે ફળફળતા રેલા રેલાય. આ આખો સમાજ હડધૂત થઈને આતમ પર ફળફળતા રેલા સેહતો રહ્યો છે.

કાવ્યનાયિકા કહે છે કે મારા વહાલમ તો ધોળા દિવસે, કાળીડિબાંગ રાતમાં ઊતરે છે. ગટરમાં ધોળા દિવસેય કાળી રાત જેવું અંધારું જ હોય છેને? અને અંધારુંય કેવું? જ્યાં સૂરજ પણ ડોકાતા બીવે એવું... રાત પણ સાવ ગંધાતી.... વહાલમ રોજ આ ગટરમાં ઊતરીને બધું સાફ કરે છે. એની જિંદગી એમાં જ ગુંથાયેલી છે. પહેરવા ઓઢવા માટે આ દુર્ગંધ અને અંધારું જ છે. આવો વહાલમ ઘરે આવે ત્યારે અલબેલા ઋષિ જેવો લાગે એ વાતમાં એની પત્નીનો ગંદકીમાંય સુગંધ જેમ મહોરતો પ્રેમ છે.

ગંદકીની સોય સમાજની ચોખ્ખાઈને-સ્વચ્છતાને ફાડે છે, પણ આ સમાજના લોકો આ ફાટેલી ચોખ્ખાયુંને સીવે છે. કાવ્યનાયિકા કહે છે કે મારા વહાલમ પેઢી-દર-પેઢી ગંદકી સાફ કરવાનું કામ કરે છે. બદલમાં એટલું જ કહે છે કે, માઈબાપ વાળુ આલજો. આજે પણ ઘરે વાળુ માગવા આવનારની સામે લોકો ચીડથી જુએ છે. ગંદકી સાફ કરનાર આ વ્યક્તિએ પોતાના જીવનના લાખલાખ સૂરજ વેચેલા છે, તેમની જિંદગી દિવસેય જાણે સૂરજવિહોણી હોય છે. આખી કવિતા બટકુંક રોટલાને કાજ પોતાના લાખલાખ સૂરજ વેચતા સમાજની વાત કરતી હોય તેવી લાગે છે.

વિપુલ પરમારે આ કવિતામાં માત્ર એક સફાઈ કામદારની પત્નીની જ વાત નથી કરી, પરંતુ સમગ્ર દલિત-પીડિત-દરિદ્ર સમાજની વાત કરી છે. વિપુલ પરમાર નવા કવિઓમાં નોખી ભાત પાડતા અને આગવી દૃષ્ટિથી લખતા કવિ છે, કવિતાક્ષેત્રે તેમનામાં વિપુલ શક્યતા છે. તેમની જ એક અન્ય કવિતાથી લોગઆઉટ કરીએ. જેમાં કોઈ નવજાત શિશુને જન્મતાની સાથે તરછોડી કચરાટોપલીમાં ફેંકી દેવામાં આવે, તેની પીડા હૃદયદ્રાવક રીતે વ્યક્ત થઈ છે.

લોગઆઉટ

કચરાની આ ડોલ!
ઊંઆં... ઊંઆં... બોલી ખોલે માનવતાની પોલ!

બણબણનાં હાલરડાં વચ્ચે માખી ભરતી ચૂમી,
હૂ.. હૂ.. કરતાં લાડ લડાવે, શ્વાનો ફરતાં ઘૂમી,
‘અરે…અરે…’નું અમથું વાગે, માણસ નામે ઢોલ!
કચરાની આ ડોલ!

મઘમઘ મઘમઘ થાતી બદબો, કૂડો અડતાં ડીલે!
ફરફર-ફરફર વાસી ફૂલો, હાથ અડે ત્યાં ખીલે!
ખદબદ ખદબદ થાતો કોનાં ભીતરનો માહોલ?
કચરાની આ ડોલ!

– વિપુલ પરમાર

“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો