સામે સૂમસામ ઊભાં બુઠ્ઠાં ઝાડ,
પહાડ, ઉઘાડાં હાડ…
પથર પથરા પડ્યા ખખડિયાં નારિયેળ !
નદી તો, કોક આદિવાસી કન્યાનું હાડખોખું
આંખો ફોડીને ઊભી દિશાઓ,
વેળુ લઈને વાયરો ઊડે…
આભ છાબ ભરી ભરીને નાંખે અંગારા
બળે પર્ણપીંછાં
વીંઝાય જટાયુ શો સીમવગડો
અહીં કોઈ અગ્નિમુખો ફરે…
પ્હેરો ભરે… સૂર્યના હાથમાં આપીને ધારિયું !
– રામચન્દ્ર પટેલ
વર્તમાનપત્રોમાં કચ્છ તથા ગુજરાતના અન્ય વિસ્તારોમાં દુકાળના સમાચારો છપાય છે. ત્યારે તે વાંચીને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય પીગળી જાય. પાણી લેવા આકરા તાપમાં પાંચસાત કિલોમીટર ચાલવું પડે છે, વળી વિસામો ખાવા એક ઝાડ પણ ન મળે એવી પણ સ્થિતિ છે. અવારનવાર નર્મદાની કેનાલમાં ગાબડાં પડવાથી હજારો લીટર પાણી વેડફાયાના સમાચાર આવતા રહે છે. આજે જ્યારે ગુજરાતમાં પ્રજા પાણીના ટીપેટીપા માટે વલખે છે, ત્યારે પણ આ વેડફાયેલા પાણીનું મૂલ્ય સત્તાધારીઓને કેમ સમજાતું નથી? દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ છે. લીમડીના પાણશીણા ગામનીક નજીક કેનાલ તૂટતા હજારો લીટર પાણી વેડપાઈ ગયું હતું. સરકાર વધારે પાણી આપવાની વાત દૂર છે, જે છે તે વેડફ્યા વિના સાવચેતીપૂર્વક લોકો સુધી પહોંચાડે તોય ઘણું છે. આવો વેડફાટ તો ઘણી જગ્યાએ થયો છે.
દુષ્કાળની આ ભીતિમાં રામચંદ્ર પટેલની આ કવિતા કેટલી પ્રાસંગિક લાગે છે. દુષ્કાળમાં કેવી હાલત થાય છે તેનાથી ગુજરાત અપરિચિત નથી. નર્મદા પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છે, વર્ષોથી મહેનત થઈ રહી છે, છતાં આવી દુષ્કાળની સ્થિતિમાં પ્રજાએ મુકાવું પડે છે એ મોટી કરૂણતા છે. રામચંદ્ર પટેલે શબ્દોની પીંછીથી દુષ્કાળનું વરવું ચિત્ર આપણી સામે ખડું કરી દીધું છે. ચોમાસામાં લીલા ઘેઘૂર લાગતાં ઝાડ દુષ્કાળમાં સાવ બુઠ્ઠાં થઈ જાય છે. લીલોતરીની ચાદર ઓઢીને સૂતેલા પ્હાડ આવા સમયે જાણે ઊઘાડા પડી જતા હોય છે. જુદેજુદે ઠેકાણે પડેલા પથરા સુક્કા નાળિયેર પડ્યા હોય તેવા લાગતા હોય છે.
બેકાંઠે ભરપૂર વહેતી નદી પણ કેવી થઈ જાય છે? જાણે આદિવાસી કન્યાનું હાડખોખું. કવિએ કદાચ આદિવાસી કન્યાનું હાડખોખું એટલા માટે કહ્યું છે, કેમકે મોટાભાગે દુષ્કાળ જેવી સ્થિતિમાં આવી તળની પ્રજાએ જ વધારે ભોગવવાનું આવતું હોય છે. પાણી વિના ટળવળતી આવી કન્યાનું શરીર કેવું હાડપિંજર જેવું થઈ જાય છે! નદી પણ દુકાળમાં આવી જ સુક્કી હાડપિંજર જેવી થઈ જતી હોય છે. લીલોતરી વચ્ચેથી શીતળતા ઓઢીને ફરતો પવન પણ લૂ બનીને આગની જ્વાળા વરસાવતો હોય તેવું લાગે છે. બધી દિશાઓ વરવી પરિસ્થિતિથી ડઘાઈને બાપડી આંખો ફાડીને જોઈ રહે છે.
દુકાળમાં વરસાદ ન હોય, ઉપરથી આભ પણ બેહાથે જાણે અંગારા વેરવા જીદે ચડે. રડ્યાંખડ્યાં ઝાડનાં પાંદડાં આ અંગારામાં બળી જાય. જટાયુ જેમ સીતાને બચાવવા માટે રાવણ સામે યુદ્ધે ચડ્યો હતો, પાંખ વીંઝતો હતો, તેમ સીમ-વગડો પણ દુકાળ નામના રાવણ સામે પોતાની રહીસહી વૃદ્ધ ભીનાશ વીંઝે છે. તે જાણે લીલોતરી નામની સીતાનું હરણ નથી થવા દેવા માગતો, પણ આ તો દુકાળરૂપી રાવણ છે, એ જટાયુને ગાંઠે ખરો? વગડો પણ છેવટે દુકાળરૂપી રાવણના પ્રહારથી ઘાયલ થઈને પડે છે, સુક્કો ભઠ્ઠ થઈ જાય છે. કોઈ અદૃશ્ય તત્ત્વ જાણે સૂર્યના હાથમાં ધારિયું આપીને પહેરો ભરે છે. અને સૂર્ય પણ જ્વાળાનું આ ધારિયું વીંઝીને બધું ભસ્મીભૂત જ કરવા માગતો હોય એમ મંડી પડે છે! આપણે શાંતિથી વિચારીએ તો દુષ્કાળને નાથવા માટે આપણી પાસે વૃક્ષરૂપી જટાયુ છે. તે પોટાની ડાળીરૂપી પાંખ હંમેશાં વીંઝતો રહેશે. લીલોતરીની લીલી ઝંડી ફરકાવીને દુકાળને આઘો રાખશે. પણ આપણે વૃક્ષોના ઉછેરમાં હજી એટલા સાબદા નથી. યુગોથી દુષ્કાળરૂપી રાવણ સામે વૃક્ષરૂપી જટાયુ પાંખ વીંઝતો આવ્યો છે.
રામચંદ્ર પટેલે આ આખો ચિતાર ખૂબ કાવ્યાત્મક અને આંખ સામે તાદૃશ થઈ જાય તે રીતે આલેખી આપ્યો છે. આપણે છાપામાં કે ટીવીમાં સમાચાર જોઈએ છીએ, ત્યારે શું કરીએ છીએ? એકાદ કવિતા, ગઝલ કે નાનો સુવિચાર લખીને પોતાનો ગુસ્સો સોશિયલ મિડિયામાં ઠાલવી દઈએ છીએ! નક્કર કશાં પગલાં લેતાં નથી. પણ રોજ પોતાના ઘરે થતો પાણીનો વેડફાટ અટકાવવામાં આવે તોય ઘણું પાણી બચાવી શકાય છે. દેશભક્તિની વાતો કરનાર માણસો પોતાના વાપરવાના પાણીમાં કરકસર કરે તો એ ય દેશભક્તિ જ છે.
અબ્દુલ કરીમશેખે દુષ્કાળ શીર્ષકથી લખેલી એક ગઝલથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટ
શબ્દો છે બેશુમાર, ગઝલ એક પણ નથી,
વરસ્યો’તો ધોધમાર, ફસલ એક કણ નથી !
પેલું કબૂતરુંય હવે તો ન આવતું,
સાચે જ આ ચબૂતરે રોવાય ચણ નથી !
રણ તો હવે ગલી ગલી મહીં ઘૂસી ગયું,
ગોરજ ઊડે છતાંય અહીં કોઈ ધણ નથી !
લાશોને ચાલતી લહું શહેરો મહીં કદી,
કબરોમાં શમે એ જ ફક્ત કંઈ મરણ નથી !
આવીને કોઈ બેસતું વેરાનમાં એકલ,
હું જોઉં તેની સાથમાં વેરાન પણ નથી !
એવીય હશે વાત જે સમજાય ના કદી,
એવી અગમ્ય વાત છતાં એક પણ નથી.
ટીપુંય આભથી હવે પડશે નહીં ‘કરીમ’,
શબ્દોના સૂર્યમાં હવે એકે કિરણ નથી !
– અબ્દુલકરીમ શેખ
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
*અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા*
*અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો